
આજની કિટી પાર્ટીમાં વસુબહેન વિચારતાં હતાં કે હું એવું કહી દઈશ કે, " હવેથી હું કિટી પાર્ટીમાં નહીં આવું. " પણ ત્યાંનું વાતાવરણ જ એટલું ઉલ્લાસમય હોય કે એ આ વાત કરવાનું જ ભૂલી જાય. હાઊસી હોય કે વન મિનિટ ગેમ,દરેકમાં ઈનામ તાે વસુબહેન જ લઈ જતાં. બધાં કહેતાં કે, " વસુબહેન આપણી કીટીની જાન છે. " એટલું જ નહીં, જેને ત્યાં કીટી પાર્ટી હોય એ નાસ્તો બનાવવા માટે પણ વસુબહેનની મદદ લેતાં. વસુબહેનની આવડતના બધા બે મોંએ વખાણ કરતાં. જો કે વસુબહેનમાં અઢળક આવડતાે હોવા છતાં બધામાં સૌથી નમ્ર પણ વસુબહેન હતા. એ કાયમ કહે કે કુદરત આપણને ઘણું બધું શીખવે છે. જુઓ ને ઝાડ પર ફળ આવે એટલે ઝાડ નીચું નમે એમ માણસ પાસે પૈસો, આવડત બધું જ હોય તાે તેને નમી લેવું અને ક્યારેય કોઈ વાતનું અભિમાન કરવું નહીં . આવડત, જ્ઞાન જેટલું વહેંચાે એટલું વધતું જ જાય. આ બધી વાતો વસુબહેન સંતો, મહાત્માની જેમ કરતા નહીં પણ એ બધી વાતોનું પ્રતિબિંબ તેમના આચરણમાં દેખાઈ આવતું.
આમ તો કિટી પાર્ટીમાં ઉચ્ચ શ્રીમંત ઘરની સ્ત્રીઓ ભેગી થતી. બપોરના સમયે એક બીજા સાથે મળી ચા- નાસ્તો કરવો, નવી સાડીઓ, નવી ખરીદી, દાગીના વગેરેની વાતો થતી. આ બધામાં પાછળ એવી ગુસપુસ થતી કે આપણે બધામાં માત્ર વસુબહેન સુખી છે. અરે એમની વહુઓ તાે એમના વખાણ કરતા થાકતી નથી. વસુબહેનને ત્યાં શોધવું હોય તો માત્ર દુઃખ શોધવું પડે એમ છે. કોઈપણ વ્યક્તિ ભાગયે જ આટલી સુખી હોય. કહેવાય છે ઈશ્વર દરેક વ્યક્તિને કંઈક ને કંઈક દુઃખ આપે જ છે. પરંતુ આ વસુબહેનની વાત જ જુદી છે. એમની વહુઓ તો કાયમ કહે છે કે અમે નસીબદાર છીએ કે અમને આવી સાસુ મળી છે. ધંધામાં જાે કાેઈ મોટો સાેદો થવાનો હોય તો દીકરાઓ ઘરની બહાર નીકળતાં પહેલાં અચૂક વસુબેનને પગે લાગીને જતાં. છેલ્લા પાંચ વર્ષથી ,પતિનું મૃત્યુ થયું છતાં દીકરાઓએ માને એકલું લાગવા દીધું નથી. એમના પતિના મૃત્યુ વખતે પણ એમના ત્રણેય દીકરાઓ એમને વીંટળાઈ વળ્યા હતા અને કહેતા હતા, " મમ્મી, તું સહેજ પણ ચિંતા ના કરીશ. અમે તને કોઈ પણ વાતે ઓછું આવવા નહીં દઈએ. " જોકે દીકરાઓએ પણ એમનું વચન પાળી બતાવ્યું હતું. દર બે-ચાર વર્ષે એમની કાર બદલતા તો દરેક વખતે કારનાે કલર તથા મોડલ મમ્મીની પસંદગીનું હોય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. નવી કારનો ચેક પણ મમ્મીના હાથે જ આપવામાં આવતાે. દીકરાઓ કહેતાં કે ," અમે કમાઈ જાણીએ છીએ ,પરંતુ એમાં તારા આશીર્વાદ છે. એટલે કોઈ પણ નવી વસ્તુ કે નવો સાેદાે હોય એનાે ચેક અમે તારા હાથે જ અપાવીશું, " આ બધી વાતો સાંભળી વસુબેન ધન્ય થઇ જતાં. વેપારી આલમમાં પણ બધા વસુબહેનના દીકરાઓનું ઉદાહરણ આપતાં અને કહેતાં, " દીકરાઓ તો વસુબહેનના." ત્યાર બાદ વેપારીઓ કહેતાં, " તમારાં મમ્મીને અહીં લાવવાને બદલે અમે તમારે ત્યાં આવી તમારા મમ્મીના હાથે ચેક લઈ જઈશું. તમારા મમ્મીના હાથનો ચા- નાસ્તો પણ એ બહાને અમે કરતાં જઈશું. વસુબેન કહેતાં, " દીકરાઓ, નસીબદારાે ને ત્યાં મહેમાન આવે અને હક્ક કરીને માગે. એ તો આપણું મન જુએ છે બાકી આટલા મોટા વેપારીઓને આપણા ચા-નાસ્તાની પડી નથી હોતી. આતો એક આત્મીયતા છે. "વસુબહેન ગૌરવથી કહેતાં, " મારા દીકરામાં મારા સંસ્કાર ઠાંસી ઠાંસીને ભરાયા છે, " દરેક વખતે એમના હાથે ચેક અપાતો ત્યારે ઈશ્વરને એ જરૂર પ્રાર્થના કરતા કે, " મારા દીકરાઓને સફળતાના શિખર પર લઈ જજો. " અને ખરેખર જાણે કે ઈશ્વર એક માની સાચા હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળતો અને દીકરાઓની ઉત્તરોત્તર પ્રગતિ પણ થતી. જ્યારે ધંધો ખૂબ વિકસતો ગયો ત્યારે મોટા દીકરાએ કહ્યું કે ," હવે બીજા શહેરમાં પણ આપણે ધંધો શરૂ કરવો પડશે . હું એકલો આ બધું પહોંચી નથી શકતો ."
વચલો દીકરો બીજા શહેરમાં જવા તૈયાર થયો ત્યારે એની જીદ હતી કે મમ્મી અમારી સાથે જ આવે, પરંતુ વસુબહેનને જયાં પોતાના પતિની સ્મૃતિ હોય અને જ્યાં વર્ષોથી રહેતા હોય, આટલા બધાં પરિચિતાે હોય એ બધું છોડીને જવું ન હતું. છતાંય વચલા દીકરાને કહ્યું ,"બેટા, અવારનવાર હું તમારે ત્યાં આવતી રહીશ. તમે પણ અહીં આવતા જતા રહેજાે." પરંતુ વચલા દીકરાની પત્ની તો સાસુના ખભે માથું મૂકી ધ્રુસ્કે જ ચડી હતી. વસુબહેનનું ઘર દીકરાના દીકરાઓ અને એમની દીકરીઓથી કિલ્લાેભર્યું રહેતું હતું. દીકરાના દીકરાઓ અને દીકરીઓના માેંએ 'બા' શબ્દ ગુંજતાે રહેતો હતાે. પૌત્ર-પૌત્રીઓને કંઈ પણ ખાવા- પીવાની ઈચ્છા હોય તો માેંમાંથી 'બા' શબ્દ નીકળે અને એમની ફરમાઈશ કરેલી ચીજ-વસ્તુઓ કે વાનગીઓ સહજ મળી શકે. દીકરાઓ અને વહુઓને માથે તો કોઈ જવાબદારી હતી જ નહીં. વસુબહેન કહેતાં," દીકરા વહુઓના હરવા-ફરવાના દિવસો છે. ભલે ફરતાં અને આપણે પણ બે કામ કરી લઈએ એમાં શું ઘસાઈ જવાના હતા ? આખરે બાળકો સુખી તાે આપણે સુખી. "
દિવસો શાંતિથી સુખપૂર્વક પસાર થઈ રહ્યા હતા. જ્યારે સૌથી નાના દીકરાને ત્યાં દીકરી આવી ત્યારે વસુબહેન અનુભવ્યું કે પોતે સૌથી સુખી છે , પરંતુ નાના દીકરાની પત્ની સુખ-સાહ્યબીમાં ઊછરેલી હતી અેને બાળકો જોઈતાં હતાં પરંતુ એને ઉછેરવાની ઝંઝટ ગમતી નહીં. જાે કે વસુબહેનને તાે નાનકડી ઢીંગલી મળી ગઈ હતી. સવારે વહેલાં ઊઠતાં. મોટાભાગની રસોઈ અને સવારનો નાસ્તો પાેતે ઝટપટ બનાવી એકાદ કલાક સેવામાં બેસી જતા અને તરત જ નાની બાળકી માટે દૂધ ઉકાળતા. એના માટે પાતળી દાળ, રાબ બધું વસુબહેન તૈયાર કરતાં. વહુને થતું ચાલો શાંતિ. હવે મારે મારી દીકરીને નવડાવવા, ધાેવડાવવા, ઘોડિયાના હીંચકા નાંખવા, કપડા બદલાવવા એમાંથી મુક્તિ મળી ગઈ છે.
ત્યારબાદ તો નાની વહુએ સાસુ પર હુકમાે કરવાનું ચાલુ કરી દીધું ," મમ્મી, તમે હજી દૂધ નથી ઉકાળ્યું, આ મારી દીકરી કેટલું રડે છે, તમે હીંચકાે નાખીને સુવાડતા કેમ નથી ? હજી મારી દીકરી માટે નહાવાનું પાણી પણ ગરમ નથી કર્યું ? ઘડિયાળમાં જો દસ વાગવા આવ્યા. હજી મોટાભાઈની છોકરીઓના માથાં પણ ઓળ્યા નથી, રસોઈના ઠેકાણા નથી ? તમે આખો વખત શું કરો છો એ જ મને સમજાતું નથી. મારી મમ્મી તો ખૂબ ઝડપથી કામ કરે છે. મારી દીકરીને તો હાથમાં ને હાથમાં રાખે છે. તમારા જેવું નથી. તમે તો મોટાભાઈની દીકરીઓને જ સાચવો છો , મારી દીકરી અળખામણી છે. " વસુબહેન સ્તબ્ધ થઇ ગયા. અરે ! જે ઘરને સાચવવા માટે એમને રાત દિવસ એક કર્યા, પતિના મૃત્યુનું દુઃખ પણ મનમાં દબાવીને દીકરાઓ અને પાૈત્ર-પૌત્રીને ખુશ રાખ્યા કર્યા અને આજે આ દિવસ જાેવાનાે આવ્યો ?" તેથી થોડા દિવસો બાદ વસુબહેને કહ્યું કે, " હું થોડા દિવસ વચલા દીકરાને ત્યાં રહેવા જાઊં છું ." એ સાથે જ નાની વહુ બોલી ઊઠી, " તો હું પણ મારી મમ્મીને ત્યાં રહેવા જઈશ. મને બધાના વૈતરા કરવાની ટેવ નથી, " વસુબહેનને ખાતરી હતી કે વચલી વહુ એમને ખૂબ સારી રીતે રાખશે , કારણ કે ઘર છોડતી વખતે તો ખૂબ રડતી હતી. એ જ્યારે વચલા દીકરાને ત્યાં પહોંચ્યા ત્યારે એની પત્ની ખૂબ જ ખુશ હતી. સાસુને બાઝી પડી અને કહેવા લાગી, " મમ્મી, હવે તમે કાયમ અહીં જ રહેજાે. "
બીજા જ દિવસથી વહુએ કહેવા માંડ્યું, " મમ્મી, તમારા જેવી સેવાે તાે મારી બનતી જ નથી. તમારી રસોઈ જમ્યા બાદ તો બાપ દીકરો એક થઈને બોલે છે, " મમ્મી, તમને બા જેવી રસોઈ કરતાં આવડી જ નથી. હવે તો તમે આવી ગયા છો તો તમે તમારા દીકરાને અને પૌત્રને ખુશ રાખજો. મારે શાંતિ. " હવે તો વસુબહેન સમજી ચૂક્યાં હતાં કે નાની પુત્રવધુ સાસુને નહિ પરંતુ એની જવાબદારી ઉપાડી લેતી સાસુ ને પ્રેમ કરે છે.પરંતુ પોતાના પુત્ર અને પૌત્રને લીધે ચુપ રહી ,ચૂપચાપ કામ કર્યા કરતાં હતાં. વહુ અપમાન કરવાને બદલે સાસુના ભરપૂર વખાણ કરીને કામ કઢાવી લેતી.એના પડોશીઓ તથા એની બહેનપણીઓ આગળ સાસુ સાંભળે એ રીતે જ વખાણ કરતાં કહેતી, " ગોરમા પૂજવાથી સારો પતિ મળે પણ મેં તો જાણે-અજાણે એવા પુણ્ય કર્યા છે કે માથી અધિક રાખે એવી સાસુ મળી છે ," માનસિક રીતે વસુબહેન ભાંગી પડેલા. આટલાં બધાં વર્ષોનો થાક હવે શરીર પર વર્તાતો હતો. હવે કામમાં પહેલાં જેવી ઝડપ જ ક્યાં રહી હતી ! ડોક્ટરને બતાવ્યું તો કહયું, " શરીરમાં ઉંમરની અસર તો થાય જ. હવે શરીરને ઘસારો લાગ્યો છે. ઉપરાંત કમરના મણકા પણ ઘસાઈ ગયા છે. તમારે પૂરતા આરામની જરૂર છે. " વસુબહેને જોયું કે ડોક્ટરની વાત સાંભળી વહુએ માેં મચકાેડયું હતું.જો કે એ દરમિયાન જ એમના છોકરાના ફોન આવતા હતા કે," તમે પાછા આવી જાવ, "
વસુબહેન પાછા ફર્યા ત્યારે એમની કીટી પાર્ટીની બહેનપણીઓ ખુશ હતી, પરંતુ દર વખતે જ્યારે વસુબહેનને કિટી પાર્ટીમાં જવું હોય ત્યારે દીકરો ડ્રાઈવરને કહે," ઘરે જઈને મમ્મીને મૂકી આવજે. " પરંતુ આ વખતે વસુબહેને સામેથી કહયું,તો દિકરો બોલી ઉઠ્યો, "મમ્મી, આજે સમય નથી. તમે રિક્ષામાં જ જજાે. " વસુબહેનને ઈચ્છા હતી એ કે પહેલાં કિટી પાર્ટીમાં પહોંચી જાય. તેથી એ જેવા ઘર ની બહાર જવા નીકળ્યા કે નાની વહુનાે હુકમ સંભળાયો, " કેમ, હવે તમારો કિટી પાર્ટી નાે સમય વહેલાે થઈ ગયાે? મારી દીકરીને કોણ નવડાવશે? હજી તો તમે પાણી પણ ગરમ નથી મુક્યું. કોણ જાણે શું કર્યા કરો છો. ઘરમાં કામમાં તાે ચિત્ત ચાેંટતું જ નથી." પતિની હયાતી દરમિયાન કોઇ એક શબ્દ પણ એમને કહેવાની હિંમત કરતું નહીં અને આજે...વસુબહેનની આંખમાં આંસુ આવી ગયા. ખરાબ તબિયતે ઘડીક મન હળવું કરવા માટે એ વહેલા જવાના હતા એ વાત ઘરનાને એટલા માટે પસંદ ન હતી કે એમને સાસુના રૂપમાં ચાેવીસ કલાકની એક કામવાળીની જરૂર હતી. એમણે મનથી નક્કી કર્યું કે હવે આજે મારે જવું જ નથી. ત્યાં જ ડ્રાઇવરે હાેર્ન માર્યું. વસુબેન ખુશ થઈ ગયાં કે આખરે મારા દીકરાઓ તો મારા જ છે ને ?
પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે નાની વહુ તૈયાર થઈ બહાર નીકળતા બોલી ," અમે પિક્ચર જોવા જઈએ છીયે. બેબી રડે તાે સાચવજો. પાછા બહાર રખડવા ના નીકળતાં." દીકરો વહુ પાછા ફર્યા ત્યારે એમણે જોયું કે અત્યાર સુધી સફેદ કલરની કાર હતી, હવે નારંગી રંગની છે.તેથી તેમણે દીકરાને કહ્યું, " બેટા, તારા ભાઈબંધની કાર લઈને આવ્યાે છું ? " ત્યારે દીકરાએ જવાબ આપ્યો, " મમ્મી, મને તો તું જાણે છે કે નાનપણથી હું મારી વસ્તુ વાપરવા જ ટેવાયેલો છું. આ કાર તાે મેં ગયા અઠવાડિયે જ લીધી. બે- ચાર વર્ષે હું કાર બદલી જ કાઢું છું ને ? મને ઘસારાવાળી કાર ગમતી નથી." વસુબહેનને મનમાં થયું કે તું દર વખતે મને પૂછીને કાર નો કલર પસંદ કરતો . મારા હાથે પૈસા આપવતાે. તેં મારી ગેરહાજરીમાં કાર લીધી એ તો ઠીક પણ મને એની જાણ પણ ના કરી ? કહેવાનું મન થયું કે, " બેટા, મને સમજાઈ ગયું કે માત્ર કાર ઘસાઈ જાય, એનો ઘસારાે તને પસંદ નથી . હવે તો મા પણ ઘસાઈ ગઈ છે. જિંદગીના સરવૈયામાં ઘસારો બાદ કરતા વસ્તુની મૂળ કિંમત ઓછી થતી જાય છે. એમ હું પણ હવે ઘસાઈ ગઈ છું એટલે મને પણ મારું સ્થાન સમજાઈ ગયું છે. એમને એ સિવાય ઘણું બધું બોલવું હતું પણ હવે તો જાણે કે એમની જીભને પણ ઘસારો લાગી ગયો હોય એમ ચૂપ થઈ ગયાં.
0 Comments