
છાયાનો મોબાઈલ રણકી ઉઠયો!! રીંગટોન ઉપરથી જ છાયાને ખ્યાલ આવી ગયો કે એની બહેનપણી માંથી જ કોઈકનો કોલ છે. છાયા રસોઈ બનાવતી હતી. મોબાઈલ દીવાનખંડમાં હતો. ચાર્જીંગમાં હતો. આધુનિક મકાનમાં અને ખાસ કરીને સુરતમાં ગમે તેટલા રસોડા મોટા હોય પણ ચાર્જીંગ પોઈન્ટનો અભાવ હોય છે. છાયાના ઘરવાળા અમિતે મોબાઈલ હાથમાં લીધો અને ડિસ્પ્લે તરફ જોઇને કહ્યું.
“છાયા તારી ડાર્લિંગ નંબર ત્રણનો ફોન છે” હાથમાં સરગવાની શીંગ સાથે છાયાએ મોબાઈલનો ફોન કાને લગાવીને પાછી રસોડામાં જઈને સરગવાના ટુકડા કરવા લાગી. આજે અમિતને કારખાનામાં રજા હતી અને એને ભાવતી સરગવાની કઢી છાયા બનાવતી હતી.
હેલો ડાર્લિંગ કેમ છો??” સામે છેડેથી જલ્પા બોલતી હતી.
“સુપર ફાઈન ડાર્લિંગ!! કેમ આજે અચાનક જ તને મારી યાદ આવી ગઈ. આજ જો તે ફોન ના કર્યો હોતને તે તારે ઘરે આવીને તને બરાબરની લેવાની હતી. આજે અમિતને રજા છે એટલે સાંજના તારા ઘર બાજુ આવવાનું ગોઠવવાના જ હતા.” બનાવટી ગુસ્સો કરતાં છાયા બોલી. આમેય બનાવટી ગુસ્સામાં ગુસ્સો ઓછો અને સ્નેહ વધુ હોય છે!!
“ અરે તને એક સમાચાર આપવાના હતા!!?? તને કઈ ખબર છે?? માધવીનું ગોઠવાઈ ગયું છે. કાલે બપોરે સગપણ છે. દેશમાં જ રાખ્યું છે સગપણ મનેય અત્યારે જ ખબર પડી પલ્લવીનો ફોન આવ્યો ત્યારે!! બોલ નહિ તને કે નહિ મને!! નહિ કલ્પનાને કે નહિ વિનાલીને કોઈને આમંત્રણ નથી આપ્યું માધવીએ!! આપણે ચારેય મૂરખની સરદારો હતી કે એની વગર પાણીનો ગ્લાસ ગળે નહોતો ઉતરતો. આપણા ચારેયના સગપણની વાત થી માંડીને રૂપિયો નાળીયેર, ચાંદલામાં ને લગ્નમાં માધવીને આપણે ભેગી રાખી અને અંતે એણે આવું કર્યું!! પછી તો મેં અત્યારે જ એને ફોન કર્યો તો ગલ્લા તલ્લાં કરવા લાગી કે અચાનક જ ગોઠવાયું છું. સાદાઈથી ગોઠવ્યું છે. કુટુંબમાં પણ બધાને નથી કીધું. તમને કહેવું હતું પણ ભુલાઈ ગયું. તમે બધીયું સુરત છો. ફોન કરું તો આવોય ખરી પણ અત્યારે ભાડા કેટલા વધી ગયા છે.આવવા જવાના જ હજાર રૂપિયા થાય. સમય પણ ના હોય. લગ્ન લગભગ ઉનાળામાં છે એ વખતે હું રૂબરૂ કંકોતરી દેવા આવવાની છે. બોલ માધવી સાવ આવી નીકળશે એની મને ખબર નહોતી” જલ્પા બોલતી હતી. જલ્પાએ બોલવાનું પૂરું કર્યું એટલે છાયા શરુ થઇ.
“આપણા ચાંદલા વખતે અને લગ્ન વખતે આપણા ઘરવાળાની બહુ ઠેકડી ઉડાડી.આમ તો ગામ આખાની ઠેકડી ઉડાડતી હતી. દરેક છોકરીના થનાર પતીદેવમાં બહેન બા કંઈકને કંઇક ખામી કાઢતા હતા. હવે એને કદાચ સારો મુરતિયો ના મળ્યો હોય અને આપણને આમંત્રણ આપે અને આપણે જઈએ અને ઠેકડી ઉડે એની એટલે બહુ ચાલાક છે. પણ લગ્નમાં ક્યાં જશે એ?? ગાતું ગાતું માંડવે આવશે ને ત્યારે જોઈ લઈશું કે માધવીએ કેવો રાજકુમાર પસંદ કર્યો છે. જોકે મને કલ્પના કહેતી હતી એ મહિના પહેલા દેશમાં ગઈ હતી એની ભાભીને સીમંત હતું ને ત્યારે!! ગામમાં એણે વાતો સાંભળી કે માધવીના પાપા પ્રાગજીભાઈ બરાબરના ખીજાયા છે અને કહી દીધું કે હવે હું એક છેલ્લો છોકરો બતાવવાનો છું પસંદ પડે તો ઠીક બાકી તારે તારી રીતે ગોતી લેજે.. અને વાતેય સાચી ને માધવી આપણા કરતા બે વરસ મોટી છે અને આપણે ચારેય બે વરસ પહેલા પરણી ગયું અને એ હજી સિલેકશન કરવા જ બેઠી છે. ભગવાન ખાલી રૂપ જ નથી આપતો પણ રૂપની સાથે ૫૦ ટકા અભિમાન ફ્રી આપે છે માધવીએ સાબિત કરી દીધું. જે થયું એ આપણે કાઈ ખોટું નથી લગાડવું. એને જે ગમ્યું હોય એ!! નિમંત્રણ ના આપે તો ક્યાં આભ તૂટી પડવાનું છે??” છાયાએ પોતાનો મત રજુ કર્યો.કુકરમાં સરગવાની શીંગો બફાવા માંડી હતી એ મોબાઈલ લઈને દીવાનખંડમાં આવી. અમિત ટીવી પર બેઠો બેઠો સમાચાર જોતો હતો.
“અરે તારી પાસે આશ્વાસન લેવા માટે ફોન નથી કર્યો એ સમજી લે!! આજે રાતે આપણે શિવમ ટ્રાવેલ્સમાં નીકળવાનું છે. બે સોફા મિહિરે બુક કરાવી દીધા છે. હું તું કલ્પના અને વિનાલી આપણે ચાર જણાએ જવાનું છે. મેં તો માધવીને કહી દીધું છે કે અમારા બધાના ચાંદલામાં તું મોખરે હતી. તે અમને ગીફ્ટ પણ આપી છે એટલે અમારે પણ વહેવાર રાખવાનો છે. કલ્પના અને વિનાલીના ઘરવાળાએ હા પણ પાડી દીધી છે.તને કદાચ અમિત ના પાડે તો મારી પર ફોન કરાવજે. આપણા ઘરવાળા મહીને મહીને બધા ભાઈબંધો ફરવા જાય છે આપણે એને કોઈ દિવસ ના પાડી?? એ આપણને ના ન પાડે.. આપણે માધવી માટે જે ગીફ્ટ લેવાની છે એ કલ્પના લઇ લે છે. આમેય કલ્પનાનો ઘરવાળો ઈમિટેશન અને ગીફ્ટ આર્ટીકલની દુકાન જ ચલાવે છે ને એટલે આપણને સસ્તું પણ પડશે. ચાલ હવે ફોન મુકું છું. મારે હજુ બ્યુટી પાર્લરમાં જવાનું છે. અને હા તું પણ પાર્લરમાં જઈને જ આવજે. માધવીને પણ ખબર પડે કે આ બધીયું સુરત જઈને સુંદર થતા શીખી ગઈ છે. આપણે બધાએ લગ્ન વખતે જે ગુલાબી ચણીયા ચોળી પહેર્યા હતા. એ જ પહેરવાના છે. સમજી ગઈ બધું?? ચાલ ફોન મુકું છું” છાયા શું જવાબ આપે છે એની રાહ જોયા વગર જલ્પાએ ફોન મૂકી દીધો!!
અને એ રાત્રે આઠ વાગ્યે વરાછાના ઢાળેથી ચારેય બહેનપણીઓ શિવમ ટ્રાવેલ્સના નીચેના સામે સામાના સોફામાં ગોઠવાઈ ગઈ. ચારેયના ઘરવાળા બસમાં મુકવા આવ્યા હતા. ચારેય બહેનપણીઓ બની ઠનીને પાર્લરમાંથી સીધી જ નીકળી હોય એમ લાગતું હતું. લગ્ન પછી ચારેય બહેનપણીનું વજન વધી ગયું હતું. સાસરિયું જેને બરાબર ફાવી ગયું હોય અને ઘરે ધણી તરફથી સંપૂર્ણ સ્નેહ મળતો હોય એવી સુરતની સન્નારીઓ પછી જગત આખામાં ક્યાય ના પાછી ન પડે એ બિન વિવાદિત સત્ય છે!! ચારેયના ઘરવાળાઓ બસ ઉપડી એટલે એકીસાથે મલ્હારના ઢોસા ખાવા ઉપડ્યા અને આ બાજુ ચારેય બહેનપણીઓ એકબીજાની વાતુએ વળગી. વાતનો વિષય માધવી અને તેનું અચાનક જ થયેલું સગપણ હતું. બસ પોતાના રસ્તે પુરપાટ ચાલી જતી હતી. અને ચારેય બહેનપણીઓ પોતાના અતીતમાં ખોવાઈ ગઈ હતી. એ સોનેરી કોલેજજીવન અને માધવીની ધીંગા મસ્તી!!
માધવી, જલ્પા , છાયા , કલ્પના અને વિનાલી એક જ ગામમાં એક શેરીમાં ગામડામાં સાથે રહેતા હતા. એક માધવી બધા કરતા બે વરસ મોટી હતી. બાકી ચારેય બેનપણી ઓ લગભગ સરખી ઉમરની હતી. માધવી બીજા ધોરણમાં અને ચોથા ધોરણમાં નાપાસ થઇ હતી. નાપાસ થવાનું કારણ એ નિશાળમાં અનિયમિત હતી એટલું જ!! એ વખતે પાસ થવા માટે એંશી ટકા હાજરી ફરજીયાત હતી. ધોરણ છઠ્ઠાથી આ પાંચેય બહેનપણીઓ કોલેજ સુધી સાથેને સાથે હતી!! પાંચેય પાકી બહેનપણીઓ હતી. જ્યાં જાય ત્યાં પાંચેય ભેગી અને ભેગી જ હોય!!
બધામાં માધવી થોડી અલગ તરી આવતી હતી. બાકીની ચારેય ખાસ દેખાવડી નહોતી તો સાવ નાંખી દીધા જેવી પણ નહિ!! પણ માધવી એટલે માધવી!! માધવીને મેકઅપ ની જરૂર નહોતી. બોર્ન બ્યુટી એટલે માધવી!! માધવી સ્નાન કરીને નિકળે એટલે એને કોઈ સુંદરતાની જરૂર જ નહિ!! એકદમ આકર્ષક અને દિલ ખુશ થઇ જાય તેવો બાંધો!! નકશીદાર નાક!! અણીયાળી આંખો અને ગોળ કીકીઓ!! હોઠ પણ વગર લીપસ્ટીકે એટલા જ રતુમડા અને માદક!! ગાલ સહેજ ભરાવદાર અને એકદમ ભરાવદાર અને સુડોળ કાયા!! ભગવાને જાણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ માધવીને છૂટે હાથે બનાવી હતી!! કોઈ કરતા કોઈ કસર ભગવાને સુંદરતા બક્ષવામાં કરી નહોતી. ગમે તે રંગના કપડાં હોય!! માધવીએ પહેરે એટલે એ દીપી ઉઠે!! માધવી જ નહિ આખી શેરી માધવીના રૂપથી દીપી ઉઠતી!!
પણ જેમ અનેક સદગુણો વચ્ચે એકાદ અવગુણ પણ હોય અને જ્ઞાની હોય એ થોડાક વનાની હોય એ ન્યાયે માધવી વધારે પડતી આખાબોલી અને બહેનપણીઓની મજાક મશ્કરી કરવાની ટેવ વાળી હતી. પાપા પાસે થોડા વધારે પૈસા અને નાનપણથી જ સાચવેલી વધારે એટલે થોડી જીદ્દી પણ ખરી અને એના બાપા પ્રાગજીભાઈ પણ એને લાડ લડાવતા અને કહેતા.
“અમારી માધવી ગમે એને સાચું કહી દે!! કોઈથીય ના બીવે એવી છે!! માધવી તો માધવી છે. ભગવાને અમને ભાગ્યમાં દીકરો નથી આપ્યો પણ બે દીકરા જેવી માધવી આપી છે!!”
હાઈસ્કુલ સુધી તો ધીંગા મસ્તી બરાબર ચાલ્યા. એની માતા સુમિત્રા બેનને એમ કે થોડી મોટી થશે એટલે માધવીમાં ગંભીરતા આવશે. પણ નાનપણથી છુટા ચરેલા હોય એ લગભગ ક્યારેય ખીલ્લે ના બંધાય એમ માધવી કોલેજમાં પણ આખાબોલી જ રહી.પાંચેય બહેનપણીઓ એકી સાથે ગામડેથી બસમાં અપ ડાઉન કરે. બીજી ચારેયને નવ નિરાંત કે માધવી બધું જ સંભાળી લેશે. આમ તો એ બસમાં પણ ગમ્મત કરતી હોય જ !! કોલેજે થી છૂટીને એ બધા બસમાં બેસે એમાં એક વખત એક ગામડા ગામના ભાભાએ બસની બારી પાસે આવીને માધવીને જ પૂછ્યું!!
“ હે બટા આ બસ ક્યાં જાય છે??”
“દાદા આ બસ ગામડામાં જાય છે” માધવીએ ફટ દઈને ઉતર વાળ્યો.
“એમ નહિ પણ આ બસ ક્યાં હાલે છે?” ભાભાએ બીજો પ્રશ્ન પૂછ્યો.
“ આ બસ રોડ પર હાલે છે દાદા” માધવી બોલી.
“ એમ નહિ બટા બસમાં શું શું આવે એમ પૂછું છું” ભાભા છાલ છોડે એવા નહોતા.
“ઘણું બધું આવે દાદા.. ખેતરો આવે બસ સ્ટેન્ડ આવે..મોટા મોટા ઝાડવા આવે” અને ભાભા ચાલતા જ થઇ ગયા.
કોલેજમાં પણ એક વખતે ચાલુ પીરીયડમાં એક નવા સવા ઇકોનીમીક્સના પ્રોફેસર આવેલા. નવા એટલે બ્રાંડ નવા.. યુવાન લોહી એટલે કોલેજમાં કોઈ સારું માણસ ભાળે એટલે ઉભરા આવ્યા કરે!! ક્લાસમાં એક વખત કોઈ પ્રશ્નની ચર્ચા કરતાં વારે વારે એ માધવીની સામે જોયા કરે!! ત્રાટક રીતે જુએ. એકાદ બે દિવસ તો માધવીએ સહન કર્યું પણ ત્રીજે દિવસે તો ચાલુ પીરીયડે માધવીએ ઉભા થઈને ઇકોનોમિક્સના પ્રોફેસરને સંભળાવી દીધું.
“સાહેબ તમારે મારી સાથે વાતો કરવી હોય તો મારી આંખો સામે આંખો મિલાવીને વાતો કરો ચર્ચા કરો!! તમે મારી આંખોની નીચે વારંવાર શું કામ જુઓ છો?? મારી આંખો અહી ઉપર છે. નીચે નથી સમજ્યા??” પ્રોફેસરે ત્યાર બાદ માધવી તરફ નજર પણ ના નાંખી!! બધાને કાયમનું સુખ થઇ ગયું.
એક દિવસ કોલેજમાં એક આજીવન અપરણિત એવા એક મોટી ઉમરના બહેન સ્ત્રી સશક્તિકરણ વિષે વકતવ્ય આપવા આવ્યા હતા. તેમનું કહેવું એવું હતું કે દીકરીઓએ આ આ ફિલ્ડમાં મહેનત કરવી જોઈએ. એમાં જોબના સારા સ્કોપ છે. કોલેજ લાઈફ એ મસ્તી કરવાની લાઈફ છે. અત્યારે તમે આટલી મહેનત કરશો તો ભવિષ્યમાં મીઠા ફળ ચાખવા મળશે!! વગેરે.. એ બહેનનું ભાષણ પૂરું થયા પછી એના પ્રત્યુતર આપવા માટે કોલેજની કેટલીક છોકરીઓ ઉભી થઇ અને રાબેતા મુજબ માખણથી ભરપુર એવા પ્રતિભાવો આપ્યા. છેલ્લે માધવી ઉભી થઇ!!
“ બહેને આપણને સાચી વાત કહી છે એમ બધાને લાગે છે પણ મારો મત થોડો અલગ છે. મારો મત એવો છે કે આ બધી દીકરીઓએ અત્યારે કોલેજ લાઈફ માણી લેવાય. લગ્ન પછી ઘણી જવાબદારી વધી જાય અને પછી ખોટી બળતરા કરવા કરતા અત્યારે સમયને માણી લેવાય. પાસ થવાય એટલું જ વંચાય!! ખોટો જ્ઞાનનો ભાર શું કામ સહેવો?? અને રહી વાત જોબની તો એ કામ અમારા થનાર પતિદેવો કરવાના જ છે. આપણા દેશની તાસીરને અનુકુળ જ રહેવાય. અમે તો ગામડાના રહ્યા. અને ગામડામાં કોઈ છોકરી કોલેજ પાસ કરેલી હોય એટલે કોઈ ડોકટર એન્જીનીયર કે સારી કંપનીમાં કામ કરતો કોઈ પણ મુરતિયો અમને પસંદ કરી લે છે!! એ બધા બિચારા રાત દિવસ વાંચે છે, તનતોડ મહેનત કરે છે. કોના માટે?? આપણા જેવી કોલેજ કરેલી કન્યા માટે જ ને?? વળી અમારા સમાજમાં તો દીકરીઓની તાણ છે એટલે ભણેલ છોકરીઓને વેલ સેટલ્ડ મુરતિયા ઓટોમેટીક મળી જ જાય છે” માધવીએ પોતાનો પ્રતિભાવ આપ્યો અને છોકરીઓએ જોરદાર તાળીઓ પાડી. નારી સશકતીકરણ વાળા બહેન સહેજ ઝંખવાયા.એણે કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ અશ્વિનીબેનને કાનમાં કહ્યું પણ ખરું!!
“આ છોકરી પરણશે નહિ અને કદાચ પરણશે તો છ મહિનામાં જ “બેક ટુ પિયર” થઇ જશે એ સો ટકાની વાત છે”
સહુ પ્રથમ જલ્પાનું સગપણ જોવા એક છોકરો આવ્યો. સુરતમાં એક જગ્યાએ મેનેજર હતો. છોકરામાં આમ કોઈ ખામી નહોતી. જલ્પાને પસંદ પણ આવી ગયો. એકાદ માસ પછી ચાંદલા ગોઠવાયા. પણ માધવીએ પોતાનો અભિપ્રાય આપ્યો.
“આમ તો કોઈ તકલીફ નથી પણ થોડો શ્યામ છે. કોઈ પણ કપડામાં એ શોભતો નથી. છોકરો તો એવો પસંદ કરાય કે બાજુમાં ઉભો હોયને તો લાગવો જોઈએ બાકી!! તે એક નોટીસ કર્યું જલ્પા કે એ લગભગ ચપ્પલ પહેરતો હશે કાયમ માટે.. આજ તને જોવા આવ્યો છે ને એટલે એકદમ નવા નક્કોર બુટ પહેર્યા છે. પણ બુટ કાઢતી વખતે અને પહેરતી વખતે એ હાથનો ઉપયોગ કરે છે એટલે સો ટકા શીખાઉ બુટ પહેરાવવા વાળો છે. બાકી કાયમી બુટ પહેરતો હોય તો પોતાના પગથી જ બુટ પહેરી લે ફટાફટ!! પણ તને પસંદ છે એટલે વાંધો નહિ બાકી આપણે તો આને પાસ ના કર્યો!!
“તું સિલેકશન કરજેને ત્યારે આ બધી બાબતોનો ખ્યાલ રાખજે. અમે કઈ થોડા તારી જેવા રૂપાળા છીએ. અમને તો અમારી જેવા સ્વભાવના અને અમારી જેવા દેખાવના હોય એ પસંદ આવે. વળી સારું એવું કમાય છે. સુરતમાં ઘરનું રો હાઉસ છે. મારા મામાના ખાસ મિત્રનો છોકરો છે એટલે સાવ અજાણ્યું નથી. અમારા ઘરમાં સહુને ગમી ગયો છે અને મને પણ એટલે આપણે તો પેલા ઘા એ જ નાળીયેર ફોડી નાંખ્યું છે” જલ્પાએ કહેલું પણ તરત જ માધવી બોલી.
“ આ તો કાગડો દહીંથરું લઇ જાય છે એટલે ચિંતા તો થાય જ!! ક્યાં આ મારી નમણી જલ્પા અને ક્યાં દીપકકુમાર.. ચાલો તને ગમ્યું એ ખરું” કહીને માધવીએ સહેજ મોઢું કટાણું કર્યું.
પછી વારાફરતી ત્રણેય બહેનપણીનો વારો આવ્યો. બધાને પોતાના ગમતા મુરતિય મળી ગયા હતા. બધા જ સુરતના હતા. અને સારું એવું કમાતા હતા. પણ દરેકની પસંદગીમાં માધવી કંઈકને કંઇક ખામી કાઢતી. છાયાનો ઘરવાળો થોડો નીચી હાઈટનો હતો. કલ્પનાનો ઘરવાળો થોડો વધારે પડતો ગોળ મટોળ હતો માધવીની ભાષામાં કપાસની ગાંસડી જેવો હતો. વિનાલીનો ઘરવાળો સાગના સોટા જેવો હતો. વધારે પાતળો અને નાક પોપટ જેવું હતું. વળી એ લીલો શર્ટ પહેરીને જોવા આવ્યો હતો. માધવી બોલી હતી એ વખતે. એ મહેશકુમાર એકદમ ગ્રીનલેન્ડ જેવા લાગ્યા. બાઈક પર હાઈવે પર જો એ એકલા નીકળે અને બાજુમાંથી ટ્રક પસાર થાય તો એ ટ્રકની હવામાં જ બાઈક સાથે ઉડી જાય. તારા લગ્ન થાય પછી એને તું રોજ સવારમાં ઘીમાં ખજૂર બોળી બોળીને ખવરાવજે. શરીર થોડું ભરાવદાર તો જોઈએ જ આપણે છોકરા રોટલા જેવા છોકરા પસંદ કરાય અને તે સાવ સુકલકડી ખાખરા જેવો પસંદ કર્યો છે. આમાં પણ કાગડો દહીથરૂ લઇ ગયો છે.”
બહેનપણીઓને ગુસ્સો તો આવતો હતો પણ માધવી સાથે સંબંધ જ એવો હતો આત્મીયતાનો કે એક શબ્દ એની સામે બોલી શક્તિ નહિ.કશોક પ્રભાવ પડતો હતો માધવીનો પણ તોય લગ્ન પછી ચારેય બહેનપણીઓ એ નક્કી કર્યું હતું કે માધવીના ચાંદલા થાય એ છોકરો પસંદ કરે ત્યારે બરાબરની સાણસામાં લેવી છે.અત્યાર સુધી જે સાંભળ્યું છે એનું વ્યાજ સાથે વટક વાળવું છે.
0 Comments