About us

"શરણાઈના સુર”“ અબ્દુલ આવતા મહીના ૧૪ તારીખે વચંત પંચમીના દિવસે રીંકલના લગ્ન છે.. તારે મોડામાં મોડું ૧૩ તારીખે બપોર સુધીમાં પહોંચી જવાનું છે, મારી એકની એક દીકરીના લગ્ન છે. ધામધૂમથી લગ્ન કરવાના છે. જમાઈ સુહાસકુમાર કેનેડામાં સોફ્ટવેર એન્જીનીયર છે. પંદર દિવસ પહેલા જ બધું ગોઠવાયું છે. રીંકલ એના મામાને ત્યાં સુરત ગઈ હતી એમાં સુહાસકુમાર ની માતાએ રીંકલને જોઈ.મનમાં વસી ગઈ એણે રીંકલના મામા ને વાત કરી. જોણ ગોઠવાયુ. રીંકલને સુહાસકુમાર ગમી ગયા અને એટલે જ તાત્કાલિક લગ્ન લેવાયા છે. લગ્ન પછી એકાદ મહિનો સુધી સુહાસ કુમાર ભારતમાં રહેશે પછી કેનેડા જવાના છે. એટલે તારે અને સકીના એ બાપ દીકરીએ ૧૩ તારીખે આવી જ જવાનું છે. સુહાસ કુમારના મિત્રો કેનેડાથી અને દિલ્હીથી આવવાના છે. તારી શરણાઈના સુરે મારી દીકરી વળાવવાની ઈચ્છા છે!! બોલ છે ને ખુશીના સમાચાર!!”

જગા શેઠે અબ્દુલને કહ્યું. અબ્દુલની આંખ ભીની થઇ ગઈ અને એ બોલ્યો.


“અરે શેઠજી તમે ના કહો તો પણ હું તો આવું જ ને!! તમે મારા શેઠ કહેવાવ શેઠ!! તમારે તો મને હુકમ કરવાનો હોય હુકમ.. બહુ સારા સમાચાર આપ્યા જુઓને તમારી દીકરીના લગ્નમાં હું એવી શરણાઈ વગાડીશ કે લોકો દંગ રહી જશે!! શેઠ સાહેબ તમારી દીકરી એ મારી દીકરી જ ગણાય ને” અબ્દુલે બે હાથ ઉપર લંબાવીને કહ્યું.


“ અને હા બીજી વાત.. કે તને તારી એકની એક દીકરી સકીનાના સોગંદ છે જો ના પાડીશ તો.. તને સારી એવી રકમ પણ આપવાની છે એ તારે લેવી જ પડશે.. અત્યાર સુધી તે મારું બહુ માન રાખ્યું છે. દીકરાના લગ્નમાં ભલે ને તે એક પાઈ ના લીધી પણ આ મારે દીકરીનો પ્રસંગ છે અને છેલ્લો પ્રસંગ છે મારે બધાને ખુશ કરવાના છે. અને આ લે તારા માટે સુરત થી બે જોડી તૈયાર સુરવાળ અને કફની લેતો આવ્યો છું.અને બેટા સકીના તારા માટે પણ રીંકલે આ ત્રણ જોડી ડ્રેસ મોકલાવ્યા છે. લગ્નમાં પહેરવા માટે” કહીને જગા શેઠે બે થેલીઓ અબ્દુલ આગળ મૂકી. અબ્દુલે બે ય થેલીઓ લીધી અને બારણાની વચ્ચે ઉભેલી સકીનાને આપીને કહ્યું.


“શેઠ આની કોઈ જરૂરત નહોતી.. પણ તમે લાવ્યા જ છો એટલે લઇ લઉં છું બેટા સકીના જગા શેઠ માટે ચા મૂક્ય..


ચા પીને જગા શેઠ જવા રવાના થયા વાર તારીખ ફરીથી યાદ દેવડાવ્યા!! સકીનાને ૧૦૦ ની નોટ આપી અને જગા શેઠની કાર રસ્તા પર ચાલતી થઇ!!જગા શેઠ અને અબ્દુલ વચ્ચે ત્રીસ વરસનો ગાઢ સંબંધ હતો..!! સબંધ પણ અચાનક જ બંધાઈ ગયો હતો.. અમુક સબંધો માટે ખાસ પ્રબંધો કરવા પડતા નથી એ આપોઆપ સર્જાય છે!! આમ તો જગા શેઠનું વતન ચલાળા પાસે આવેલ એક નાનકડું ગામ.. જાતના પટેલ અને ખેતી સારી!! ચલાળા થી ધારી વચ્ચે એક ફળદ્રુપ જમીનનો એક લાંબો પટ્ટો આવેલો છે એ પટ્ટામાં જગા શેઠ ને દોઢસો વીઘા ચુરમા જેવી જમીન હતી. સાથોસાથ પાણીનું જુના વખતનું એક નવાણ પણ હતું જેમાં ગમે એવડો દુષ્કાળ પડે પાણી ખૂટતું જ નહિ.. ગામના વૃદ્ધ વ્યક્તિઓ કહેતા કે છપ્પનિયા કાળમાં પણ નવાણમાં પાણી ભરપુર હતું!! જગા પટેલના બાપા કાળું ભાઈ કાંડા બળિયા અને મહેનતુ હતા. એજ વારસો જગા પટેલમાં ઉતર્યો હતો. ઘરે સુખ સાયબીનો પાર નહોતો..!!


ત્રીસેક વરસ પહેલા જગા પટેલ કેરીઓ લેવા તાલાળા ગીર ટ્રેનમાં બેસીને ગયેલા. તાલાળા રેલવે સ્ટેશન પર ઉતરીને એ હાલીને આજુબાજુ આવેલ આંબાવાડીયામાં નજર નાખતા હતા. એ વખતે એની ઉમર ૨૫ વરસની હશે. તાલાળાની મુલાકાત લેવાનું કારણ એટલું જ હતું કે અઠવાડિયા પછી એને ઘરે ભાગવતની સપ્તાહ બેસવાની હતી. અને જગા શેઠના બાપા કાળું શેઠ ને એવી ઈચ્છા હતી કે આ વખતે ભાગવત કથામાં જે સબંધીઓ અને ભાવિકો કથા રસ પાન કરવા આવે એને ખાવામાં કેરીનો રસ અને પીવામાં શેરડીનો રસ સાતે સાત દિવસ આપવો. શેરડી માટેની વ્યવસ્થા તો થઇ ગઈ હતી પણ આટલી બધી કેરીની સગવડ કરવા માટે એ તાલાળા આવ્યા હતા. એક મોટા આંબાવાડિયા પર એની નજર ઠરી. ઝાંપો ખુલ્લો હતો અને આંબાવાડીયામાં કોયલના ટહુકા સંભળાતા હતાં. આજુબાજુ એક બે મોર પણ નજર આવ્યાં અને થોડે આઘેરૂ કોઈ શરણાઈ વગાડતું હોય એવું લાગ્યું.!! જગા શેઠ ત્યાં ગયેલા અને એક અઢારેક વરસનો છોકરો એક આંબાની ડાળ પર ચડીને શરણાઈના સુર રેલાવી રહ્યો હતો!! અબ્દુલ સાથેની એની આ પહેલી મુલાકાત!!


અબ્દુલ એ આંબાવાડિયામાં રખેવાળીનું કામ કરતો હતો. આંબાવાડિયાના માલિક સાથે વાત થઇ. કેરીનો ભાવતાલ થયો સાટું નક્કી થયું.. રોજે રોજે ચાલીશ મણ પાકલ કેરી તાલાળાથી ટ્રેનમાં ચડાવી દેવામાં આવશે. એ ચલાળા ઉતરી જશે.. બાનું દેવાઈ ગયું. જગા શેઠે અબ્દુલ વિષે પૂછ્યું..!! 

આંબાવાડિયાના માલિક દેવાયતભાઈ કહ્યું.

“એ છોકરો બાર વરસથી મારે ત્યાં છે..!! મને જ્યારે એ મળ્યો ત્યારે માંડ છ વરસનો હતો. હિન્દી બોલતો હતો. એ પોતાનું નામ જ બોલી શકતો હતો... એ વરસે અહી હિરણ નદી ગાંડીતુર બની હતી. બે ત્રણ ટ્રક એમાં તણાઈ ગયેલા હતા. યુપી બાજુના ટ્રક હતા.. અહી સાસણમાં બાંધકામનું ચાલે છે ત્યાં કામ કરતા હતા.

છોકરાનો ફોટો પણ છાપામાં આપેલો.પોલીસે બે ત્રણ દિવસ છોકરાને રાખ્યો.સાસણ અને તાલાળા અને છેક વેરાવળ સુધી બધે પૂછી જોયું..!! પોલીસે છેવટે અનાથાશ્રમમાં આ છોકરાને મુકવાનું નક્કી કર્યું હતું. આ છોકરો મને મળ્યો હતો એટલે કાગળિયાંમાં સહી કરવા માટે હું પોલીસ સ્ટેશન ગયેલો મારી ઘરવાળી શાંતુ મારી જોડે!! છોકરો મને જોઇને વળગી ગયો!! એને મારી સાથે આવવું હતું. શાંતાને જોઇને એ બોલ્યો “અમ્મી” અને શાંતાતો આભી જ બની ગઈ. મને એક બાજુ લઇ જઈને કહે કે આ ફૂલ જેવડા છોકરાને અનાથાશ્રમમાં થોડો મુકાય એ આપણી જોડે વાડીએ પડ્યો રહેશે!! બસ અબ્દુલને અમારી સાથે લઇ આવ્યાં. લોહીના ગુણ હોય કે ભગવાનની ભેટ એ શરણાઈ સરસ વગાડે છે!! એવી સરસ કે વાત ના પૂછો..!! હવે તો ગુજરાતી પણ બોલે છે અને આંબાવાડિયાનું બધું જ ધ્યાન રાખે છે!! અબ્દુલ મારા દીકરા કરતા વિશેષ છે” જગા શેઠને પણ અબ્દુલ પ્રત્યે લાગણી થઇ આવી.!!


બસ પછી તો ખુદ અબ્દુલ સપ્તાહના ચોથા દિવસે કેરીઓ લઈને ચલાળા ટ્રેનમાં ઉતર્યો.જગા શેઠ એને ઘરે લઇ ગયા. ભાગવત સપ્તાહમાં એણે શરણાઈ વગાડી!! અને સહુ આભા જ બની ગયા. શાસ્ત્રીજીએ બે ત્રણ વૃંદાવનના વ્રજભાષામાં ગીતો ગાયા અને અબ્દુલે એવી તો શરણાઈ વગાડી સહુની આંખમાં આંસુઓ હતા. વળતી ટ્રેનમાં જગા શેઠે દેવાયતભાઈ ને સંદેશો મોકલ્યો કે અબ્દુલ હવે સપ્તાહ પૂરી થશે ત્યારે જ આવશે!! જુના ફિલ્મના ગીતો પર અબ્દુલ અદ્ભુત શરણાઈ વગાડતો. સપ્તાહ પૂરી થઇ ભાગવત સપ્તાહ વાંચનાર શાસ્ત્રીજી જગતપ્રકાશજી એ કથા પૂરી થયા પછી કહ્યું.જગા ભાઈ આ છોકરાને ગળથૂથીમાં શરણાઈના સુર મળ્યા છે. હું ચાર વરસ વૃંદાવન રોકાયો છું. ત્યાના સારા સારા શરણાઈવાદકો સાંભળ્યા છે પણ અબ્દુલમાં જે ઊંચાઈ અને કરુણતા આવે છે એ ત્યાં કોઈનામાં નથી. આ તો ચિંથરે વીંટ્યું રતન છે. કોઈ અલગારી ફકીર ઓલિયો છે. જીવનભર સંબંધ સાચવશો તમારા જીવનમાં દુઃખ ક્યારેય નહિ આવે આ અબ્દુલના રૂપમાં તમને ઓલિયો મળી ગયો છે” 


બસ પછી તો જગા શેઠ આજુબાજુમાં કોઈ સબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો અબ્દુલ ને કહી દે કે તારે શરણાઈ વગાડવા આવવાનું છે અને અબ્દુલ તૈયાર જ હોય!! ના કોઈ ભાવ તાલ કે ના કોઈ રકઝક!! જગા શેઠ જે રકમ અપાવે ઈ લઇ લે પણ એક વાતનું નિયમ કે જગા શેઠ કહે ત્યાંજ એ શરણાઈ વગાડવા જાય બાકી કોઈ ગમે એટલા રૂપિયાની ઓફર કરે અબ્દુલના હોઠ પર શરણાઈ ના જાય એ ના જાય. સબંધ ઘાટો થતો ગયો.ત્રણ વરસ પછી અબ્દુલ સાસણ પાસેના એક ગામમાં પરણ્યો પણ ખરો. વરસ દિવસ પછી અબ્દુલને ત્યાં સકીનાનો જન્મ થયો. સકીના પાંચ વરસની હતી ત્યારે એની માતા ફાતીમાનું મૃત્યુ થયું હતું!!


જગા શેઠના દીકરાના લગ્નમાં પણ અબ્દુલ સકીના સાથે આવ્યો હતો. જાન પરણવા મહુવા ગઈ હતી. અને વરઘોડા વખતે જે શરણાઈ વગાડી અબ્દુલે તેના પર જાનૈયા તો પાગલ થઈને નાચ્યા પણ રસ્તે નીકળનાર મહુવા વાસીઓ પણ થંભી ગયા હતા.!! ખાસ તો કન્યા વિદાય વખતે અબ્દુલ

” બાબુલકી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે!!” એ શરણાઈ એ એટલું ઘૂંટીને કરુણ વગાડતો કે કઠણ કાળજાના લોકોની આંખમાંથી પણ રીતસરના આંસુઓ વહેવા લાગતા હતા. વાતાવરણ એટલું કરુણ બનતું કે આજુબાજુ સુનકાર અને એક ગમગીનીભર્યો સન્નાટો પ્રસરી જતો!!

સમય વીતતો ચાલ્યો.. દર ઉનાળે આંબા વાડિયામાં પેલો ફાલ આવે એટલે ચાર ટોપલા કેરીઓ લઈને અબ્દુલ દેવાયતભાઈની રજા લઈને પોતાની દીકરી સાથે એક દિવસ માટે જગા શેઠને ત્યાં આવે.. 

જગા શેઠની રીંકલ અને સકીના આખો દિવસ સાથે કાઢે!! અને વળી બીજા દિવસની ટ્રેનમાં જગા શેઠ એને ચલાળાથી વિદાય આપે!! શિયાળામાં લગ્ન પ્રસંગની સિઝનમાં અબ્દુલની શરણાઈ વાદનનું એડવાન્સ બુકિંગ થઇ જાય!! અને એ પણ જગા શેઠ પાસે જ .. જગા શેઠ જ બધી તારીખો ગોઠવી આપતા..!! અબ્દુલ પાસે હવે સારા પ્રમાણમાં પૈસા આવતા હતા. તેમ છતાં એ પૈસો એણે પોતાના માટે ક્યારેય વાપર્યો નહોતો. બાપ દીકરીને જોઈએ એટલા ખપ પુરતા પૈસા એ રાખીને બાકીના પૈસાની ખેરાત કરી દે!! દર શુક્રવારે એ મસ્જિદની બહાર જરુરીયામંદ લોકોને ખાવાનું કે કપડા વહેંચતો હોય અથવા તો તાલાળાથી નીકળતી ટ્રેનમાં જે કોઈ ફકીર ,સાધુ કે જરૂરિયાતમંદ લોકો મળી આવે એને યથા શક્તિ મદદ કરે!! રહેવાનું તો આંબાવાડિયામાં જ!! ઘણા વરસો સુધી કાચા મકાનમાં રહ્યા પછી એક વખત દેવાયતભાઈ બરાબરના ખીજાયા પછી માંડ માંડ અબ્દુલે સારું કહી શકાય એવું મકાન કરેલું..!! બસ સવાર સાંજ નમાઝ , આંબાવાડિયાનું ધ્યાન , પોતાની દીકરી સકીના, અને શરણાઈ!! અબ્દુલના જીવનનો ચતુષ્કોણ અહી જ પૂરો થઇ જતો હતો!!


લગ્નની તારીખ નજીક આવી જતી હતી. તડામાર તૈયારીઓ ચાલતી હતી. આઠ તારીખે વળી જગા શેઠે એક માણસને તાલાળા મોકલી આપ્યો અને અબ્દુલને કંકોતરી પહોંચાડી.


“શેઠ સાહેબને કહેજો કે ચિંતા ના કરે હું ૧૩ તારીખે આવું છુ.. હૈયે ધરપત રાખે” અબ્દુલે કહ્યું.


૧૩ તારીખે રાતે આઠ વાગ્યે ચલાળાના રેલવે સ્ટેશન પર અબ્દુલ ઉતર્યો. જગા શેઠે આપેલ સુરવાલ પહેર્યો હતો. માથે રાજસ્થાની પાઘડી હતી. અબ્દુલની શરણાઈ પર નવા નકોર ફૂમતા બંધાયેલા હતા.શેઠ નો મોટો દીકરો હરેશ એને લેવા આવ્યો હતો.

“ ચાચા સકીના ના આવી??”

“ ના દીકરા એ એના મામા ના ઘરે ગઈ છે કાલે બપોર સુધીમાં આવી જશે!! કેમ ચાલે છે દીકરા લગ્નની તૈયારી!! બધું હેમખેમ તો છે ને” અબ્દુલે કારમાં બેસતા કહ્યું.


“ હા ચાચા બસ તમારી જ રાહ હતી. આજે રાતે તમારું શરણાઈ વાદન સાથે ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. ઘણા લોકો તમારી શરણાઈવાદન સાંભળવા ઉત્સુક છે!!” જાન આજ બપોરે જ આવી ગઈ છે. આપણી જૂની વાડી છે ને ત્યાં દસ વીઘામાં મંડપ ગોઠવ્યો છે.. પણ માણસો જ એટલું આવ્યું છે ને કે લગભગ એ પણ ભરાઈ જશે”


“ એ તો બધું બેટા જગા શેઠને આભારી છે.. જગા શેઠ જેવો માણસવલ્લો માણસ ભાગ્યે જ જોવા મળે.. પારકી છઠ્ઠીનો જાગતલ માણસ છે તારા બાપા.. સંબંધ નિભાવી જાણે એવો માણસ છે!!” વાતો ચાલતી રહી ગાડી ગામમાં પ્રવેશી.


જગા શેઠના ઘરે જ અબ્દુલને ઉતારો અપાયો. અબ્દુલે કહ્યું મને તો વાડીએ જ ફાવશે!! અહી તમારે મેમાન હોય અને કપાણ થાય પણ જગા શેઠ બોલ્યા.


“ તારા જેવો સુવાણ વાળો ભાઈબંધ હોય ન્યા કપાણ આવી રહી ભાઈ” જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. આડા અવળી વાતો થઇ!! રાતે રાસ ગરબાનો કાર્યક્રમ ગોઠવાયો. રીંકલ આવી જમાઈ સાથે!! અબ્દુલ ચાચાએ ખુદા તાલા ની બંદગી કરતાં બે હાથ જોડીને કહ્યું.

“સદા સુખી રહે મારા દીકરા”


રાતે ગરબા રાસ પુર બહારમાં જામ્યા. અબ્દુલની શરણાઈ આજ અદભુત રસ વહાવતી હતી. માથે સાફો અને એમાં પીળા ફૂમતા સાથે ગરબાની મધ્યમાં એક્તાલે અબ્દુલ શરણાઈ વગાડતો હતો. બધા જ મંત્ર

મુગ્ધ થઇ ને શરણાઈના તાલે પગના સથવારે રાસ ગરબામાં ઝૂમી રહ્યા હતા. ગરબા રાતે બે વાગ્યા સુધી ચાલ્યા.સહુએ અબ્દુલના ભરપેટ વખાણ કર્યા.

સવારે વરઘોડામાં પણ અબ્દુલે જમાવટ કરી દીધી. જાનૈયાઓ મન મુકીને ફિલ્મોના ગીતના સહારે નાચ્યા!! અબ્દુલ આજે વરઘોડામાં પહેલી વાર ધીમે ધીમે થીરકતો હતો. વારે ઘડીએ એ સુહાસને લળીને માન આપતો હતો..!! વરઘોડો મંડપે પહોંચ્યો.. રીંકલ ના પરણેતર શરુ થયા. અબ્દુલ મંડપ સામે બેસી ગયો.કન્યાદાન નો સમય આવ્યો!! અબ્દુલે એક થેલીમાંથી સોનાના ઘરેણા કાઢ્યા અને જગા શેઠ સામે જઈને બે હાથ જોડ્યા.


“શેઠ તમારે કોઈ કમીના નથી!! હું લાવ્યો છું એ કાઈ નથી બસ રીંકલ દીકરા માટે આટલું જ લાવ્યો છું. આ લ્હાવો લેવા દેજો મને આજે” કહીને ભીની આંખે રીંકલ સામે ઘરેણા મુક્યા. એમાં એક ઘડિયાળ પણ હતું. સુહાસના હાથે ઘડિયાળ પહેરાવીને અબ્દુલ બોલ્યો”

“જમાઈ રાજા સાચવજો અમારા રતનને!! ખુદા તાલા તમારી જોડી સલામત રાખે” જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. માંડવે રહેલા સહુની આંખો ભીની થઇ. જગા શેઠ અને અબ્દુલ સાથે જમ્યા. પરણેતર પુરા થયા!! 

કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો!!

અબ્દુલની શરણાઈએ સુર વહાવ્યા.

“બાબુલકી દુઆએ લેતી જા, જા તુજે સુખી સંસાર મિલે” અબ્દુલના શરીરમાં જેટલા શ્વાસ હતા એ તમામ ઘૂંટાઈ ઘૂંટાઈ ને બહાર આવી રહ્યા હતા!! રીંકલને વિદાય અપાઈ રહી હતી. સામાન્ય રીતે કન્યા વિદાયમાં અબ્દુલ ત્રીસ મિનીટ કરતા વધારે શરણાઈ વગાડતો નહિ..પણ આજે એણે એક કલાક સુધી શરણાઈ વગાડી દિલ દઈને વગાડી!! 

વાતાવરણમાં એક ઘેરી કરુણતા છલકાઈ ગઈ.તમામની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા.!! ગામને પાદર અબ્દુલ એક બાજુ ઉભો રહી ગયો હતો !! રીંકલ અને સુહાસકુમારે વિદાય લીધી અને જગા શેઠનો એક છેલ્લો પ્રસગ ધામધુમથી ઉકલી ગયો..!! સહુ પાછા કામમાં લાગી ગયા!!


સાંજે આઠેક વાગ્યે જગા શેઠે એના દીકરા હરેશને પૂછ્યું.

“અબ્દુલ ક્યાં ગયો દેખાતો નથી.. કદાચ થાકીને સુઈ ગયો હશે?? ક્યાં છે એ???”

“ એ તો તરત જ નીકળી ગયો હતો રીંકલની વિદાય થઇ ત્યારે!! મને કીધું કે શેઠને વાત ના કરતા મારે ઉતાવળ છે પછી નિરાંતે આવીશ. તમે વ્યવસ્થા કરી દો એટલે મેં એક કારમાં એની જવાની વ્યવસ્થા કરી દીધી છે. એ કાર પણ હમણા જ તાલાળા એને મુકીને આવી જશે.”


“મારો ખરો કહેવાય પણ એણે રંગ રાખી દીધો એ વાત પાકી છે.. બધા એની શરણાઈના સુર સાંભળીને ખુબજ ખુશ હતા.. અને એણે રીંકલને પણ ઘણું આપ્યું છે..જમાઈને પણ ઘડિયાળ આપી છે. હવે આવતે વરસે એની દીકરીની શાદી છે એનો તમામ ખર્ચ આપણે ઉઠાવવાનો છે!!”


ત્યાં અબ્દુલને મુકીને કાર પાછી આવી. કારમાંથી હરેશનો ભાઈબંધ ઉતર્યો અને સીધો આવીને ઝપાટાભેર બોલી ઉઠ્યો.

“હરેશ ભાઈ ભારે થઇ છે. હું અબ્દુલને લઈને તાલાળા પહોંચ્યો. રેલવે સ્ટેશન પર જ એ ઉતરી ગયો અને મને કહે કે હું ચાલીને જતો રહીશ. મને ચા પાઈ સ્ટેશન પર અને એ જતો રહ્યો. હું એને ઘર સુધી મુકવા જવાનો હતો.પણ એને ના પાડી અને કીધું કે રસ્તો ખરાબ છે.રસ્તાનું રીપેરીંગ કામ હાલે છે. એ ગયા પછી ચા વાળા એ જે વાત કરી એ સાંભળીને હું થથરી ગયો!! કાલે વહેલી સવારે એ અને સકીના પેલી ગાડીમાં આપણે ત્યાં આવવાના હતા અને ચાર વાગ્યે સકીનાને સાપ કરડ્યો. સકીના થોડી જ વારમાં મૃત્યુ પામી. આંબાવાડિયા ના માણસો ભેગા થઇ ગયા!! આજુબાજુમાં બધેજ આ સમાચાર સાંભળીને અરેરાટી ફેલાઈ ગઈ!! સકીનાની દફન વિધિ કરીને એ ત્રણ વાગ્યે નવા કપડા પહેરીને સ્ટેશન પર આવી ગયો આપણે ત્યાં!! અને રેલવે સ્ટેશન પર એની સાથે દેવાયતભાઈ હતા એને કહેતો હતો!!

દેવાયતભાઈ જે થવાનું હતું એ થયું.. જગા શેઠને ત્યાં જવું પડશે એમાં નહિ હાલે!! એને કોઈ વાતની ખબર ના પડવી જોઈએ નહીતર એનો પ્રસંગ બગડશે!! ખુદા તાલાને જે ગમ્યું એ!! સકીના ને વળાવવાની આ હાથે ઈચ્છા હતી. પણ હવે રીંકલને વળાવી આવું ત્યાં સુધી ઘરે સાચવજો!! આમ તો હવે સાચવવા જેવું કાઈ બચ્યું તો નથી!! પણ તોય મહેમાનો તો આવશે જ!! નાનો હતો ત્યારે જેવી રીતે મને સાચવ્યો હતો બસ હવે એક દહાડો આવી જ રીતે સાચવી લેજો!! અત્યારે હું નહિ જાવ તો જગા શેઠ ગાડી લઈને કોઈકને તેડવા મોકલશે અને ખબર પડી જાશે તો લગ્ન અધૂરા રહેશે..” હોટલ વાળો આ વાતચીત સાંભળતો હતો એણે મને આમ કહ્યું!! પણ માણસ કઠણીયો ખરો દીકરીનું મૃત્યુ થયું હોવા છતાં મોઢા પર એક રેખા ના બદલાણી અને શરણાઈ વગાડીને પ્રસંગ દીપાવી દીધો!”


જગા શેઠની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.. આટલા આંસુ તો રીંકલને વળાવી ને ત્યારે પણ નહોતા આવ્યાં.!!


“હરેશ ગાડી લઇ લે ચાલ મારે અત્યારે ને અત્યારે તાલાળા જવું છે.. હું હવે ત્યાં રોકાઈશ એમની દીકરીની તમામ વિધિ પૂર્ણ થયે જ આવીશ” જગા શેઠ બોલીને સીધા જ કારમાં બેસી ગયા!!


રાતના દોઢના સુમારે કાર તાલાળામાં આવેલ દેવાયતભાઈના આંબા વાડીયે પહોંચી. અબ્દુલની આગળ ચાર પાંચ માણસો બેઠા હતા!! શેઠે ગાડીમાંથી ઉતારીને સીધી જ દોટ મૂકી.

અબ્દુલને ભેટીને શેઠ રોઈ પડ્યા. સ્વસ્થ થયા પછી બોલ્યા.

“આવું થયું ને તોય તું આવ્યો ભલાદમી!! જાણ તો કરાયને??”


“ખુદા તાલાની જેવી મરજી શેઠ.. ખુદા એ મને એક વરસ વહેલા દીકરી વળાવવાનું સુખ આપી દીધું.. બસ રીંકલ જ મારી સકીના છે શેઠ!! મનમાં કોઈ ફરિયાદ નથી!! જેવી મારી મનની ઈચ્છા હતી એવી જ રીતે દીકરીને વિદાય આપી દીધી છે!! ખુદા સામે કોઈ જ ફરિયાદ નથી!! શું હતું મારી પાસે?? ખુદા એ જ આ બધું આપ્યું છે અને જેણે આપ્યું એ બધું જ લઇ લે એમાં ફરિયાદ શાની?? આજ તો જીવન છે શેઠ!! આજ તો જીવન છે!!” ડુસકા ભરતા ભરતા છેવટે અબ્દુલ છાતીફાટ રોઈ પડ્યો!!


જગા શેઠ ત્યાં રોકાઈ ગયા. બધી જ વિધિઓ પૂરી થઇ તેટલા દિવસો એ ત્યાં રોકાયા. અબ્દુલના મનની સાથે હવે તન ભાંગી પડ્યું. શરીર ગળતું ગયું અને મહિના પછી અબ્દુલને સખત તાવ આવ્યો. જગા શેઠ એમને અમરેલીની હોસ્પીટલમાં લઇ આવ્યા. સારામાં સારી સારવાર કરી. તાવ સખત વધી ગયો. અબ્દુલે કહ્યું.


“ જગા શેઠ હવે છેલ્લા જુહાર છે.. એક કામ કરો મને મારી શરણાઈ લાવી આપો!! છેલ્લી વાર બજાવી લઉં!!” શરણાઈ લાવવામાં આવી..રાતના ત્રણ વાગ્યે અબ્દુલે પથારીમાં બેઠા બેઠા શરણાઈના ધીમા સુર રેલાવ્યા!! સામે એક નર્સ એક ડોકટર અને જગા શેઠના ઘરના તમામ સભ્યો ઉભા હતા!! એ જ જાણીતા સુર એજ કરુણતાની ચરમસીમા

“બાબુલકી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે”


થોડીવાર પછી શરણાઈના સુર મંદ થતા ગયા અને અબ્દુલના શ્વાસોશ્વાસ પણ!! અબ્દુલ અને એની સુરાવલીએ એકી સાથે વિદાય લીધી!!

Post a comment

0 Comments