About us

બે પૂંઠાંની વચ્ચેઆજે સોળ દિવસ થયા. અલંકારીનાં સોળમાં સંસ્કારની વિધિઓ નિર્વિધ્ને પૂર્ણ થઈ. અલંકારી પરિવારમાં પતિ શ્રીમહાયાગ બે પુત્રો નિર્મિક અને માર્મિક તેમજ પુત્રી શ્વાસની લાગણીથી તરબતર લીલીછમ લીલીવાડી સજાવીને અનંતયાત્રાએ નીકળી ગયા. 

સામાજિક દષ્ટિએ આજનાં છોકરાંઓ નાદાન કહેવાય અને મહાયાગ પુરુષ હોવાને કારણે સ્ત્રીઓ જેટલી સામાજિક અને વ્યવહારુ સૂઝ-બૂઝ ન જ હોય એ દેખીતી અને માન્યામાં આવે એવી વાત હતી. આથી, મહાયાગ અને બાળકોને હુંફ, હિંમત અને સલાહસૂચન મળી રહે એ હેતુથી ફઈબા અને કાકીમા ૧૬ દિવસથી અલંકારીના ઘરે જ રોકાયા હતા. 


આજે મરણોત્તર બધી વિધિઓ પૂર્ણ થઇ હોવાથી ફઈબાએ વાત ઊંચકી “અલંકારી ખૂબ કુનેહબાજ, લાગણીશીલ, વ્યવહારુ અને પરગજુ હતી. રસ્તે ચાલતાંને પણ મદદ કરતી હતી. આમ જોવા જઈએ તો પરિવારમાં અમારાં સૌમાં એ નાની પણ નાનાં-મોટાં દરેકને સાચવી લેવાની ગજબની આવડત હતી એની પાસે.” ત્યાં કાકીમા બોલ્યા “આમ તો, પરિવારમાં હું મોટી વહુ પરંતુ અલંકારીની હાજરીમાં મારા માથે કોઈ જવાબદારી આવી નથી. દોડી-દોડીને રાત-દિવસ, ટાઢ, તડકો, વરસાદ જોયા વગર દરેક સામાજિક જવાબદારી એ જ ઉઠાવી લેતી હતી. ફઈબાએ એક ઊંડો શ્વાસ લીધો અને ભૂતકાળમાં સરી પડયા અને પછી બોલ્યા “મારા મા-બાપ સ્વર્ગે સિધાવ્યાને ૩૦-૩૦ વર્ષનાં વ્હાણાં વાય ગયા. પરંતુ, ક્યારેય અલંકારીએ મને નોધારાપણું અનુભવવા દીધું નથી. ક્યારેય પિયરનો ઓટલો પારકો લાગ્યો નથી કે પિયરનો ઉંબર ડુંગર લાગવા દીધો નથી. જાણે એનાં પેટે જન્મ લીધો હોય અને ‘સગી મા’ હોય એમ પોતાની દીકરીની જેમ મને વારે-તહેવારે ગણી-વણી છે. માન-મોભો આપ્યો છે.” 


લમણે  હાથ મુકીને મહાયાગ સોફા પર બેસીને બધાની વાતો ગૂપચૂપ સાંભળતા હતા અને ભૂતકાળમાં સરી પડયા. બધાની નજર મહાયાગ પર પડી. ચપળ અને નટખટ વહુ નિહાએ પપ્પા મહાયાગનું ધ્યાન તોડયું અને કહ્યું “પપ્પા! તમે પણ મમ્મીની વાત જણાવો ને. આવતીકાલે અમે બધા પોતપોતાનાં ઘરે જતા રહીશું. ચાલોને, આજે મમ્મીની વાતો વાગોળીએ.” મહાયાગે મૌન તોડયું. એક ઊંડો શ્વાસ લીધો. બંને હાથ મોં પર ફેરવ્યા અને છોકરાઓની ખુશીમાં ઘરની ખુશી એવું અલંકારી વારંવાર કહેતી એ વાત યાદ કરી અલંકારીની જીવનગાથા કહેવા માટે ગળું ખંખેર્યું અને બોલ્યા “તમારી મમ્મી ખૂબ હોશિયાર હતી. ફક્ત ઘર-ગૃહસ્થીમાં જ નહી. બાહ્યજ્ઞાન પણ ગજબનું હતું. દરેક કરંટ ટોપિક વિશે એને જાણકારી હોય જ. જાણે હાલતી ચાલતી  ‘ન્યુઝ ચેનલ’ હતી. એની દીર્ધદષ્ટિ અને ચપળતાની વાત પણ મારા આઈ.ક્યૂ.લેવલની બહારની હતી. પાઈ-પાઈ જોડી બચત કરતી હતી. બધો કાપ પોતાના પર મૂકતી પણ મને કે તમને છોકરાંઓને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી.  એની દીર્ધદષ્ટિ અને હોશિયારીને કારણે તો આજે આપણે ગાડી, બંગલાવાળા થયા છે. શરૂઆતમાં મારી આવક સાવ ટૂંકી હતી ત્યારે પણ એ કુનેહથી બચત કરતી. ધંધામાં પણ એ મને સલાહસૂચન કરતી. અને રૂપિયામાંથી લક્ષ્મી કેવી રીતે બનાવાય એ તો આજ  સુધી હું જાણી નથી શક્યો. જાણે એની પાસે જાદુઈ છડી હતી. બધા સાથે મળતાવડી અને ‘લોકલાડીલી વહુ’ નું બિરુદ મેળવ્યું હતું. 


હું એને ઘણીવાર કહેતો નગરપંચાયતની ચૂંટણીમાં ઉભી રહે તો તું જરૂરથી ચૂંટાઈ આવીશ. તારી કર્તવ્યપૂર્વક, ફરજપૂર્વક કાર્ય કરવાની પ્રણાલીને કારણે આખા ગામનો વિકાસ થશે. ત્યારે એ આત્મવિશ્વાસથી ગર્વભેર કહેતી “ના રે ના, મારે તો ઘર, વર, છોકરાં જ સર્વસ્વ છે અને મારું કર્તવ્ય પણ. ઘર, વર, છોકરાંને લાગણીની લીલપથી સિંચી ને સંસ્કારી બનાવી લઉં, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવું અને ચાર પાંદડે સુખી કરી લઉં એટલે ગંગા ન્હાયા. મારે આ જીવનમાં બીજું કશું જ નથી જોઈતું. હું મારી જીંદગીથી ખૂબ ખુશ છું. મારું ‘સ્વપણું’ મારાં ઘર, વર, છોકરાંમાં જ સમાયેલું છે. એજ મારું વિશ્વ અને એજ મારું અખિલ બ્રહ્માંડ.” મહાયાગે ઊંડો શ્વાસ લીધો બોલતાં-બોલતાં અટકી ગયાં અને ધીમેથી બોલ્યા ઉપરવાળાને પણ અલંકારીની ખોટ પડી હશે. એને બોલાવી લીધી. એણે કોઈની ભાખરી-ચાકરી લીધી નહિ. હસતે મોં એ જાણે પિયર ફરવા ગઈ હોય એટલી સરળતાથી ચાલી નીકળી.” 


મહાયાગ વધુ લાગણીવશ થઈ ગયા. તબિયત નહિ બગડે અને બ્લડ પ્રેસર હાઈ ન થઇ જાય એ હેતુથી ફઈબાએ કાકીમાને આંખોના ઇશારામાં વાત બદલવા જણાવ્યું. દરેકનાં ગળે અને છાતીએ ડૂમો ભરાય ગયો હતો. કાકીમા બોલ્યાં “ચાલો! છોકરાંઓ અલંકારીનો કબાટ ખોલો. તમારી ‘મા’ આખી જીંદગી ખૂબ કરકસરથી જીવી છે અને એ વ્યવસ્થિત પણ ઘણી હતી. આથી, એનું વીલ પણ વ્યવસ્થિત જ હશે. એ તમે છોકરાંઓ રાજીખુશીથી વહેંચી લો. એ તમારી ‘મા’નો પ્રસાદ છે. અલંકારીની પણ અંતિમ ઈચ્છા પૂર્ણ થશે અને એનાં આત્માને શાંતિ મળશે.

અલંકારીનો કબાટ બધાની હાજરીમાં ખુલ્યો. કબાટમાંથી એની યાદોની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. સુવ્યવસ્થિત બધા ડ્રોઅર જોઇને બધાને અચંબો થયો અને અલંકારીની કુનેહ પર બધા વારી ગયા. દરેક ડ્રોઅર પર  છોકરાંઓના નામનાં સ્ટીકર ચોટાડયાં હતા. નાનાં દીકરા માર્મિકનાં લગ્ન હજી બાકી હતા. આથી, આવનાર નાની વહુનો ઘરેણાંનો ડબ્બો જુદો જ હતો. હવે અલંકારીનાં પોતાનાં ઘરેણાં ત્રણ ભાગે વહેંચવાના હતા. મોટી વહુ નિહા મનમાં વિચારતી હતી કલમકારીવાળા કંગન મારા ભાગે હોય તો સારું એણે ફિંગરક્રોસ કરી રાખી. દીકરી શ્વાસ મનમાં એનાં ઇષ્ટ દેવનું નામ સ્મરી રહી હતી. માંગટીકા સાથેનો કુંદનવાળો નેકલેસ મને મળે તો સારું વિગેરે વિગેરે ... 

અલંકારી બધાનાં મનની વાત જાણતી હતી. એને દરેકની પસંદ-નાપસંદનો ખ્યાલ હતો. આવી એણે એ રીતે જ ઘરેણાં પર સ્ટીકર લગાવ્યા હતા. શ્વાસની દીકરી પાંદડીનાં મામેરાં માટે પણ અને નિર્મિક અને માર્મિકને ત્યાં ભવિષ્યમાં આવનાર પૌત્રો-પૌત્રી માટે પણ અલગ-અલગ ડબ્બા બનાવી રાખ્યા હતા. કાકીમા અને ફઈબાએ નિહા અને શ્વાસને સૂચન કર્યું આટલું અને આવું આયોજન તો અમે પણ નથી કરી શક્યા. તમે અલંકારીની આ દીર્ધદષ્ટિ અને કુનેહ તમારા હૃદયની ડબ્બીમાં ભરી રાખજો.’ અલંકારીની સાડીઓ પણ એ જ રીતે વહેંચી લીધી. નિહાએ કહ્યું “પીંક સિલ્કની સાડી હું લઈશ એમાંથી ગાઉન ખૂબ સરસ પાર્ટીવેર બનશે. શ્વાસે કહ્યું જામેવરનાં પટ્ટાવાળી ગ્રીન સાડીમાંથી પાંદડી માટે અનારકલી સરસ બનશે એ હું લઈશ. રાજીખુશીથી આવી રીતે બધી સાડીઓ પણ વહેંચાય ગઈ. અલંકારીની યાદ સ્વરૂપે કાકીમા અને ફઈબાને પણ સાડી આપી. કામવાળા સહિત દરેકને યાદ કરી-કરીને અલંકારીની સાડીઓ વહેંચી. 


માર્મિક એક ખૂણામાં પૂહ પર બેસી બહેન અને ભાભીનું નિરીક્ષણ કર્યે જતો હતો. એને એક આખા ફિલ્મની માફક એની આંખોમાંથી રીલ ફરી રહ્યું હતું. બેન અને ભાભી ‘મા’ને નિયમિત ફોન કરતા હતા. અનેક અલક-મલકની વાતો કરતા હતા. પોતાની જોબ સાથે બાળકો અને ઘર સારસંભાળમાં થાકી જવાય છે કંટાળી જવાય છે એવી વાતો કરતા. ‘મા’ એમને સાંત્વના આપતી. ધીરજથી કામ કરવું હાય-હાય કરવી નહિ વિગેરે વિગેરે. બેન અને ભાભી ‘મા’ ને કહેતાં બસ વેકેશનની રાહ જોઈએ છીએ. ઘરે આરામ કરવા આવવું છે. ‘મા’ હોંશેહોંશે એમને કહેતી “હા-હા વહેલાસર આવી જજો. હું તમને માથામાં તેલ નાંખી દઈશ, તમને મન-ગમતી વાનગીઓ ખવડાવીશ. આપણે મોજથી બેસી વાતો કરીશું. તમારો બધો થાક ઉતારી જશે.” પણ, બેન કે ભાભી ક્યારેય ‘મા’ના મનને કે દિલને જાણવાનો પ્રયત્ન સુધ્ધાં કરતા નહિ. ‘મા’ને ક્યારેય પૂછતાં નહિ ‘મા’ તું પણ થાકતી હશે ને? ‘મા’ તારી પણ કોઈ મરજી હશે ને!? ‘મા’ તારે નવી ફેશનનું કઈ પહેરવું-ઓઢવું છે? ‘મા’ તારાં અધૂરાં રહી ગયેલા શોખ પૂરાં કરને. આવી વાતો ક્યારેય કોઈ કરતુ નહિ. માર્મિકનાં માનસપટ પર આ બધું ચલચિત્રની જેમ ફરી રહ્યું હતું. એણે આખો બંધ કરી બે હાથ વડે આખો પસવારી ગળે ડૂમો ભરાય આવ્યો. પણ, એ તરફ કોઈનું ધ્યાન ગયું નહિ. એ ઉભો થઇ કિચનમાં જઈ પાણી પી આવ્યો અને દરેક માટે પાણી લેતો આવ્યો. 


બીજાં દિવસે બધા પોતપોતાના ઘરે જવા રવાના થયા. ઘરમાં હવે મહાયાગભાઈ અને માર્મિક રહ્યા હતા. માર્મિકને અલંકારીનો વેરવિખેર-અવ્યવસ્થિત થયેલ કબાટ ગોઠવવા માટે ભાભી અને બહેન સૂચન કરતા ગયા. 


એક રવિવારે માર્મિકે ‘મા’ અલંકારીનો કબાટ ગોઠવવાનું આયોજન કર્યું. રહ્યું-સહ્યું જે કંઇક હતું એ ‘મા’ ની યાદગીરી રૂપે માર્મિકે રહેવા દેવું જ હતું. જૂની સાડીઓની થપ્પીઓની નીચેથી અલંકારીને એની ‘મા’ એ કન્યાદાનમાં આપેલ મોતીવર્કનું પર્સ નીકળ્યું. એ પર્સ અલંકારીએ આખી જીંદગી જીવનની જેમ સાચવ્યું હતું. કારણ, એની ‘મા’ એ આપ્યું હતું. અલંકારી એને શુકનિયાળ માનતી હતી. એમાં એની ‘મા’ના  આશીર્વાદ હતા. અલંકારીને શ્રધ્ધા હતી ‘મા’ના પર્સને કારણે જ દિન-પ્રતિદિન એનાં ઘરમાં અને મહાયાગનાં ધંધામાં બરકત આવે છે. આ વાત ત્રણેય છોકરાંઓ જાણતા હતા. એ પર્સમાંથી એક ડાયરી માર્મિકને મળી આવી. એ ડાયરીના પાનાં પીળાં પડી ગયા હતા. જરા પણ પાનાં ઉઠાલાવા જાય તો ફાટી જતાં હતાં. માર્મિકે સાચવી-સાચવીને એ ડાયરીના પીળા પડી ગયેલ પાનાં ફેરવ્યે જતો હતો. એ પાનાંઓ માર્મિકને જીવંતતાની અનુભૂતિ કરાવ્યે જતી હતી. માર્મિકે નોંધ્યું દરેક પાનાં કોરાં હતા. ફક્ત દરેક પાનાં પર તારીખો લખી હતી. તારીખો સિવાય બીજું કશું જ નહિ. તારીખ લખી ‘મા અલંકારીએ પાનાંઓ કોરાં છોડી દીધા હતા. 


માર્મિકનાં મનમાં અને વિચારોમાં સોનાનો સૂરજ ઉગ્યો. શું સોળ વર્ષની ભીની ઉંમરે ‘મા’નાં દિલમાં પણ કોઈ રાજકુમાર સાત ઘોડે આવ્યા હશે!? શું ‘મા’ એ પણ એનું એક મુઠ્ઠી નાદાન દિલ એનાં મનગમતાં રાજકુમારને વહેંચ્યું હશે!?  એની હથેળીમાં પણ કોઈનાં નામનો ગુલમહોર તો ઉગ્યો જ હશે ને! એનાં દિલનાં દર્પણમાં કોઈ મનગમતી આકૃતિ ઉભરી નહિ હોય!? એની આંખોમાં કોઈ ચિત્રકારે તસ્વીર ચિતરી ન હોય શકે!? એનાં ગાલો પર ગુલાબનો શેરડો તો ફૂટ્યો જ હશે ને!? એનાં સુકોમળ દિલે અબીલ-ગુલાલનો છંટકાવ ન થયો હોય!?  એનાં ભાલવિશ્વમાં કોઈનાં નામનો ચંદ્રમા ઉગ્યો નહિોય? એની પાયલનો રવ ખળખળ વહેતાં ઝરણાંની માફક પવનનાં પગરવે ઉડી ન ગયો હોય!?  એનાં હૈયે એને મનગમતું પંખી કલરવી તો ગયું નહિ હોય ને!? એનાં દિલનાં એક ખૂણામાં કોઈની યાદ અકબંધ નહી હોય શકે!? હૃદયનાં રંગોથી અને મનની લીટીઓથી એણે આ ડાયરીનાં પાને-પાને શું દોર્યું હશે!? આ કોરાં પાનામાં મીઠી યાદોની શાહીથી કવિતાઓ તો નહિ રચી હોય!? 


એક દિવસ ‘મા’ પણ સોળ વર્ષની તો હશે જ ને!!! 


હું તો જનમ્યો ત્યારથી ‘મા’ને એક સતિસાવિત્રીની જેમ ગૃહસ્થ જીવનને એક હુંફાળા માળામાં સેવતાં જ જોઈ છે. નાનાં-મોટાં સૌને એક માળામાં ગૂંથીને જીવન વિતાવ્યું. પપ્પાનાં સુખે સુખી એ પપ્પાનાં દુઃખે દુઃખી. આખું આયખું પપ્પાની નવલકથાની નાયિકા બનીને જીવી ગઈ. એને ક્યારેય જીવન પ્રત્યે કોઈ ફરિયાદ કરતાં મેં સાંભળી નથી. પપ્પા મહાયાગનાં જીવનમાં પોતાની સ્વીકૃતિથી આહુતિ આપતી રહી અને ‘આહ સે આહા’ સુધીનાં ઉતાર-ચઢાવવાળાં રસ્તે પરિવારને મંઝિલે પહોંચાડવાનું ભગીરથકાર્ય તન, મન, ધનથી કરતી રહી. 


એને ક્યારેય ભારેખમ શબ્દોની રમત અને વ્યાકરણ આવડયું નથી. અમે ભાઈ-બહેન એને ભાષાશુધ્ધિ માટે ટોકતાં ત્યારે હસતાં મુખે વાતને અવગણી કાઢતી પણ નાનાં-મોટાં સૌનાં દિલની ભાષા એને વાંચતા આવડતી હતી. દરેકનાં મૌનને એ સાંભળી શકતી હતી. 


કબાટ ફંફોસતાં- ફંફોસતાં માર્મિકનાં હાથે અલંકારીની વિદ્યાર્થીકાળની માર્કશીટની ફાઈલ હાથે ચડી ગઈ. માર્મિક વિચારે ચડયો હંમેશા સ્કૂલ-કૉલેજમાં ગણિત વિષયમાં અવ્વલ રહેનાર ‘મા’ને ક્યારેય જીવનનું ગણિત આવડયું નથી. હર કોઈ એ પછી ઘરનાં હોય કે બહારનાં પોતાનાં જીવનની હરક્ષણ ખર્ચી નાંખવા એ તત્પર રહેતી હતી. 

‘મા’ અલંકારીનો કબાટ ગોઠવવાનો અધુરો રહી ગયો. ‘મા’ના જીવનની અધુરી રહી ગયેલ વાર્તાનાં છેડાને શોધવામાં માર્મિકનો રવિવાર પૂરો થયો. પપ્પા મહાયાગે માર્મિકને બૂમ પાડી “બેટા! ચાલ, રાત થવા આવી. જમી લઈએ. સવારનો કબાટ લઈને બેઠો છે. થાક્યો હશે! ભૂખ પણ લાગી હશે. મારામાં તો હિમંત જ નથી અલંકારીનાં કબાટને અડવાની. એની દરેક વસ્તુઓમાંથી એનો મને ટહુકો સંભળાય છે. એની મીઠી યાદોનાં મ્યુઝીયમમાં હું ખોવાઈ જાઉં છું. ચાલ, બેટા! બાકીનું કામ આવતા રવિવારે આટોપજે.” 


પરંતુ, ભલે રવિવારનો દિવસ પૂર્ણ થયો. માર્મિકનાં મનોમંડળમાં ચંદ્ર નૌકા લઈને આવી પ્હોંચી. માર્મિક ‘મા’ અલંકારી સાથે ચંદ્રનૌકામાં વિહાર કરવા માંડયો. જમવામાં ખાસ રુચિ રહી ન હતી. પોતાના બેડ ઉપર સૂવા ગડમથલ કરી રહ્યો. પાસાંઓ જમણેથી ડાબે અને ડાબેથી જમાને ફેરવતો રહ્યો. એ સતત વિચારી રહ્યો “આ કોરાં પાનાંઓમાં ‘મા’ એ વણઉકેલ્યું ઘણું લખ્યું છે. આ અકબંધ રહસ્ય શું હશે??” ‘મા’નો ભીની ઉંમરનો પ્રેમ હશે!? શું ‘મા’ની પરિવાર પ્રત્યેની અધુરી અપેક્ષાઓ હશે!? એની કોઈ તમન્નાઓ પૂરી ન થઇ હશે!? શું ‘મા’નાં અધૂરા રહી ગયેલ કોઈ શોખની વાતો હશે!? હંમેશા ધીર-ગંભીર રહેતા પપ્પા સાથે જીવનનાં ગીતો ગાવાનો શોખ પૂરો કરી શકી નહિ હશે!? હંમેશા બીઝી રહેનાર પપ્પા સાથે પ્રકૃતિનો ખોળો ખુંદવાનો હરવા-ફરવાનો, મોજશોખ અધૂરા રહી જવાની કવિતાઓ હશે!? કે પછી સંતાનોની ઉચ્ચ પ્રગતિના કલબલાટનાં ગીતો હશે!?  હંમેશા તારીખો લખી પાનાંઓ કોરાકટ છોડી દેતી હતી. એ તારીખે અને એ દિવસે એનાં દિલો-દિમાગમાં શું ગડમથલ ચાલી હશે!? એ દિવસો ‘મા’નાં હરખનાં હશે કે ઉદાસીનાં!?


Post a comment

0 Comments