About us

અગિયારમી દિશા



આજે શરણ્યાની ૫૧મી વર્ષગાંઠ. માલેતુજાર પતિ વિપ્લવે અગાઉથી જ બર્થડે ગિફટ તરીકે વર્લ્ડટુર બુક કરાવી હોય બંને પતિ-પત્ની વર્લ્ડટુરની મજા માણી રહ્યાં હતાં. અલબત પોતપોતાની રીતે. શરણ્યા કોણીએ ગોળ ચોપડવામાં માહેર એવાં રંગીન મિજાજનાં પતિ વિપ્લવને ત્રીસ-ત્રીસ વર્ષથી સારી પેઠે જાણતી હતી. 

 

સમાજમાં પ્રતિષ્ઠા જમાવવા, પોતાની ધર્મપત્નિ પ્રત્યે અપ્રતિમ પ્રેમ દર્શાવવાનાં બહાને પતિ વિપ્લવે પોતાનો રોટલો શેકી લીધો હતો. એનો ઈશારો તો દેશ-દેશાવરની નાઈટપાર્ટીસ અને રંગરેલીયા મનાવી મજા માણવામાં મશગૂલ હતો. પરંતુ શરણ્યા માટે આ કોઈ આઘાત ન હતો. એણે તો વર્ષો પહેલાં વાસ્તવિકતા પચાવી લીધી હતી. શરૂઆતમાં શરણ્યાને વિપ્લવનાં આવાં વર્તનથી ખૂબ દુઃખ થતું હતું. જેની છાતી ભીંસાતી હતી. શ્વાસ ગુંગળાતો હતો પરંતુ, સમયની સાથે શરણ્યા આ દર્દને આદત તરીકે સ્વીકારવામાં સફળ થઈ જતી હતી. પતિ એ જ ગતિ અને એ જ મુક્તિ એવું એણે મનનાં માળખામાં જડી દીધું હતું. એણે એકાંતના અરણ્યમાં પોતાની જાત સાથે ખૂબ જ સારી રીતે જીવતાં શીખી લીધું હતું. 

 

આજે વર્ષગાંઠના દિવસે અગાઉનાં પ્લાનમુજબ બંને પતિ-પત્ની એફિલટાવરની મુલાકાતે હતા. એફિલટાવરનો નજારો નીચેથી ઉપર સુધી માણી રોમાંચ અનુભવી રહેલ શરણ્યાનાં દિલમાંથી અચાનક એક ઝરણું ફૂટી નીકળ્યું. અને, એ ઝરણું ક્ષણનાં સોમાં ભાગમાં દરિયો થઈ એનાં દિમાગમાં જઈ બેઠું. વાત અહીં અટકી નહિં અને શરણ્યાનાં દિમાગમાં વિચારોનાં સુનામીએ ભરડો લીધો. પચાસવર્ષનાં લેખાજોખાં કરતાં કરતાં શરણ્યા વીસના પહાડ જેવાં ઉંબરે અટકી ગઈ, ફસડાઈ પડી હૃદયનો જે એક ટુકડો એણે ચીરી, ફાડી, તોડી, મરોડી ક્યાંક પૃથ્વીનાં છઠ્ઠા ખૂણામાં ફેંકી દીધો હતો એ જાણે ખબર નહિં ક્યાંકથી ફરી ધીમે-ધીમે સળવળાટ કરી રહ્યો હતો. 

 

જુનિયર કે.જી.થી એક જ બેંચ પર બાજુમાં બેઠેલ શિવોહમની યાદોનું માવઠું અચાનક વરસી પડ્યું. શરણ્યાનાં દિલમાંથી ઉદ્દગારો સરી પડ્યા શિવોહમ.... શિવોહમ.... એકબીજાની નાનકડી-ટચૂકડી આંગળીમાં આંગળી પરોવી બંને ફક્ત ધોરણો જ કૂદતા ન હતા. પણ, જીંદગીમાં પણ એક સાથે એક કૂદકે આગળ વધતા હતા. આ નાજુક, નમણી, નિર્દોષ આંગળીઓ ક્યારે અને કેવી રીતે મજબૂતાઈથી પકડાતી ગઈ એનો ખ્યાલ બંને નિર્દોષ પંખીઓને તો ક્યાંથી હોય!!! પરંતુ, આ મજબૂતાઈ હથેળીથી હથેળીમાં પરોવાઈ ગઈ હતી. અભ્યાસ સાથે-સાથે બંને એકમેકને અઢળક પ્રેમ કરતાં હતાં. બંનેનાં દિલ એકમેક સાથે તાણાવાણાની જેમ જોડાયેલ હતા. જેમ કળીમાંથી પુષ્પ ખીલતું જાય અને મનોહર, મનોરમ્ય બનતું જાય એવી જ રીતે શરણ્યા અને શિવોહમનો પ્રેમ પાંગરતો જતો હતો. કિલકિલ કરતાં પતંગિયા હવે મુક્ત આકાશમાં જાણે વાદળથી વાદળ એકમેકમાં લપેટાઈ જઈને જીવન માણતા હતા. 

 

એકદિવસ અચાનક શરણ્યાએ ઘરનાં વડીલોને પોતાનાં માટે મુરતિયો શોધવા જણાવ્યું. વડીલો, મિત્રમંડળ, સગાંવ્હાલાં દરેકે શરણ્યાને આવો નિર્ણય લેવા પાછળનું કારણ પૂછયું. પણ, શરણ્યાએ મગનું નામ મરી પાડ્યું નહિં. એ બાબતે એણે મૌન ધારણ કરી લીધું હતું. આમપણ, સમાજમાં દરેક મોભેદાર ઘરની નજર સુંદર, સુશીલ શરણ્યા પર હતી જ. આથી, એનાં લગ્નની જેવી વાત બહાર પડી મુરતિયાઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. શરણ્યાનાં માતા-પિતાએ ખાનદાની, પ્રતિષ્ઠિત એવાં વિરાણી પરિવારનાં એકનાં એક દીકરા વિપ્લવ પર નજર ઠારી. અને, ખૂબ જ ટૂંકા સમયગાળામાં ધામધૂમથી લગ્ન લેવાયા અને શરણ્યા પતિ વિપ્લવ સાથે કેનેડા ઉડી ગઈ. 

 

શરૂઆતનાં દિવસોમાં શરણ્યા ઘણી ખુશ હતી. પોતાનાં નિર્ણય પર એને ગર્વ થતો હતો. પરંતુ જેમ-જેમ દિવસો પસાર થતાં ગયાં એમ-એમ એ વિપ્લવની વાસ્તવિકતાથી વધુને વધુ વાકેફ થતી ગઈ. વિપ્લવ બિઝનેશ ટુર અને બિઝનેશ મિટિંગ નામે વારંવાર રંગરેલીયા મનાવવા બહાર જતો હતો. શરણ્યાનાં પ્રયાસો વિપ્લવની ખોટી આદતો દૂર કરવા માટે નિષ્ફળ રહ્યાં. સમય જતાં વિપ્લવની હિંમત વધારેને વધારે ખુલતી ગઈ. એ ઘરે પણ મિટિંગનાં બહાને સ્ત્રીમિત્રો ઘરે લાવતો. વિપ્લવનાં દરરોજનાં રંગરેલિયા સગી આંખે જોઈ પહેલાં તો શરણ્યા હેબતાઈ ગઈ. શરણ્યાનાં સ્ત્રીત્વ પર હથોડા ઝીંકાતા હતા. એનું સ્વમાન બળીને ખાખ થઈ ગયું હતું. એનું સજાવેલું અને શણગારેલું અનાવરણ ચૂરચૂર થઈ રહ્યું હતું. વેદનાનાં અસંખ્ય બાણો એનું હૈયું ચીરી રહ્યા હતા. પરતું , સમયની સાથે એ બધું જ સ્વીકારતી ગઈ. સમૃદ્ધિની છોળોમાં વિપ્લવની રીતિ-નીતિ અને લાઈફસ્ટાઈલથી એને કોઈ ફરક પડતો ન હતો. વહેતાં સમયની સાથે એ પણ બે બાળકોની માતા બની. શરણ્યા બાળકોનાં ઉછેર અને સામાજિક જવાબદારીઓ વચ્ચે ક્યારે પચાસનો ઉંબર ઓળંગી ગઈ એને ખ્યાલ સુધ્ધાં રહ્યો નહિં. હવે બાળકો પણ પોત-પોતાનાં આકાશમાં વિહરતા થઈ ગયા હતા.

પરંતુ.... પરંતુ આજે કોણ જાણે કેમ એફિલટાવર ની ઊંચાઈ સાથે એ પોતાની ઊંચાઈ માપવા ખેંચાઈ રહી હતી. એનાં માનસપટ પર પચાસવર્ષનાં લેખાજોખા હાવી થઈ રહ્યાં હતાં. અને સૂર્યનારાયણ ક્ષિતિજ જે અડોઅડ થઈ રહ્યાં હતા. ત્યાં વિપ્લવે કહ્યું “હાય ડાર્લિંગ! ચાલો હવે હોટલ જઈએ.” શરણ્યાએ જાણે ઊંઘમાંથી ઝબકીને ઊઠી હોય એમ પોતાનાં હાથ આંખો પર પસવાર્યા અને ઉત્તર આપ્યો “યશ! ડિઅર આપણે હવે જઈએ.” વિપ્લવે કહ્યું હું તને હોટલ પર છોડી ફ્રેશ થઈ બહાર જઈશ. તું તારું ડિનર લઈ લેજે.” શરણ્યાએ ફક્ત માથું હલાવી સંમતિ ધરાવી. 

 

વિપ્લવ નાઈટક્લબમાં જવા માટે અપટુડેટ તૈયાર થયો. પરફ્યુમથી તો જાણે સ્નાન જ કરી લીધું. અને, શરણ્યાને કિસ કરી, બાય કહી નીકળી ગયો. આ ઘટના શરણ્યા માટે કોઈ નવી ન હતી. એ વિપ્લવનાં આવાં વ્યવહારથી ટેવાઈ ચૂકી હતી. વિપ્લવનાં ગયા પછી શરણ્યાએ હાશકારા સાથે શાંતિનું બાથ લઈ, હળવીફૂલ થઈ હોટલનાં ડાઈનીંગહોલમાં ડિનર માટે ગઈ. 

 

વેઈટરે વેલકમ ડ્રિંક ટેબલ પર સર્વ કર્યું. અને, મેન્યુકાર્ડ આપ્યો. શરણ્યાએ મેન્યુકાર્ડ પર ત્રણ-ચાર વખત નજર ફેરવી પણ કોઈ અગમ્ય કારણસર એનું મન અશાંત હતું. પોતાનાં ઘટદાર હાઈલાઈટ્સ કરેલ વાળમાં આંગળીઓ પોસવારતા એની નજર દૂર એક ટેબલ પર પડી. જે ટેબલનો ફ્રન્ટસાઈડ એનાં તરફનો હતો. એ પલકારો ચૂકી ગઈ. એણે ઊંડા શ્વાસ લીધા. એણે એ ટેબલ તરફ હરણની જેમ હાંફતા શ્વાસે, ત્રાસી નજરે ફરી જોવાની કોશિશ કરી. જાણે એનું હૃદય ધબકારા ચૂકી રહ્યું હતું. અને, અચાનક એનાં મોંમાંથી ઉદ્દગારો સરી પડ્યા. “ઓહ! ગોડ! વોટ્સ ઈટ!? એકાવનમાં વરસે જિંદગી આ શું લઈને આવી રહી છે. હવે તો આ ઉંમરે મોહમાયા છોડવાની હોય તો મારી સાથે જીંદગી શી રમત રમી રહી છે!” વેઈટર ઝડપભેર એની પાસે આવ્યો અને બોલ્યો “યશ મેમ! આર યુ કોલ મી? આર યુ ઓકે? મે આઈ હેલ્પ યુ?” શરણ્યાએ ખૂબ ઝડપથી પોતાને સાચવી લીધી અને વેઈટરને કહ્યું “નો....નો... ઈટસ ઓ.કે. થેન્ક્સ ફોર કેરિંગ.” વેઈટર ત્યાંથી જવા માટે પૂંઠ ફેરવી ત્યાં શરણ્યાએ કહ્યું “અ.... અ..... ઈફ યુ ડોન્ટ માઈન્ડ. કેન આઈ ચેઈન્જ ધ ટેબલ?” વેઈટરે એક સ્માઈલ કરી અને શરણ્યાને ટેબલ બદલી આપ્યું. શરણ્યાએ એ રીતે ટેબલ પસંદ કર્યું કે ત્યાંથી એ શિવોહમની ગતિવિધિ જોઈ શકે. 

 

શિવોહમ સાથે અઢારેક વર્ષની એક ફૂટડી, સુંદર અને ચપળ છોકરી હતી. એનાં હાવભાવ જાણે મોરલાંની જેમ નૃત્ય કરતા હતા. શરણ્યા મનોમન બબડી “આ દીકરી તો અદ્દલ નખશિખ શિવોહમ જેવી જ છે. એની દીકરી હશે.” શરણ્યાની નજર શિવોહમનાં ટેબલ પરથી ખસતી ન હતી. એને હતું કે એની પત્ની આવશે પણ કોઈ આવ્યું નહિં. 

 

ડિનર પતાવી શિવોહમે ટેબલ પર ટિપ્સ મૂકતાં એક નજર શરણ્યા તરફ કરી. બંનેની નજર એક થઈ. પણ, કોઈએ કોઈને રિસ્પોન્ડ કર્યું નહિં. શિવોહમ ઊભો થઈ ડાઈનીંગહોલની એક્સિટ તરફ જવા પગલાં ભરી રહ્યો હતો. દબાતાં પગલે શરણ્યા પણ એની પાછળ ચાલવા માંડી થોડાં પગલાં આગળ વધી એક્સિટડોરનું હેન્ડલ પકડી શિવોહમે પાછળ તરફ ડોક ફેરવી. તરત જ શરણ્યાએ નજર ફેરવી લીધી. જાણે એ કશું જાણતી જ ન હોય એવો અભિનય કરવામાં એ સક્ષમ રહી. પરંતુ, શિવોહમની ચપળ ભાણી કલગીએ નોટિસ કર્યું કે આ આ આંટી આવ્યા પછી મામાની રીતભાત અને મૂડમાં ફેરફાર આવી ગયો છે. અને મામા નર્વસનેશ અનુભવી રહ્યા છે. કલગી એનાં મામાની આખી જીવનકથનીથી વાકેફ હતી. એણે મામાની પ્રેમિકાનાં ફોટોસ પણ જોયા હતા એ સમજી ગઈ કે આ પાછળ દબાતાં પગલે ચાલનાર એ બીજું કોઈ નહિં પણ શરણ્યા આંટી જ છે. 

 

કલગીએ શિવોહમનો હાથ પકડી લીધો અને એમને ડાઈનીંગ હોલની બહાર નીકળતાં અટકાવ્યા. અને, શરણ્યાની નજીક જઈ પૂછ્યું “ઈકસ્યુઝમી મેમ! આર યુ શરણ્યા ફ્રોમ ઈન્ડિયા? આઈ એમ કલગી ફ્રોમ ઈન્ડિયા.” શરણ્યા ઝંખવાઈ ગઈ. એ ખોટું પણ બોલી શકે એમ ન હતી. એણે હું.... અ......અ.... કરતાં કહ્યું “યશ બેટા!” બોલકી કલગીએ કહ્યું “નાઈસ ટુ મીટ યુ.” કલગી શિવોહમનો હાથ ખેંચી શરણ્યાની નજીક લઈ આવી. બંનેને બેસાડ્યા અને કોલ્ડકોફી ઓર્ડર કરી. શરણ્યા ચોંકી ઊઠી. આ કલગીને ક્યાંથી ખબર હશે કે હું અને શિવોહમ રોજ સાંજે તળાવની પાળે બેસી કોલ્ડકોફી એન્જોય કરતાં કરતાં ભવિષ્યનાં સપનાં સીવતા હતા. 

 

શરણ્યા અને શિવોહમ કોઈએ કોઈને ‘હાય’ ‘હલો’ કર્યું નહિં. અપરાધભાવથી એક બીજાને અલપઝલપ જોઈ મોં નીચું કરી લેતાં હતાં. કલગીએ કહ્યું તમે બંનેમાંથી કોઈ કશું બોલશે નહિં આમ પણ તમારી બે વચ્ચેનાં કોમ્યુનિકેશનગેપને કારણે જ તો આ ઈતિહાસ રચાયો છે. આથી ફક્ત હું જ બોલીશ અને તમે સાંભળશો. “શરણ્યા આંટી! તમે એક ઝાટક શિવોહમ મામાને છોડીને ચાલ્યા ગયા.” શરણ્યાનાં મનમાં ઝબકારો થયો આ છોકરી શિવોહમની ભાણી છે એની પોતાની દીકરી નથી. તો પછી શિવોહમનું ફેમિલી? કલગીએ કહ્યું “આંટી! શાંતિથી મારી વાત સાંભળો. મામા તમારાંથી દૂર થઈ રહ્યા હતા તમારું સ્વમાન ઘવાયું હશે એ હું સમજું છું પણ તમારે કારણ જાણવાની તસ્દી સુધ્ધાં ન લીધી જે મામાનું વર્તન એકદમ- અચાનક કેમ બદલાય ગયું?” તમે બંને કુદરતનાં ન્યાયનાં એકસરખાં ગુનેગાર છો.

શું મારે વિપ્લવ સાથે આ જ દેખાવાવાળી દંભી જીંદગી જીવવી જોઈએ? સમાજમાં પ્રતિષ્ઠા પ્રત્યે ફરજનિષ્ઠ રહેવું જોઈએ? કે પછી શિવોહમ સાથે ચાલી નીકળી જીંદગીને જીવી લેવી જોઈએ? બે અધૂરાં રહી ગયેલા વાર્તાના છેડાને ફરીથી બાંધી એક પૂર્ણ વાર્તા જીવવી જોઈએ? હું શા માટે કોઈ નિર્ણય લઈ શકતી નથી? 

 

વિહવળતા વધતાં શરણ્યા એકસોપચ્ચીસમાળની હોટેલનાં ટેરેસ પર ગઈ. ખુલ્લાં હાથે એને કુદરત પાસે ન્યાય માંગ્યો. “હે પૂર્વ! હે પશ્ચિમ! હે ઉત્તર! હે દક્ષિણ! હે આકાશ! હે પાતાળ! હે દશે દિશાઓ મને માર્ગદર્શન આપો. મારે કઈ દિશામાં બાકીની મારી પોતાની જીંદગી જીવવી જોઈએ. એનાં પ્રશ્નનો ઉત્તર દશે દિશામાંથી મળ્યો નહિં. આખરે મનનાં ભરચક વિચારોના મેળામાં સ્વસ્થ અને શાંત ચિતે એણે ભગવો ઓઢી લીધો.  દિવસો અને મહિનાઓનાં મનોમંથન પછી એ દરેક દુન્વયી અને માનવીય સંબંધોને ‘બાય’ કહી કોઈ અગમ્ય અણજાણી અગિયારમી દિશાની શોધમાં નીકળી પડી. જ્યાં એને એનાં યક્ષપ્રશ્નનો ઉત્તર કદાચ મળી શકે.

Post a comment

0 Comments