
શોભા ગૅટનો આગળિયો ખોલી બહાર આવી. બપોર ઢળ્યા પછીની શેરી હાંફી રહી હતી. સામેના ઘરવાળા રસીલાબેન એમના પતિ સાથે બાઇક પર બહાર જઇ રહ્યા હતા. એ પોતાના પતિના ખભા પર હાથ રાખતાં શોભા સામે જોઇ મલક્યા. રસીલાબેનના ચહેરા પર આવેલું સ્મિત શોભાને હલબલાવી ગયું. છતાંય એમનું બાઇક શેરી વટાવી ગયું ત્યાં સુધી એકધારું જોઇ રહી અને પછી ખાલી રસ્તાને. નજર આગળ પોતાના ઘરની બાઉન્ડ્રી વૉલની બહાર નીકળીને ફેલાયેલો ચંપો આવી ગયો. જેની ડાળો જેટલી ઘરમાં હતી એનાથી ઘણી દીવાલની બહાર નીકળી હતી. એમ કહી શકાય કે ફક્ત થડ જ અંદર હતું, બાકી એની બધી ફોરમ બહાર ફેલાતી હતી. શોભાને ઘણીવાર થતું કે સાવ મુરઝાયેલો ચંપો મોટો થતાં જ બહાર ફેલાયો અને જોતજોતામાં તો ખીલી ઊઠ્યો. એના સફેદ ફૂલ ઘણીવાર શોભાને રણઝણાવી મૂકતાં. એના ફૂલને હાથમાં લેવાનું મન થતું પણ અણગમો આડો આવી જતો. એ બહાર ઓટલા પર પગ સંકોરીને બેસી ગઇ. શેરીની બન્ને બાજુ આવેલા મકાનોને જોઇ રહી. એની નજર સામેની લાઇનમાં આવેલા છેલ્લા મકાન પર જઇને અટકી. ત્યાં જ કોઇ પક્ષી આવીને ચંપાની ડાળ પર બેઠું. શોભાનું ધ્યાન ન હતું. પણ એનો અવાજ કાનને ગમતો હતો.
શોભાને હંમેશા આવતો વિચાર ફરી આવ્યો. એ મકાન કેમ ખાલી છે ? ત્યાં કોઇ રહેવા કેમ નથી આવતું? શોભાને એ ખાલી મકાનનું ઘણું આકર્ષણ હતું. આખા દિવસમાં કેટલીયેવાર એ બાજુ જોઇ લેતી. એક રીતે કહીએ તો આદત જેવું થઇ ગયું હતું. એ જ્યારે પણ એ બાજુ જોતી મન બેચેન થઇ જતું. કામ કરતાં હાથ-પગ અટકી જતા. મન બીજા જ વિચારે ચડી જતું. આજુબાજુવાળા બધાને પુછી લીધું હતું પણ કોઇને ખબર ન હતી કે મકાન કેમ ખાલી છે. શોભાને આશ્ચર્ય થતું કે આટલું સરસ મકાન કેમ ખાલી રહી ગયું.
નીતાબેન તો કહેતાં. “એ મકાનમાં કોઇનો વાસ છે. એટલે જ આટલા સમયથી ખાલી છે. નહીંતર આપણી સોસાયટી એ-વન છે. એકેય પ્લોટ ખાલી નથી રહ્યા. અને આવડું આ બાંધેલું મકાન કેમ ખાલી રહી જાય.” ત્યારે એમની વાત સાંભળીને શોભા ઘડીક સાચુ માની બેસતી. કેમ કે શોભાએ એ મકાનને કેટલાય રૂપમાં જોયું હતું.
આ સાંભળીને હર્ષાબેન ડરતાં ડરતાં બોલેલા. “હું તો મારા ઘરનો કચરો પણ એના આંગણામાં ઠાલવું છું. તમારી વાત સાચી લાગે છે નીતાબેન. ઘણીવાર રાતે ઊંઘ ઊડી જાય ત્યારે બારીમાંથી એ બાજુ જોઉં તો ડરની મારી ફફડી જાઉં છું. અમારી તો એક જ દીવાલ છે. મેં તો ઘણીવાર એમને કહ્યું છે કે આપણે ઘર બદલાવી નાખીયે પણ એ આવી વાતોમાં ન માને. ઉલ્ટાનું લેક્ચર આપે કે માણસોને રહેવા ઘર નથી અને તને આવા નવરાં વેડા સુઝે છે.”ટોળામાં બેઠેલી બધી સ્ત્રીઓ હસી પડતી. વળી કોઇ કહેતું કે એ બધી વાતોમાં બહુ વિશ્વાસ નહીં કરવાનો. આપણે જેટલા ડરીએ એટલા વધુ હેરાન થઇએ.
શોભા બધાની વાતો સાંભળતી. એને ઘણીવાર થતું કે એ મકાનમાં કોઇ પડછાયો ફરી રહ્યો છે. એ જ્યારે પણ મકાન બાજુ જોતી ત્યારે અલગ જ ભાવ જાગતો. હંમેશા લાગતું કે એ મકાન એકલું ઝુર્યા કરે છે. એને કોઇ સાથીની જરુર છે. કોઇના સ્નેહનું ભુખ્યુ હોય એમ અંદરથી ખવાતું જાય છે. એકવાર રાકેશે કહેલું. એ મકાનનો માલિક મુંબઇ રહે છે. એને પૈસાની કશી જરુર નથી એટલે વેંચતો નથી. પહેલા આપણે એ મકાન લેવાના હતા. હું જોઇ આવેલો પણ મકાન માલિક છેલ્લી ઘડીને ફરી ગયો.
આ સાંભળીને શોભા ખીન્ન થઇ ગયેલી. બારીના સળિયા પાછળ દેખાતા એ મકાન બાજુ જોવાઇ ગયેલું. કોઇ પોતાનું ખૂબ વ્હાલથી તાકી રહ્યું હોય એવું લાગેલું. ક્યારેક દેખાતો પડછાયો ફરી દેખાયો હતો.
શોભા ક્યારેય એ મકાન તરફ ન જતી. પોતાની અગાશી પર ઊભી રહીને એની દીવાલોમાં પડી ગયેલી તિરાડોને જોયા કરતી. જાણે કોઇ પોતાની પીડા બતાવી રહ્યું હોય એવું લાગતું. આંગણાનો ગૅટ અડધો જમીનમાં ખૂંપી ગયો હતો. બારી બારણાં સડવા લાગ્યા હતા. ઠેર ઠેર જંગલી વેલા અને છોડ ઊગી ગયા હતા. શોભાને એ મકાન સતત પોતાની તરફ ખેંચ્યા કરતું હોય એવું લાગતું. ક્યારેક અગાશી પર બેઠા રહીને સાંજે કલાકો સુધી એ મકાનને જોયા કરતી. વિચારોમાં મન ક્યાંય દૂર સુધી ફરી આવતું. ઉદાસી ઘેરી વળતી. રાકેશ બેંકથી ઘરે આવતો. પછી ક્યાંય સુધી ટીવી જોયા કરતો. શોભા વિચારોમાં રસોઇ બનાવતી. એના મનમાં એ ખાલી મકાન અજંપો જ્ન્માવીને ચાલ્યું જતું. રાકેશ જમતાં જમતાં ઊભડક મને આડી અવળી વાતો કરતો. શોભા ગરદન હલાવ્યા સિવાય કશું ન કરી શકતી. જમીને રાકેશ પોતાના કામે લાગી જતો. બન્ને વચ્ચેનું મૌન લંબાયા વિના જ તૂટી જતું. કોલેજનો મિત્ર નિકેત શોભાને ચીડાવવા કહેતો એ યાદ આવી જતું. “તારો પતિ સારા નસીબ લઇને જન્મો હશે.” એ રાકેશને જોયા કરતી. અંદરથી અજાણ્યો વંટોળ આવીને હચમચાવી જતો. ત્યારે એ પોતાની જાતને પેલું ખાલી મકાન સમજતી. જે કેટલાય સમયથી ખાલી છે. એના આંગણામાં બહારનો કચરો ભરાઇ ગયો છે. દીવાલો તડકામાં શેકાઇને તરડાઇ ગઇ છે. જ્યારે એની અંદરનું બધુ અકબંધ છે. સ્થિર થઇ ગયેલા સમયની બંધિયાર વાસ લઇને એ મકાન ઊભું છે.
ઘણીવાર અફસોસ ઘેરી વળતો કે આ ઘરના બદલે પેલું મકાન લીધું હોત તો…!!
બાજુવાળા કલ્પનાબેન આવીને ઓટલે બેઠા. શોભાએ એ મકાન પરથી નજર ખેસવી લીધી. બે ત્રણ વખત ગરદન પર હાથ ફેરવ્યો એટલે શોભાનું ધ્યાન ગયું.
– આજે અમારી મેરેજ એનિવર્સરી છે. સવારે એ મારા માટે સોનાની ચેઇન લઇ આવ્યા. મને તો બહુ ગમી ગઇ. એમની ચોઇસ સારી છે નહીં…?
– હા, સરસ છે. કેટલા વરસ થયા તમારા લગ્નને. ? શોભા અનાયાસે જ પુછી બેઠી.કલ્પનાબેનનો અવાજ અચાનક જ ધીમો થઇ ગયો.
– શું તમે પણ… નીતુને હમણાં પાંચમું બેઠું. બસ એટલા વરસ થયા. તમને તો ખબર છે ને કેવા સંજોગોમાં બધું થયું હતું. મે તમને પેલી વાત કરેલીને. આ તો સારું થયું કે એમણે મારો સાથ ન છોડ્યો નહીંતર હું કદાચ જીવતી પણ ન હોત. અમારા બન્નેની ફેમીલીવાળા પણ રાજી થઇ ગયા એટલે બહુ પ્રોબ્લેમ ન થયો. બધુ ગોઠવાઇ ગયું. આજે પણ એ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો લગ્ન પહેલા કરતા હતા. અમે તો બીજું બાળક પણ નથી ઈચ્છતા. બસ હવે.
શોભાની આંખો પેલા ખાલી મકાનની તૂટી ગયેલી બારીને જોઇ રહી હતી. જેમાંથી અંદરનું કશુંયે દેખાતું ન હતું પણ રોજ બહારનો કચરો અંદર ભરાતો જતો હતો.
– તમારા લગ્નને કેટલા વરસ થયા. કાંઇ પ્લાનીંગ કર્યું છે કે નહીં. આટલું બોલતાં કલ્પનાબેન ધીમું હસ્યા અને શોભા સામે જોઇ રહયા.
શોભા કાંઇ ન બોલી. કણસતી રાતો એની આંખ સામે આવી ગઇ. જેમાં રાકેશ કોઇ અણઘડ લાકડાને ઘાટ આપ્યા વિના રંધાથી છોલ્યા કરતો હતો.
– બધું આપણા હાથમાં ક્યાં હોય છે કલ્પનાબેન…? શોભા દબાયેલા અવાજે બોલી.
– હા, એ પણ છે. કોઇ પણ સુખ ભગવાન દે છે ત્યારે આપણાથી લેવાય છે. .
– શું પ્રોગ્રામ છે આજનો. હોટેલમાં જવાના કેમ…? શોભાએ વાત બદલતાં કહ્યું.
– ના. આજે એમના મિત્રના લગ્ન છે. બહુ આગ્રહ કરેલો કે તમે બન્ને આવજો. એટલે ત્યાં જવાના છીએ. પણ રાત્રે આઈસક્રીમ ખાવા તો જઇશું જ. કલ્પનાબેન હસીને ઊભા થયા.
ચંપો હવામાં ડોલતો હતો પણ એને જોવાનું મન ન થયું. શોભા ઊઠીને અંદર આવી. સોફા પર આડી પડી. પંખો ગરમ હવા ફેંકી રહ્યો હતો. અજાણ્યો થાક શરીરમાં ભરાયો હોય એવું લાગ્યું. એકવાર નીકેત “તારો વર આવો હશે, તારો વર તેવો હશે “ એવું કહીને ચીડવતો હતો. ત્યારે શોભાએ કહેલું કે, ”તારી જાતની આટલી બધી નીંદા શા માટે કરે છે.” બોલ્યા પછી શોભા તો સાવ નીચોવાઇ ગઇ હતી. નીકેત પણ સાંભળીને અવાચક થઇ ગયેલો.
માને વાત કરી ત્યારે એ ફક્ત સાંભળી રહેલી. માને દીકરી માટે સ્નેહ હતો પણ પતિની ધાક આડે આવી જતી હતી. શોભાએ માને સમજાવી કે તું કશુંક કર. નીકેતને મળાવેલો પણ ખરો. પણ એ ઘરમાંથી વિદાય લીધી ત્યાં સુધી કોઇ કશું ન કરી શક્યું. પપ્પા આગળ કોઇની હિંમત જ ન ચાલી. વિદાય વખતે નીકળેલા આંસૂ કોના માટે હતા એ કોઇ ન સમજી શક્યું. લગ્ન બાદ વારંવાર વિચાર આવતો કે કોઇ પણ પ્રતિકાર વિના આટલી સરળ જિંદગી કઇ રીતે સ્વીકારી લીધી. પરંતું હકીકતને સ્વીકાર્યા વિના બીજો કોઇ વિક્લ્પ પણ ક્યાં હતો. શોભા રાકેશ સાથે નવા જીવનની શરુઆત કરવા માંગતી હતી. પણ રાકેશના નિરઉત્સાહી સ્વભાવે બધુ ભૂલાવી દીધું. પેલા સપનાઓ ક્યાં રોળાઇ ગયા એની ખબર જ ન રહી. કેમ કે રાકેશ સપનામાં આવતા પેલા ઘોડેસવાર રાજકુમાર જેવો ન હતો. અને નીકેત સપનામાંથી ક્યાંય દૂર ચાલ્યો ગયો હતો. હવે તો રાકેશ સાથે એટલું અંતર પડી ગયું હતું કે પાસે જતા પણ વિચાર કરવો પડતો. રાકેશ કહેતો કે, “તું હજી મારી સાથે ગોઠવાઇ નથી શકી.” ત્યારે શોભા વિચારમાં પડી જતી. આટલું સ્પષ્ટ સમજતો રાકેશ એ કેમ નથી સમજી શકતો કે કયો ખૂણો ચોગઠાની બહાર રહી ગયો છે.
શોભા ઊભી થઇ બારી પાસે આવી. હવાની અજાણી લહેરખીએ એના વાળનો સ્પર્શ કર્યો. પેલુ ખાલી મકાન આંખ સામે હતું. જાણે પોતાને બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. શોભાને રોમાંચ જાગ્યો. પહેલીવાર જૂદો જ વિચાર આવ્યો. એ મકાન ભલે પોતાની નજીક ન આવી શકે. પોતે તો એ બાજૂ જઇ શકે ને ? શા માટે એને ફક્ત દૂરથી જ જોઇને વ્હેરાયા કરવું. એની નજીક જઇને એને પ્રેમ ન કરી શકાય ? કદાચ એ આપણા ઇશારાની રાહ જોતું હોય. શોભાના ચહેરા પર તાજી ફૂટેલી કૂંપણ જેવી રતાશ ફૂટી આવી. એ ક્યાંય સુધી ખાલી મકાનને નજરથી પસવારતી રહી. બહાર આવીને એ બાજૂ જતી હતી ત્યાં જ પરિચિત હોર્નનો અવાજ આવતાં એની નજર શેરીના વળાંક બાજુ લંબાઇ.રાકેશ અંદર આવીને સોફા પર બેઠો. પગમાંથી મોજા કાઢી રહ્યો હતો. શોભા સોફાની ધાર પર હળવેકથી બેઠે. રાકેશે એની સાથળ પર હાથ રાખતાં સ્મિત કર્યું.
– રાકેશ, આજે આપણે બહાર જમવા ચાલીએ.
એકાએક શોભાના શ્વાસની ગતિ વધી ગઇ. જવાબની રાહ જોતી રાકેશને તાકી રહી.
– ઓકે. ઘણા દિવસથી મારી બહાર જવાની ઇચ્છા હતી. સારું થયું તે સામેથી કહી દીધું.
– હું હમણા જ ચેઇન્જ કરીને આવું છું. શોભા ઝડપથી રૂમમાં દોડી. ત્યાં જ પાછળ રાકેશનો ધીમો, મીઠો અવાજ આવ્યો.
– પેલો મને ગમતો જાંબલી કૂર્તાવાળો ડ્રેસ પહેરજે.
વોર્ડરોબ ખોલતાં શોભાનો હાથ અટક્યો. જાંબલી ડ્રેસની સાથે પોતાને ગમતા રાકેશના જાંબલી શર્ટવાળા કપડાં પણ બહાર કાઢ્યા. પછી મનોમન મેચીંગ કરવા લાગી. શોભા ઘડીક બધું ભૂલી ગઇ. અંદરથી ઉમળકા આવી રહ્યા હતા. ડ્રેસ પહેરતી વખતે શરીરમાં રણઝણાટી ફરી વળી. એને ચંપાની સુગંધ ઘેરી વળી. એણે અરીસામાં જોવાની ઈચ્છા માંડ રોકી.
બાઇક પર બેઠી ત્યારે આખી શેરીમાં નજર દોડાવી લીધી. એને જોનારું કોઇ ન હતું કે જેની સામે જોઇને એ સ્મિત કરી શકે. પહેલીવાર શોભા એ ખાલી મકાન તરફ જોવાનું ચૂકી ગઇ. બાઇક આગળ ચાલી પછી યાદ આવ્યું પણ એણે પાછળ જોવાનું ટાળ્યું. આધાર શોધતો હાથ રાકેશના ખભા પર ટેકવી દીધો. અને અચાનક જ બાઇકની ગતિ વધી ગઇ.
રેસ્ટોરન્ટમાં વેઈટરને ઑર્ડર આપીને રાકેશ શોભાનો હાથ રમાડતાં બોલ્યો.
– આજે કેટલા સમય પછી આપણે બહાર આવ્યા છીએ. જાણે હમણાં પરણ્યા હોઇએ.
– હા રાકેશ, લાગે છે આજે જ ખરા અર્થમાં પરણ્યા હોઇએ.
શોભાની આંખો ઢળી ગઇ. પેલું ખાલી મકાન એની આંખ સામે આવ્યું અને એને પોતાના આંગણામાં મ્હોરેલો ચંપો યાદ આવ્યો. એના ચહેરા પર ચંપાની કૂંપણ જેવી કુમાશ પથરાઇ ગઇ. એ રાકેશની આંખોમાં જોઇ રહી. કથ્થઇ આંખો આજે એકદમ પારદર્શક લાગતી હતી. બન્નેએ ખૂબ વાતો કરી. જાણે વરસોનું સંગ્રહાયેલું મૌન એકસામટું તૂટ્યું હોય એવું લાગતું હતું.
ત્યાંથી નીકળીને બન્ને લોંગડ્રાઈવ પર ગયા. ઠંડો પવન શોભાના ઉમળકાને પસવારી રહ્યો હતો. હવામાં ઉડતા વાળ એને આલિંગન આપી રહ્યા હતા. રાતના સન્નાટામાં ખાલી રસ્તા પર ચાલી જતી બાઇક પર બેઠેલી શોભાનો હાથ રાકેશના ખભા પરથી સરકીને એની કમરે વીંટળાઇ વળ્યો. જાણે બાથમાં સમાવી લેવો હોય એમ શોભા એને વળગી પડી. પેલો ખાલી મકાનમાં ફરતો પડછાયો જાણે મકાન છોડીને ચાલ્યો ગયો હોય એવું લાગ્યું.
રાકેશ ધીમુ હસીને બોલ્યો. બસ હવે ઘર આવી ગયું. ઝબકીને શોભાએ આંખ ખોલી. બાઇક સોસાયટીમાં આવી ગઇ હતી. નીકેત કહેતો એ ફરી યાદ આવી ગયું. એ રાકેશના વાળ પસવારવા લાગી. એના ચહેરા પર સંતોષની રેખાઓ અંકાઇ રહી હતી.
ઘરમાં જતી વખતે આદત મુજબ એની નજર પેલા ખાલી મકાન તરફ વળી. આંખો થાપ ખાઇ ગઇ હોય એવું લાગ્યું. કેમ કે આટલા વરસોથી ચાલ્યું આવતું દ્શ્ય બદલાયું હતું. વિશ્વાસ ન આવ્યો. પણ આંખો એમ કહેતી હતી કે એ મકાનમાં ઝીણો બલ્બ અજવાળું પાથરી રહ્યો હતો. પહેલીવાર એ મકાનમાં કોઇ પડછાયાના બદલે સ્ત્રીનો આકાર દેખાતો હતો. જે સાવરણીથી મકાન સાફ કરી રહી હતી. એની બાજુમાં કોઇ પુરુષ ઊભો હતો. શોભાનું કૂતુહલ વધતું જતું હતું. ખાલી મકાન વિશે વરસોથી સાચવી રાખેલું આશ્ચર્ય ઓગળી રહ્યું હતું. હવે તડકાના કારણે તરડાઇ ગયેલી દીવાલની તિરાડો વિસ્તરવાના બદલે પૂરાઇ જશે. બારી-બારણાં નવા રંગ રૂપ ધારણ કરી લેશે. હવે એ મકાનના આંગણામાં વધી ગયેલા જંગલી છોડના બદલે સુગંધી ફૂલવાળી વેલ ઊગશે. પવન એની સુગંધ અહીં સુધી તાણી લાવશે. એ ઘરમાંથી પણ અવાજો આવશે. મીઠી મજાકના, હસવાના, ગીત ગણગણવાના, ઉંહકારાના, બાળકના કૂણા રુદનના…
એ અંદર જઇને રાકેશને વળગી પડી. નાઇટ લેમ્પના અજવાળામાં બન્ને ક્યાંય સુધી કશુંયે બોલ્યા વિના રૂમની વચ્ચે ઊભા રહ્યા. પહેલીવાર શોભાને એકબીજાના શ્વાસ અથડાવાના બદલે સ્પષ્ટ સંભળાઇ રહ્યા હતા. શોભા ઢાળેલી નજરે ફક્ત એટલું જ બોલી.
– પેલું છેવાડાનું મકાન હવે ખાલી નથી. ત્યાં કોઇક રહેવા આવી ગયું છે.
રાકેશ ક્યાંય સુધી શોભાની નમણી આંખોમાં જોતો રહ્યો. પછી હળવેથી કહ્યું.
– તું રોજ ચિંતા કર્યા કરતી હતી ને. મેં જ એ મકાન અમારી બેંકમાં નવા આવેલા કર્મચારીને ભાડે અપાવ્યું છે.
જોરદાર પવને બધા જંગલી વેલા ઉખેડી નાખ્યા હતા. હવે નવા સુગંધી છોડ રોપવાના હતા. રાતે રાકેશ પણ અચંબામાં પડી ગયો કે આટલા વરસોથી જેની સાથે રહેતો હતો આ એજ શોભા છે.!! રાતે હાંફતી શોભાને લાગી રહ્યું હતું કે કોઇ અણઘડ લાકડું આકાર ધારણ કરી રહ્યું છે.
સવારે ઊઠીને શોભાએ પહેલું કામ એ ખાલી ઘરમાં આવેલા નવા પડોશીને આવકારવાનું કર્યું.
0 Comments