About us

ભાગ



નેવું વર્ષના મમ્મીનું અવસાન થયું ત્યારે હેમંતની ઉંમર બોંતેર વર્ષની હતી. એમની પત્ની એમના કરતાં એક વર્ષ નાની હતી. પરંતુ બંનેની તબિયત સાજીમાંદી રહેતી હતી. તેથીજ હેમંતની દિકરીએ કહ્યું, "પપ્પા, તમારી ઉંમર થઈ ગઈ છે. બા હતા ત્યાં સુધી તો હું તમને કંઈ કહેતી ન હોતી પરંતુ હવે હું તમને એકલા નહિ રહેવા દઉં. તમે આખી જીંદગી બીજા બધા માટે જ જીવ્યા છો. હવે તો તમે તમારા માટે જીવો. "


દિકરીની વાત સાંભળી હેંમત બોલી ઉઠયો, "બેટા, આજ પછી તું અાવી વાત ના કરીશ કે જે સાંભળીને મને દુઃખ થાય. એ બધા બીજા નહતાં એ બધા તો મારા ભાઈઓ અને બહેનો હતાં. એ બીજા કંઈ રીતે કહેવાય ? "


હેંમત વિચારતો હતો કે આજકાલના બાળકોમાં આપણા અને બીજા એવો વિચાર જ કેમ આવે છે ? મારા બાળકોમાં આ સંસ્કાર આવ્યા કયાંથી ? હેંમતથી નાના બીજા ચાર ભાઈઓ અને બે બહેનો. ગામમાં રહીને એસ. એસ. સી. કર્યુ. આગળ ભણવું તો હતું જ. બે વર્ષ પહેલાં પિતાજીનું અવસાન થતાં ઘરની બધી જવાબદારી એના પર આવી પડી હતી. પરંતુ એ વાસ્તવિકતાથી અજાણ ન હતો. ભણતરની કિંમત સમજતો હતો. તેથીજ એક દૂરના સગાને ત્યાં શહેરમાં  રહેવાનું નક્કી કર્યુ. એ વખતે એસ. એસ સી. ની કિંમત હતી એટલે એને ભણવાની સાથે સાથે નોકરી પણ કરવા માંડી. પોતાનો ખર્ચ કાઢતાં પણ બચત થતી હતી. બે વર્ષ બાદ એનાથી નાનો ભાઈ પણ એસ. એસ. સી. થઈ ગયો. તેથીજ એને એક રુમ ભાડે રાખી લીધો. અને નાના ભાઈને પણ શહેરમાં બોલાવી લીધો. બંને ભેગા થઈને રસોઈ પણ બનાવતાં. ત્યારબાદ એનાથી નાનાભાઈઓ પણ એસ. એસ. સી. થઈ ગયા. બધાને વારાફરતી શહેરમાં બોલાવતાં જ રહ્યો. બે નાની બહેનો માટે પણ જે બચત થયેલી અે એમના લગ્ન માં ખર્ચ કરી કાઢ્યો. 


એ દરમ્યાન એ બી. કોમ. પણ થઈ ગયો. સારી નોકરી પણ મળી ગઈ. ઘરના કહેતાં, "હવે તું લગ્ન કરી લે" પરંતુ એનો એક જ જવાબ હતો." મારા નાના ભાઈઓના લગ્ન થાય પછી જ હું લગ્ન કરીશ"કદાચ આવનારી ને મારા ભાઈઓ સાથે ના ફાવે અને જુદા રહેવાનું કહે તો મારા ભાઈઓ અને બહેનો નું શું ? 


નાનાભાઈઓના લગ્ન થતાં રહ્યાં. એ દરમ્યાન હેંમતને સરકારી નોકરી હોવાને કારણે ઘર માટે લોન મળતી હતી. પરંતુ એની પાસે એટલા પૈસા ન હતા, તેથી નાનાભાઈઓ અે કહ્યું, "મોટાભાઈ તમે લોન લઈ લો, ખુટતાં પૈસા અમે આપીશું. એમની માતાને ખબર પડતાં બોલ્યા, " બેટા, તમારી બહેનોના લગ્ન થઈ ગયા છે. તારા ભાઈઓના લગ્ન માટે મેં દાગીના કાઢી રાખ્યા છે. હવે તું અને તારા બે ભાઈઓ જ બાકી છે. તમારા ભાગના દાગીના કાઢતાં પણ મારી પાસે બીજા દાગીના છે. હું, માત્ર મારા માટે આ ચાર તોલાનો હાર રહેવા દઉં છું. મારા મૃત્યુ બાદ તમે બધા ભાઈઓ સંપીને વહેંચી લે જો. બધાની મહેનતના પ્રમાણમાં ઘણું જ મોટું ઘર મળી ગયું હતું. છતાં પણ જેમ જેમ ભાઈઓના લગ્ન થતાં ગયા અને દરેક ભાઈએ કમાતી પત્ની પસંદ કરી હતી. જેથી થોડા વર્ષોમાં દરેકનું પોતાનું  મકાન થઈ ગયું હતું. હેંમતે નોકરી નહિ કરતી પત્ની પસંદ કરી હતી. જોકે ત્યાં સુધી નાનાભાઈઓને ત્યાં પણ દિકરાદિકરીઓ આવી ગયા હતા. એમના વિચારો મુજબ ની પત્ની પણ મળી ગઈ હતી. ઘરરખ્ખુ  અને ખાનદાન ગૃહિણી, મળી ગઈ હતી. અેમને એક દિકરી જ હતી. એના જન્મ પહેલાં દરેક ભાઈઓના ઘર થઈ ગયા હતાં. એમની દિકરી એ સંયુક્ત કુટુંબ જાયું જ  ન હતું તેથીજ એનામાં કુટુંબ ભાવના ક્યાં થી વિકસે ? 

તેથી તો આજે એની પુત્રી એવું કહેતી હતી કે ,"તમે બીજા માટે જીવ્યા!!"


જોકે એમને નક્કી કરેલું કે હવે માત્ર દિકરી જ એમનો આશરો હતી અને મિલકત પણ આખરે એને જ આપવાની છે ને ! અને દર મહિને અમુક રકમ ખાવાપીવા નિમિત્તે આપતાં રહીશું. 


તેથીજ એમને બધા ભાઈઓને બોલાવી  લીધા અને કહ્યું, "હવે આજે મમ્મી હયાત નથી આ ઘર માટે તમે બધાએ પૈસા આપ્યા છે હવે ભાગ પાડવાના છે. તમે દરેક જણે જે પૈસા કાઢયા છે તે મુજબ તમે પૈસા કહો તો ઘર વેચીને દરેક પોતાનો ભાગ લઈ લો. અને આ મમ્મીનો હાર સરખા ભાગે એના પૈસા વહેંચી લેવાના છે. તમે બધા જે રકમ કહો તે હું આપવા તૈયાર છું. મેં સોનીને કહ્યું છે કે એ હારની કિંમત કરશે એ આપણે માન્ય રાખીશું અને સરખા ભાગે વહેંચી લઈશું. 


બધા ભાઈઓએ વારાફરતી હાર હાથમાં લીધો અને બધા એ ઉભા થઇને અે હાર હેમંતના ગળામાં પહેરાવતા  કહ્યું, "હાર ના ભાગ પડી ગયા અને ઘરના ભાગ માટે તમે અહીં સહી કરી દો. એટલે મિલકત ના ભાગ પડી જાય. હેંમતે સહી કરી એ સાથે જ બધા ભાઈઓએ મિઠાઈનો ડબ્બો ખોલ્યો, " આપણી મિલકતના ભાગ પડી ગયા. તમે સહી કરી એ પહેલાં જ અમે કાગળિયાં તૈયાર રાખેલાં. અમે સ્વેચ્છાએ ઘરનો ભાગ છોડી દીધો છે. ભાઈ તમે પણ સ્વેચ્છાએ બધી જવાબદારી સ્વીકારી હતી તો  શું અમે સ્વેચ્છાએ ભાગ ના છોડી શકીએ.? હવે પછી ભાગ પાડવાની વાત કરી પ્રેમના ભાગ ના પાડતાં. છેવટે બધાં ભાઈઓ હેંમતને પગે લાગી છૂટા પડયા. ત્યારે લાગતું હતું જાણે કે ઈશ્વર આ કુટુંબ પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા.

Post a comment

0 Comments