About us

વીક એન્ડ કપલ“યાર આદર્શ, પતિ પત્નીનાં સંબંધોનું ગણિત અને તાણાવાણા હજુ સુધી હું સમજી શક્યો નથી.”

નિસર્ગની આંખમાં આંસુ તગતગ્યાં.

“નિસર્ગ, કેટલાં વર્ષ થયાં તારા લગ્નને ?” આદર્શે નિસર્ગની આંખમાં જોઈને પૂછ્યું.

“ચાર વર્ષ”

“નિસર્ગ, તારા કરતાં લગ્નજીવનનો મારો અનુભવ ડબલ છે... પૂરા 8 વર્ષનો”

“તો ?” નિસર્ગે આદર્શનાં ખભા પર હાથ મૂકીને પૂછ્યું.

“તો એમ કે આ બાબતમાં મારી પાસે અનુભવનું ભાથું વધારે છે, તે આધારે હું એટલું ચોક્કસ કહીશ કે તમામ સંબંધોમાં પતિ પત્નીનો સંબંધ સૌથી વધારે જટીલ હોય છે, તેથી તેમાં ‘સ્પેસ’ નું મહત્વ વધારે હોય છે.” 

નિસર્ગ વિચારમાં પડી ગયો. આદર્શની વાત તો સોળઆના સાચી હતી. આદર્શ તેનો જૂનો મિત્ર હતો, બંનેએ વડોદરામાં એમ.બી.એ. સાથે કર્યું હતું. તેમને ડીગ્રી મળી તે અરસામાં જ આદર્શનાં મોટાભાઈનાં ડીવોર્સનો કેસ કોર્ટમાં ચાલતો હતો. આદર્શ ત્યારે પણ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પતિ પત્નીએ સરળતાથી સાથે કેવી રીતે જીવવું તે બાબતે કોઈપણ ડીગ્રીનાં અભ્યાસક્રમમાં શીખવવામાં આવતું નથી.


અત્યારે નિસર્ગ વડોદરામાં એક મોટી કંપનીમાં મેનેજર હતો જ્યારે આદર્શ પૂણેની મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. ડીગ્રી મેળવ્યા બાદ આદર્શના લગ્ન તરત જ ગોઠવાઈ ગયા હતા જ્યારે નિસર્ગના લગ્ન ખાસ્સા મોડા થયા હતા. પોણા છ ફૂટ હાઈટ, મજબુત શરીર સૌષ્ઠવ તથા દેખાવડા નિસર્ગને કોઈપણ છોકરી જચતી ન્હોતી. કોઈકની હાઈટ ઓછી લાગતી તો કોઈકનું વજન વધારે લાગતું. કોઈક કાળી લાગતી તો કોઈક વધારે પડતી ધોળી. સતત ચાર વર્ષ સુધી નિસર્ગને લગ્ન માટે ઠેકાણા બતાવનાર માત્ર ઘરનાં વડીલો જ નહિં પરંતુ મેરેજબ્યુરો વાળા પણ થાકી ગયા હતા. ફિલ્મી હીરો જેવા દેખાતા હેન્ડસમ નિસર્ગને હજુ સુધી એક પણ છોકરીએ રીજેક્ટ કર્યો નહોતો... તમામ છોકરીઓને નિસર્ગે જ ના પાડી હતી. લગભગ ચારેક ડઝન છોકરીઓને રીજેક્ટ કર્યા બાદ આખરે નિસર્ગનું મન રૂપનાં ખજાના જેવી સુહાની પર મોહી પડ્યું હતું. પ્રથમ મુલાકાતમાં જ નિસર્ગને લાગ્યું હતું કે સુંદરતાની આ પરીને ભગવાને ખાસ તેના માટે જ બનાવી છે. સામાન્ય રીતે પ્રથમ મુલાકાતમાં નિસર્ગ પ્રશ્નોનો મારો ચલાવતો પરંતુ સુહાનીને જોતાં વ્હેંત નિસર્ગની વાચા હરાઈ ગઈ હતી. માત્ર આંખો જ તેનું કામ કરતી હતી ! નિસર્ગનાં હૃદયની દરેક ધડકનમાંથી ‘સુહાની’ નાં નામનો ધ્વની ઉછળી ઉછળીને સંભળાવા લાગ્યો હતો. સુહાનીએ પણ નિસર્ગને એક પણ સવાલ પૂછ્યા વગર પોતાની મૂક સંમતિ જાહેર કરી દીધી હતી.


નિસર્ગના મનમાં તો સુહાની સાથે ઘડીયા લગ્ન કરીને કોઈ હીલસ્ટેશન પર હનીમૂન ઉજવવાનાં પતંગીયામાં ઉડવા લાગ્યા હતા પરંતુ તેનાં કમનસીબે ત્યારે કમુર્તા ચાલતા હતા. આખરે બને પક્ષનાં વડીલોએ સગાઈનું મૂર્હુત પંદર દિવસ બાદનું કઢાવ્યું હતું. બીજી બાજુ સુહાનીની પણ એ જ દશા હતી. 

સોહામણા નિસર્ગમાં તેને તેના સપનાનાં રાજકુમારનાં દર્શન થઈ ચૂક્યા હતા ! આમ વડીલોએ એરેન્જ કરેલી પ્રથમ મુલાકાતમાં જ બંનેને લવ એટ ફર્સ્ટ સાઈટનો મધુર અનુભવ થયો હતો. ચોવીસ કલાકમાં તો નિસર્ગ અને સુહાનીની મુલાકાતનો દોર ચાલુ થઈ ગયો હતો. બંને યુવાન હૈયાઓનો પ્રેમાલાપ મોડી રાત સુધી મોબાઈલ પર પણ વિસ્તરી ચૂક્યો હતો. બંને પ્રેમીઓ વ્હોટ્સએપ દ્વારા દુનિયાભરની ઇશ્કની શાયરીઓ એકબીજાને મોકલતા થઈ ગયા હતા. નિસર્ગ અને સુહાનીની તો દુનિયા જ બદલાઈ ચૂકી હતી.


અચાનક સગાઈનાં ફંકશનનાં આગલા દિવસે જ નિસર્ગનાં પપ્પા ગુણવંતરાયને સુહાનીનાં કોઈક દૂરનાં સગાએ ફોન કરીને માહિતી આપી હતી કે સુહાનીની સગાઈ એક વાર થઈને તૂટી ગઈ છે. ગુણવંતરાયે ધરતીકંપનો આંચકો અનુભવ્યો હતો. આટલી મોટી અગત્યની વાત વેવાઈ રમણલાલે શા માટે છૂપાવી હશે ? ગુણવંતરાયે તરત જ રમણલાલને ફોન લગાવ્યો હતો. સામે છેડેથી રમણલાલનો ઉત્સાહસભર અવાજ સંભળાયો હતો.


“કેમ છો ગુણવંતરાય ? આપના આવતીકાલના સ્વાગતની અમે તમામ તૈયારીઓ કરી લીધી છે.”


“રમણલાલ, સુહાનીના સગાઈ એકવાર થઈ ને તૂટી ગઈ છે. તે વાત તમે શા માટે છુપાવી ?” ગુણવંતરાયે મુદ્દાનો પ્રશ્ન કર્યો હતો.


“જી.... આવતીકાલે તમને કહી જ દેવાનો હતો.” રમણલાલનાં અવાજમાં ધ્રુજારી ભળી હતી. ગમે તેમ તો પણ તેઓ દિકરીનાં બાપ હતા.


“રમણલાલ, કાલે રીંગ સીરીમનીની વિધિ પૂરી થઈ જાય પછી તમે તે વાત કરો તેનો શું મતલબ ?” ગુણવંતરાયનાં અવાજમાં રોષ હતો.


રમણલાલ એક પણ શબ્દ બોલી ન શક્યા.

“રમણલાલ, આપણે આવતીકાલનું સગાઈનું ફંકશન કેન્સલ કરીએ છીએ. આવડી મોટી વાત છુપાવવા માટે તમને સજા તો મળવી જ જોઈએ.” ગુણવંતરાયે છેડો ફાડી નાખવાનો ઇરાદો જાહેર કરીને રીસીવર પછાડીને મૂકી દીધું.


સાંજે નિસર્ગ જ્યારે ઘરે આવ્યો ત્યારે ગુણવંતરાયે તેને વેવાઈ સાથે ફોનમાં થયેલી વાતચીતની જાણ કરી હતી.


“પપ્પા, તમારે મને ફોન કરતા પહેલાં પૂછવું તો જોઈએને ?” નિસર્ગનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો.


“નિસર્ગ, તે લોકોએ આપણી સાથે બનાવટ કરી છે.”

“પપ્પા, માઈન્ડવેલ, પરણીશ તો સુહાનીને જ... અધરવાઈઝ હું આજીવન કુંવારો રહીશ.”

“પણ સુહાનીનો ભુતકાળ જાણ્યા વગર....”


“પપ્પા, મને સુહાનીનાં કોઈ ભૂતકાળમાં રસ નથી. હવે તો સુહાની જ મારું ભવિષ્ય છે.” નિસર્ગ મક્કમતાથી કહ્યું હતું. ગુણવંતરાયની અનુભવી આંખે એકના એક દિકરાની આંખમાં બાપ સામેના બગાવતની ચિનગારી ભાળી લીધી હતી તેથી તેમણે તરતજ જીદ છોડીને સમાધાનકારી વલણ અખત્યાર કરવાનો માર્ગ નક્કી કરી લીધો હતો.


બીજી બાજુ અકળાયેલા રમણલાલે દિકરીને સમજાવવાની કોશિષ કરતા કહ્યું હતું “સુહાની, સામેવાળા માણસો બરોબર નથી, આપણે બીજે ક્યાંક વાત ચલાવીશું.”


“પપ્પા, તમને નિસર્ગનાં પપ્પાનું વર્તન બરોબર નથી લાગ્યું તેથી આમ બોલો છો ને ?”

“હા.... દિકરી.”

“પપ્પા, મારે મારું જીવન નિસર્ગનાં પપ્પા સાથે નથી વિતાવવાનું.... પરંતુ નિસર્ગ સાથે વિતાવવાનું છે.  નિસર્ગનું વર્તન ખરાબ નથી તે વાત આપણા માટે મહત્વની છે.”

“પણ દિકરી...” 

“પપ્પા, પ્લીઝ, મારા મનમંદિરમાં હવે નિસર્ગની મૂર્તિ પ્રસ્થાપિત થઈ ગઈ છે. તેના વગર હું જીવી નહિં શકું.” બાપ દિકરી વચ્ચેનો સંવાદ ચાલતો હતો ત્યાંજ ઘરની બહાર નિસર્ગ તેના પપ્પા અને મમ્મીને લઈને આવી પહોંચ્યો હતો.


“રમણલાલ, આઈ એમ સોરી, નિસર્ગ અને સુહાની એક થાય તે આપણા બંને પરિવારોનાં હિતમાં છે.”

ગુણવંતરાયે સજળનેત્રે રમણલાલનાં બંને હાથ પકડીને કહ્યું હતું.


રમણલાલ પણ ભાવુક થઈને ગુણવંતરાયને ભેટી પડ્યા હતા. બંને વેવાઈઓને ભેટી પડતાં જોઈને બંને વેવાણો પણ હર્ષાશ્રુ સાથે ભેટી પડ્યા હતાં. હિન્દી ફિલ્મનાં સુખદ અંત જેવું દ્રશ્ય સર્જાયું હતું.


હનીમૂન દરમ્યાન જ્યારે સુહાનીએ નિસર્ગને જણાવ્યું કે તેની સગાઈ તૂટવાનું મુખ્ય કારણ તેનાં ભાવિ પતિ સાથે જે ચર્ચા થઈ હતી તે હતું ત્યારે અનાયાસે જ નિસર્ગ પૂછી બેઠો હતો... “સુહાની, એવી તો શું ચર્ચા થઈ હતી ?”

“મેં તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે હું સંયુક્ત કુટુંબમાં રહેવામાં માનતી જ નથી... બસ તેને ઝાટકો લાગી ગયો હતો પરિણામે અમારા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આખરે સગાઈ તૂટી ગઈ હતી.”


સુહાનીની વાત સાંભળીને નિસર્ગ સ્તબ્ધ થઈ ગયો હતો. સ્વપ્નિલ અને સંવેદનશીલ સ્વભાવવાળા નિસર્ગને ધીમે ધીમે સુહાનીનાં આકરા સ્વભાવનો પરિચય થવા લાગ્યો હતો. સુહાની સાથે તેણે સેવેલા સ્વપ્નનો મહેલ રોમાન્સથી ભરપૂર હતો જેનાં કાંગરા ધીમે ધીમે ખરવા લાગ્યા હતા. બંને વચ્ચેની તૂ તૂ મેં... મેં ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી હતી પરંતુ દૈહીક આકર્ષણને કારણે રાત્રે પથારીમાં બંને બધું ભૂલીને એક થઈ જતા હતા. સુહાનીને એડજસ્ટ થવા માટે નિસર્ગ લગ્નનાં એક વર્ષમાં જ માતા પિતાથી અલગ થઈ ગયો હતો છતાં પણ બંને વચ્ચેનું માનસિક અંતર ક્રમશઃ વધતું ગયું હતું. લગ્નજીવન બાબતે સેવેલા સપના જ્યારે તદ્દન વિપરીત હકીકત બનીને માણસની સામે આવે ત્યારે તે તૂટેલાં સપનાની કરચો માણસનાં હૃદયમાં શૂળની જેમ ભોંકાતી હોય છે અને માણસ તૂટી ન જવા માટે સતત ઝઝુમતો હોય છે. નિસર્ગની પણ તે જ દશા હતી.


નિસર્ગ આજે ચાર વર્ષ બાદ અચાનક પૂણેમાં તેનાં જૂના મિત્ર આદર્શને મળ્યો ત્યારે આદર્શે નિસર્ગની વાતમાં વારંવાર વ્યક્ત થતો સુહાની પ્રત્યેનો અસંતોષ પકડી પાડ્યો હતો અને લગ્નજીવનમાં ‘સ્પેસ’નું મહત્વ સમજાવતાં પોતાનો દાખલો આપ્યો હતો.


“નિસર્ગ, મારે અને સોનાક્ષીને પણ શરૂઆતમાં પ્રોબ્લેમ થતા હતાં. ત્રણેક વર્ષ બાદ તો બિલકુલ તમારા જેવું જ સ્ટેજ આવી ગયું હતું.”


“પછી ?” નિસર્ગનાં અવાજમાં ઉત્સુકતા હતી.


“પછી તો મેં એવો ઉત્તમ રસ્તો શોધી કાઢ્યો કે ત્યારબાદ અમારે કોઈ ઝઘડો જ થયો નથી.”

“શું વાત કરે છે. આદર્શ ? એવો વળી કયો રસ્તો ?” 


“વીક એન્ડ કપલ.” આદર્શે આંખ મીચકારીને કહ્યું હતું.

“એટલે ?”

“નિસર્ગ, પાંચ વર્ષ પહેલાં મને પ્રમોશન મળ્યું ત્યારે કંપનીએ મને પૂણેનો ઓપ્શન આપ્યો હતો જે મેં સહર્ષ સ્વીકારી લીધો હતો.”

“આદર્શ, એટલે કે મુંબઈમાં પ્રમોશન મળતું હોવા છતાં તું પૂણે આવ્યો ?”


“હા નિસર્ગ.... સ્પેસ માટે.. સોનાક્ષીનું તો બ્યુટીપાર્લર મુંબઈમાં સરસ ચાલતું હતું તેથી તે તો પૂણે આવે જ નહીં ને ?”


“આદર્શ, તું મુંબઈ-પૂણે અપડાઉન પણ કરી શકે ને ?”

મેં સોનાક્ષીને ત્યારે જ કહી દીધું હતું કે મારાથી અપડાઉન નહિં થાય. હું શનિ-રવિ આવીશ.”

“સોનાક્ષીભાભી માની ગયાં ?”

“જો દોસ્ત, પત્નીને પટાવવાનાં હજાર રસ્તા હોય છે. મેં પણ લેબોરેટરીમાં મારો ડાયાબીટીશનો ખોટો રિપોર્ટ તૈયાર કરાવીને તેને બતાવીને દયામણું મોઢું કરીને મારાથી અપડાઉનનો શ્રમ સહન નહિં થાય તેમ જણાવી દીધું હતું અને આખરે તે માની ગઈ.”


“પછી ?”

“પછી શું.... મને મારી રીતે આઝાદી મળી ગઈ. બંનેને સ્પેસ મળી ગઈ. વીક એન્ડમાં મુંબઈ જવાનું થાય ત્યારે સોનાક્ષીને ભરપુર પ્રેમ આપું છું.” સોમથી શુક્ર અલગ જ રહીએ છીએ તેથી ઝઘડવા માટેનો સમય અમારા બેમાંથી કોઈની પાસે હોતો નથી. દરરોજ મોબાઈલ પર સંપર્કમાં રહીએ છીએ. યાર મોબાઈલ તો ખરેખર દુનિયા નાની બનાવી દીધી છે.” આદર્શ હાથમાં સેલફોન રમાડતાં રમાડતાં કહ્યું.

આદર્શ, હું તો તારા જેવું ન કરું. સુહાની ભલે કાયમ મારે સાથે ઝઘડતી હોય પરંતુ મારા વગર તે રાત્રે ક્યારેય જમતી પણ નથી.

“વાહ... સતી સાવિત્રી જેવું કહેવાય.” આદર્શે મજાક કરી.


“યાર, અત્યારે માત્ર એક દિવસ માટે અહીં પૂણે આવવાનું હતું તો પણ તેણે મારી સાથે આવવા માટે જીદ કરી હતી. મેં માંડ માંડ મારા બીઝી શીડ્યુલની વાત કરીને તેને સમજાવી હતી. આ તો જોગાનુજોગ જ તને મળવાનું શક્ય બન્યું.”


બંને મિત્રો છૂટા પડતી વખતે પ્રેમથી ભેટ્યા ત્યારે આદર્શે નિસર્ગનાં કાનમાં ધીમેથી કહ્યું..... “દોસ્ત વીક એડ કપલ વાળો મારો આઈડીયા વિચારી જોજે... વડોદરાથી બહાર ક્યાંક ટ્રાન્સફર લઈ લે... પછી જો. જીવવાની કેવી મજા આવે છે.”


“ના આદર્શ, મારા દિમાગમાં તે વાત બિલકુલ બેસતી નથી. સંજોગોને આધિન વીક એન્ડ કપલ બનવું પડે તેનો વાંધો નથી પરંતુ જૂઠનાં સહારે વીક એન્ડ કપલ બનીને નથી જીવવું.” નિસર્ગ નિખાલસ અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું.


સમયનું ચક્ર ફરતું ગયું. ત્રણેક વર્ષ બાદ નિસર્ગને કંપનીનાં કામે ફરીથી પૂણે જવાનું થયું. સુહાની નાના બાળકને લઈને ઠંડીમાં મુસાફરી કરવા માંગતી નહોતી તેથી તેણે નિસર્ગની સાથે જવાનો દુરાગ્રહ નહોતો રાખ્યો.


“હલ્લો, આદર્શ તારા ગામમાં આવ્યો છું.”

“આજે રજા પર છું. ઘરે જ છું.”

“ઓ. કે. હું કલાકમાં આવું છું.”

એક કલાક બાદ આદર્શનાં ડ્રોઈગરૂમમાં બંને મિત્રો બેઠા હતાં. નિસર્ગે ખભે ભરાવેલ લેપટોપ બેગમાં સ્વીટનું બોક્સ સાચવીને રાખ્યું હતું. નીકળતી વખતે આદર્શને તે આપવાનું તેણે મનોમન નક્કી કર્યું હતું.

“શું ચાલે છે.... યાર... કેમ છે... તમારું વીક એન્ડ કપલ ?” નિસર્ગે નિર્દોષ ભાવે પૂછ્યું.

આદર્શની આંખમાં આંસુ તગતગ્યાં.


“નિસર્ગ, મારી જ ચાલાકી મને મોંઘી પડી ગઈ. મારા અને સોનાક્ષીના ડીવોર્સ થઈ ગયા છે.”

“વ્હોટ ?” નિસર્ગથી ચીસ પડાઈ ગઈ.

“હા નિસર્ગ, મારા એક જૂઠનાં સહારે વીકમાં પાંચ દિવસ જેમ હું આઝાદ હતો તેમ સોનાક્ષી પણ આઝાદ હતી. ફેસબુક દ્વારા સોનાક્ષીનો સંપર્ક તેનાં કોલેજનાં કોઈક જૂના મિત્ર અપૂર્વ સાથે થયો અને ધીમે ધીમે બંને નજીક આવી ગયા. 


સોમથી શુક્ર અપૂર્વ મારા ઘરે જ રહેતો હતો..... મને ખબર પડી ત્યારે ખુબ મોડું થઈ ગયું હતું.”

નિસર્ગને મનમાં થયું કે સારું થયું ઉતાવળ કરીને પેલું સ્વીટનું બોક્સ તેણે કાઢ્યું નહોતું. બંને મિત્રો વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું. પીનડ્રોપ સાઈલેન્સ વચ્ચે દિવાલ પર લટકાવેલ કેલેન્ડરનાં પાના પંખાની હવાથી ઉડીને ‘શનિ-રવિ’ વીક એન્ડ પર આવીને અટકી પડ્યા હતાં !

Post a comment

0 Comments