About us

“પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી”૧૯૯૦ના દાયકાની એક વાત છે.

            

શેતલના કાંઠે આવેલું એક ગામ. ગામ નાનું એવું જ. એકથી પાંચ ધોરણની શાળા. ત્રણ શિક્ષકોનુ સેટ અપ. બે શિક્ષકો કામ કરે અને એક જગ્યા  લગભગ ખાલી જ રહેતી કાયમી. કોઈ નવો શિક્ષક આવે કે તરત જ સીનીયર શિક્ષક બદલી કરાવી નાંખે!! એટલે વધે બે ના બે!! સુરતમાં આવેલ અશ્વિનીકુમારના ત્રણ પાનના  વડલાની જેમ જ!! એ વડલાને વરસોથી ત્રણ પાન જ છે. નવું પાન ફૂટે કે એક પાન ખરી જાય!! 

                

આવી આ શાળામાં તપાસ કરવા   માટે તાલુકામાંથી મોટા સાહેબ અને કલાર્ક રાજદૂત લઈને નીકળ્યા. આ જ તે શાળામાં વરસ દિવસ પહેલા હાજર થયેલા  અને ગામમાં તેમજ આજુબાજુની શાળામાં પોતાની વાયડાઈ તરીકે પ્રખ્યાત થઇ ગયેલા શિક્ષક્ને આજ બતાવી જ દેવાનું છે એવો દૃઢ લઈને બને સાહેબો નીકળ્યા હતા.!!

            

શિક્ષક્નુ નામ પરેશભાઈ.  તેના સાથી શિક્ષક તરીકે હરેશભાઈ હતા. આ બને શિક્ષકો ગામમાં નોકરી કરે. 

                

જે શિક્ષક્ની વાયડા તરીકેની છાપ હતી એનું નામ પરેશભાઈ અને એ છાપ પણ આજુબાજુના ચાર ગામમાં નોકરી કરતાં શિક્ષકોમા જ હતી. બાકી આ ગામમાં બે વરસમાં પરેશભાઈની છાપ એક નિષ્ઠાવાન અને સજ્જન તરીકેની હતી. ગામલોકો પોતાના ગામમાં જ નહિ આજુબાજુના ગામમાં સગા સંબંધીને ત્યાં જાય ત્યારે પણ ગર્વથી કહેતા કે 

                       

“અમારે હવે સારા માસ્તર આવ્યા છે!! મારી સાંભરણમાં આવો માસ્તર હજુ અમારા ગામમાં નથી આવ્યો. જે છોકરાને નિશાળે લઇ જવા માટે બે બે જણા ઢસડીને લઇ જાય અને ત્યારે એ માંડ માંડ નિશાળના દરવાજે પહોંચે એવી અમારા ગામની વનાની વેજા હવે નવ વાગ્યામાં નિશાળમાં પોગી જાય છે અને સાંજે છ સાડા છ વાગ્યે ઘરે આવે છે”

                

“હોય નહિ અમારે તો સાડા અગિયારે નિશાળ ખુલે અને પાંચમાં પાંચ હોય ત્યાં જ છોકરા છૂટે અને માસ્તરો વછૂટે, અમુક  સાહેબો તો છોકરાની પહેલા જ ઘરે પુગી જાય. આ અમારી પડખે જ એક સાબ ભાડે રહે છે. એ કાયમ પોણા પાંચ થાય એટલે ઘરે આવી જાય. ઈ ઘરે આવે એટલે અમને ખબર પડી જાય કે હવે દસ પંદર મિનીટ પછી અમારા છોકરા નિશાળેથી ઘરે આવી જાય!! બોલો આવું છે” સગા સબંધી એના ગામની પરિસ્થિતિ રજુ કરે!!

                

એટલે થોડા સમયમાં પરેશભાઈ આજુબાજુની ગામની શાળામાં એટલા અળખામણા થઇ ગયેલા કે શિક્ષકોએ એને વાયડાનું બિરુદ આપી દીધું. અને આ બિરુદ આખા તાલુકામાં ફેરવાઈ જાય એ માટે બધાએ તનતોડ પ્રયત્નો પણ શરુ કરી દીધેલા!!

            

ગામલોકોના દિલમાં આદરનું સ્થાન મેળવનાર પરેશભાઈએ બીજું તો કશું નહોતું કર્યું પણ વરસોથી ચાલી આવતી કેટલી પરંપરાઓ ધરમૂળથી ફેરવી નાંખી. પહેલા ધોરણમાં બાળકને દાખલ થવું હોય તો એના પાંચ વરસ પુરા થઇ ગયા હોય એવો તલાટીનો દાખલો જોઈએ. હવે એ ગામમાં આવા દાખલા વગરના લગભગ આઠ વરસના , સાત વરસના , પાંત્રીસ જેટલા બાળકોના નામ વાલીફોર્મમાં વાલી ની સહી લઈને વાલી કહે એ જન્મતારીખ લખીને ચડાવી દીધા. બીજું કામ એ કર્યું કે પોતાને સવારમાં કોઈ કામ નહોતું એટલે નવ વાગ્યે શાળા ખોલી નાંખે અને બાળકો પાસે સફાઈ કરાવે પછી બાળકોને રમવાની છૂટ.. છેક સાડા દસ સુધી.. પછી પાંચ વાગ્યા પછી શાળાના બાળકો સાથે પાદરમાં દોઢ કલાક સુધી પોતે ક્રિકેટ રમે!! છોકરાઓ ઓટોમેટીક આવવા લાગ્યા.!!

                 

અમુક છોકરાઓને ઘરના કે વાડીના કામ હોય એને કહી દીધું કે તમારે જયારે આવવું હોય ત્યારે આવવું.. કલાક બે કલાક આવો તો પણ ચાલશે.. નિશાળે આવો પછી એમ થાય કે વાડીયે જાવું છે તો જતું રહેવાનું!! આની પાછળનું એનો તર્ક એવો હતો કે છોકરું સાવ ના આવે એના કરતા કલાક કે બે કલાક ભલે ને આવે..!! થોડું ઘણું શીખશે ને!! અમુક વાલીઓ પણ રાજી થયા!! આ એને બહુ જ ગમ્યું!! પણ છોકરો નિશાળે આવે ને પછી એને જવાનું મન જ ન થાય એવી પ્રવૃતિઓ શરુ કરી દીધી!! સાથી શિક્ષક્નો પણ એને સારો સહકાર મળ્યો!!

                  

એ વખતે શિક્ષકોની મીટીંગો બહુ ઓછી થતી. વરસમાં એક કે બે વાર જૂથ મીટીંગ થાય. ત્યારે નજીક નજીક ની શાળાના શિક્ષકો મળે!! પછી તાલુકાના રમતોત્સવ માં મળે અને વિજ્ઞાનમેળા મળે. બસ આ સિવાય શિક્ષકોની કોઈ મીટીંગ થતી જ નહિ.

                   

આવી જ એક જૂથ મીટીંગ એક મોટી શાળામાં થયેલી અને એ શાળાના એક એવોર્ડ વિજેતા શિક્ષકે પરેશભાઈને રીતસરનો ઘઘલાવી નાંખેલો.

             

“ યુવાન લોહી છે અને ખાદીવાળી સંસ્થામાં ભણ્યા છો એટલે લોહી બહુ ચટકા મારે છે નહિ?? તમે જે રીતે બધી બાબતમાં ગામને નિશાળમાં ઇન્વોલ્વ કરો છો એ સારું નથી. કોઈ પણ કાર્યક્રમ ગોઠવો છો તો તમારી નિશાળમાં ગામ આખું આવે છે..એક વાત યાદ રાખી લે કે તને કોઈ ટોકરો નહિ બંધાવી દે” પરેશભાઈ તો આ સાંભળીને ચમકી જ ગયો. એ માની જ નહોતો શકતો કે આ ગુરુજીને હજુ ગયા વર્ષે શ્રેષ્ઠ શિક્ષક્નુ પારિતોષિક મળ્યું. પરેશભાઈ બોલ્યા.

“સાહેબ એમાં એવું છે ને કે જે મંદિરે વધુ ભક્તો જાય એમ એ મંદિરનો વિકાસ થાય. મંદિર સમૃદ્ધ થાય.. એમ ગામ લોકો શાળામાં આવે છે અને આપીને જાય છે.. આજે મારી શાળામાં નવ હજાર જેટલું ભંડોળ એકઠું થઇ ગયું છે..!! આ મહીને રમતગમતના ચાર હજારના સાધનો લાવ્યો છું.. એ રકમ બાદ કરતા નવ હજાર બેલેન્સ છે બોલો.. ગામ ઇન્વોલ્વ થાય તો આટલો ફરક પડે!!”

              

“ તું હજુ નાનો છો.. ઉગીને ઉભો થયો છો.. બાકી અમે વીસ વરસથી નિશાળમાં છોલાવીયે છીએ!! તું હજુ આજકાલનો છે એટલે આ બધા ગતકડા તને ગમે છે” શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા ગુરુજી હવે છેક અંદરથી બળી ગયા હતા.

           

“ સાહેબ જાત ઘસો તો પરિણામ આવે જ બાકી તમે કહો છો કે તમે વીસ વરસથી છોલાવો છો તો પછી લોહી જ નીકળે.. છોલવામાં સારું પરિણામ ન આવે!! જાત ઘસવી અને છોલાવવું એમાં બહુ મોટો ફર્ક છે સાહેબ!! બહુ મોટો ફરક!!” આંખમાં આંખ નાંખીને પરેશભાઈ બોલ્યા અને પેલા ગુરુજીતો ઠરી ગયા અને મનોમન બોલ્યાં આ તો “વધારે પડતી વાયડી વિકેટ”!!

                       

અને પછી જૂથમીટીંગમાં પરેશભાઈ સામે બધાએ એક મોરચો જ ખોલ્યો. જૂથ મીટીંગમાં દરેક શાળા પોતાની કરેલી પ્રવૃતિઓ ઉભા થઈને કહેતા હતા. વારફરતી દરેક શાળા બે બે મિનીટ બોલીને બંધ થઇ જાય!! નવું કર્યું હોય તો બોલેને?? પણ પરેશભાઈ એ એક કલાક કાઢ્યો. એમણે છ મહિનામાં જ આઠ પર્યટન કર્યા હતા. આજુબાજુના જોવાલાયક મંદિર, પોસ્ટ ઓફીસ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ની મુલાકાત લઇ આવ્યા હતા. આ વાત કરી ત્યાં અમુક શિક્ષકો બોલ્યા. આ માટે મંજૂરી લીધી હતી??? એમાં મંજુરીની કોઈ જરૂર નથી એવું પરેશ બોલ્યો. બહાર મોટા પ્રવાસમાં જવું હોય તો જ મંજૂરી લેવાની. પછી તો ઘણી ઘણી નવી નવી પ્રવૃત્તિ વર્ણવી. એક બાળક એક ઝાડ..!! રવિવારે રાત્રી શાળા શરુ!! જેમ જેમ એ પોતાનું કામ ગણાવતો ગયો એમ એમ આંખના કણાની જેમ બધાને ખટકતો ગયો.

             

મોટા સાહેબો પાસે કાન ભંભેરણી શરુ થઇ ગઈ. તમારી મંજૂરી વગેરે એ પર્યટન ગોઠવે છે. શાળાને ધર્મશાળા બનાવી દીધી છે. શાળામાં  કોઈ શિસ્ત જ નથી.. બાળકો મન ફાવે આવે અને મન ફાવે ત્યારે જાય છે.. હવે તો રાતે પણ નિશાળ ખુલે છે છોકરા લેશન કરે છે!! કાઈ બની ગયું તો શિક્ષણને કાળી ટીલી લાગશે કાળી ટીલી!! આજુબાજુની શાળાના મહાન શિક્ષકો તાલુકામાં જઈ જઈને ફરિયાદો કરી રહ્યા હતા!!

                    

એવામાં રમતોત્સવ આવ્યો. અને એક ઘટના બની. પરેશભાઈ પોતાની શાળાના બાળકોને લઇ ને આવ્યા હતા. પોતાની શાળા પાંચ રમતોમાં પહેલો નંબર લાવી હતી. જ્યાં જમણવારની વ્યવસ્થા હતી ત્યાં બધા શિક્ષકો મોટા સાહેબોની રાહ જોઇને ઉભા હતા, જોકે બધા બાળકોએ જમી લીધું હતું. સાહેબો આવે પછી જ શિક્ષકો હાથમાં થાળી પકડે એવો પ્રોટોકોલ વરસોથી ચાલ્યો આવે!! લગભગ એક વાગવા આવ્યો.. સાહેબો હજુ રમતના મેદાન પર મીટીંગ કરીને બેઠા હતા. બે ત્રણ વાર કહેવામાં આવ્યું પણ થોડી વાર ખમો એમ કહીને વાતે વળગી રહ્યા હતા. કારણ એક જ હતું સવારમાં ભરપુર નાસ્તો અને પછી રમતોત્સવમાં ઠંડા પીણા ખુબ પીધા એટલે હજુ કલાક પછી જમેં તો ય ચાલે એમ હતું. ભોજન ઠરી રહ્યું હતું. અને પછી પરેશભાઈએ બધા શિક્ષકોએ કહ્યું.

              

“આપણે ખુબ રાહ જોઈ.. આ ભોજન પણ ઠંડુ પડી જશે.. એ લોકો નાસ્તો કરીને બેઠા છે ને આપણે રહ્યા સવારના ભૂખ્યા.. હું તો  જમી લઉં છું..” એમ કહીને એણે ડીશ પકડી કે પાછળ લાઈન થઇ ગઈ. ચાર પાંચ પાકા ચમચા શિક્ષકો સિવાય કોઈ વધ્યું નહિ!! બધાએ જમી લીધું અને સાહેબો પધાર્યા. વાત જાણી અને ગુસ્સેથી કોપાયમાન થઇ ગયા!!

           

“અમારી પહેલા એને જમાય જ કેમ?? આટલી બધી ભૂખ ભડાકા લઇ ગઈ હતી??? કોણે કરી શરૂઆત???  વગેરે પ્રશ્નોનો પ્રશ્નકાળ શરુ થયો.

                 

અને નામ આવ્યું પરેશભાઈનું.. ચાર સિવાય બધા જ શિક્ષકો જમ્યા હતા.. બરાબર ચાવીઓ ટાઈટ કરવામાં આવી.. હવે પરેશભાઈનું આવી બન્યું જ સમજો.. પણ મોટા સાહેબની સાથે એક ક્લાર્ક હતા એણે ગામ ગામના પાણી પીધેલા હતા એણે કહ્યું.

            

“આજ એને કશું કહેવું નથી.. આજ હમણા રમતોનો  સમાપન સમારોહ થાશે.. અને એ પરેશની શાળા પાંચમાં જીતી છે.. આજ એને હવા માં ઉડવા દો.. એના વિસ્તારમાં જઈ એની શાળામાં જઈને જ એને પાડવો છે.. આજ ચુપ થઇ જાવાનું છે.. આજ કશું બોલવાનું નથી.. આજ એની શાળાના બાળકોને બિરદાવવાના છે.. એ આમેય વાયડો અને ફુલણશી તો છે જ..પછી મોકો જોઇને ઊંઘતો ઝડપી લેવાનો છે અને એવો હાંકવાનો છે કે કોઈ દિવસ અધિકારી જમે ઈ પહેલા ક્યારેય ન જમે..!! સીધો દોર કરી દેવો છે પણ આજ નહિ પછી ક્યારેક  એટલે તમે આજ ધીરા રહેજો”  

                       

બસ આ જ કારણ સર આજ મોટા સાહેબો પરેશભાઈની શાળામાં રેડ પાડવા નીકળ્યા હતા!!!

સાડા દસે બને સાહેબો નિશાળમાં પહોંચી ગયા. શાળા આખી ચોખ્ખી ચણાક હતી. બાળકો બધા દડો લઈને રમી રહ્યા હતા. બને શિક્ષકો આવી ગયા હતા.

               

“કેટલા વાગ્યે શાળા ખુલી જાય છે.” બહાર રમતા બાળકોને મોટા સાહેબે પૂછ્યું.

              

“જી લગભગ નવ વાગ્યે તો ખુલી જ જાય” બાળકોએ રમતા રમતા જવાબ આપ્યો.

              

“એમ”??” કહીને બને સાહેબો આચાર્ય પાસે ગયા. એ દૂર એક ખૂણામાં પાણી ની પાઈપ પકડીને ફૂલ છોડને પાણી પાતા હતા.

             

“ પધારો પધારો સાહેબ!! કહીને આચાર્યે પાણી ની પાઈપ બીજા એક છોકરાને પકડાવી અને વિવેક સાથે સાહેબોનો સત્કાર કર્યો.

            “ આટલી વહેલી શાળા ખોલી નાંખો છો અને પછી બાળકો આવીને રમે છે શાળામાં ઈ તો બરાબર પણ કાલ કોઈ મેટર બની તો?? કોઈ બાળકને કશું થયું કે રમતા રમતા વાગ્યું તો જવાબદારી કોની??? સાહેબે પેલો પ્રશ્ન કર્યો.

            “અમે બને શિક્ષકો શાળા ખુલે એટલે હાજર જ હોઈ એટલે એવો કોઈ પ્રશ્ન બને જ નહિ. અને કદાચ કોઈને ક્યારેક વાગે તો વાલીઓ એને ગણીને ગાંઠે બાંધે નહિ. વાલીઓ તરફથી સંપૂર્ણ સહકાર છે સાહેબ.. વાલીઓ ઉલટાના રાજી છે કે એના બાળકો નવ વાગ્યાથી સચવાય છે” આચાર્ય બોલ્યા.

           

“બરાબર છે પણ ક્યારેક કોઈ મુશ્કેલી થશે” કહીને ઓફિસમાં બને સાહેબોએ બેઠક લીધી. હાજરી પત્રક જોયું. ચા આવી નાસ્તો આવ્યો. ચા અને નાસ્તાને ન્યાય આપીને બને સાહેબો પ્રાર્થના સભામાં ગયા. સાડા અગિયાર સુધી પ્રાર્થના કાર્યકર્મ ચાલ્યો. કશી જ ખામી નહોતી. બાળકોને સાહેબનો પરિચય આપવામાં આવ્યો. બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે સાહેબોનું અભિવાદન શરુ કર્યું. સહુ બાળકો પોતપોતાના વર્ગમાં ગયા. અને બને સાહેબોએ પરેશભાઈના વર્ગની મુલાકાત લીધી.

               

પરેશભાઈ ધોરણ ચાર અને પાંચ સાથે લેતા હતા. મહેશભાઈ એક થી ત્રણ ધોરણ લેતા હતા. હાજરી પત્રક, દૈનિક નોંધ પોથી, માસ વાર આયોજન વગેરે ચેક થઈ રહ્યું હતું.

             

એવામાં નિશાળના દરવાજા પાસેથી ગામના મનુભાઈ નીકળ્યા. દરવાજાની અંદર બાઈક જોઇને એ અંદર આવ્યા. એને ખ્યાલ આવી ગયો કે કોઈ નિશાળમાં આવ્યું છે તાલુકામાંથી નહીતર આ બને શિક્ષકો ગામમાં જ રહેતા અને ચાલીને જ શાળામાં આવતા હતા,કોઈ દિવસ બાઈક લઈને શાળામાં આવતા જ નહિ. એ અંદર આવ્યા ને રૂમની બહાર મોટા સાહેબો કે પરેશભાઈની જાણ વગર ઉભા રહી ગયા અને અંદર શું ચાલે છે એ બહારથી સાંભળવા લાગ્યા.

             

મનુભાઈની છાપ ગામમાં થોડી માથાભારેની ખરી. વળી તાલુકાના પ્રમુખ સાથે એમને ઘર જેવડો સંબંધ હતો. વળી તે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય પણ ખરા. પરેશભાઈને મનુભાઈ સાથે બહુ ઓછા સંબંધો. શાળાના કામમાં જ આચાર્ય એટલા ઓતપ્રોત કે એને રાજકીય માણસો સાથે સંબંધ બનાવવાનો ખુબ જ ઓછો અવકાશ મળતો.

                  

ચાલીશના વર્ગમાં લગભગ સાતેક જણાને વાંચતા લખતા કે ગણતા ઓછું આવડતું હતું. મોટા સાહેબે એ બધા બાળકોને ઉભા કરીને કહ્યું.

            

“કેમ આટલા નબળા રહી ગયા છે?? શું કરો છો તમે આખો દિવસ??  વર્ગમાં ખાલી બેઠા જ રહો છો કે પછી શિક્ષણનું કાર્ય પણ કરો છો” બાળકોની હાજરીમાં જ મોટા સાહેબે ઊંચા અને કડક અવાજે કહ્યું.

           

“ એ નબળા છે એ સ્વીકારું છું. એના માટે સક્રિય પણ છું. પણ સાહેબ એમાં એવું છે કે એક તો મારે આચાર્યનો ચાર્જ છે. વળી બે ધોરણ છે. અને હું તો હજુ અઢી વરસથી આવ્યો છું. આ બધા પહેલા અનિયમિત હતા. આપ ચાહો તો બે વરસ પહેલાના હાજરી પત્રક ચેક કરી શકો છો. આ બધા બાળકો હવે સમયસર આવે છે એટલે આપની ભવિષ્યની મુલાકાત વખતે આ બધા વાંચતા લખતા થઇ જશે એની ખાતરી આપું છું. મૂળ તો એ એનું પેહેલું અને બીજું ધોરણ જ કાચું રહી ગયું છે. એટલે એ નબળા છે” પરેશભાઈ પૂરી વિનમ્રતાથી પોતાની હકીકત જણાવી રહ્યા હતા અને એમાં ભારોભાર સત્યતા હતી.

          

પણ મોટા સાહેબ તાડૂકી ઉઠ્યા.. ગુસ્સાથી ધમધમી ઉઠ્યા!! રીતસરના બરાડ્યા!!

          

“ આ બધા વરસોથી ચાલ્યા આવતા રાષ્ટ્રીય બહાના છે!! નબળા બાળકોની જવાબદારી અગાઉના શિક્ષકો પર ઢોળી દેવાની એમ??? આ દેશમાં આવું જ ચાલે છે!! કોલેજવાળા માધ્યમિક વાળાનો વાંક કાઢે. માધ્યમિક વાળા પ્રાથમિક વાળાનો વાંક કાઢે.. અને પ્રાથમિક વાળા બાળમંદિર વાળાનો અને બાળ મંદિરવાળા બાળકોના વાલીઓ વાંક કાઢે અને વાલીઓ ભગવાનનો વાંક કાઢે છે. બાળકો જ આવા અવતરે છે!! બધાજ સાલાઓ એક બીજાને ખો આપે છે. કોઈ નબળા બાળકોની જવાબદારી લેતું નથી. આ બાબત ખુબજ ગંભીર છે!! આ સાત બાળકો જે નબળા છે એની તમને નોટીસ પણ મળશે અને વિઝીટ બુકમાં પણ નોંધ થશે!! આ બેદરકારી છે. ઘોર બેદરકારી છે!! તમે તમારી ફરજ ચુક્યા છો!! તમે વહેલા નિશાળ ખોલો છો.. સાંજે પણ સાડા છ વાગ્યા સુધી  બાળકો સાથે રમો છો એનો મતલબ એવો નથી કે તમે તમારી જવાબદારીમાંથી છટકી જાવ!! ઉપરવાળો બધું જ જુએ છે!! અહીના અહી જ ભોગવવા પડશે એ યાદ રાખો. મફતનો પગાર ખાવ છો શરમ આવવી જોઈએ તમને!! આટલું ખરાબ શિક્ષણ!! ચાળીશમાંથી સાત બાળકો બરાબર વાંચી નથી શકતા અને તમે તમારી જાતને હીરો સમજો છો.

પાંચેક દિવસ પછી તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીની ચેમ્બરમાં પ્રમુખે બને સાહેબોને બોલાવ્યા અને કહ્યું.

             

“ મારે ને મનુભાઈ સાથે બાળપણથી સંબંધ છે. એણે એની નિશાળના કોઈ દિવસ વખાણ નથી કર્યા. પણ છેલ્લા બે વરસથી એ મને અહી તાલુકામાં મળે ત્યારે એ નવા આવેલા માસ્તરોના વખાણ અને ખાસ કરીને આચાર્યના વખાણ   કરતો હોય છે. અમે રહ્યા રાજકારણી એટલે અમને બોલતા બરાબર ના આવડે પણ મનુભાઈ  મને કહેતો હતો કે તમે ગયા અઠવાડિયે એ નિશાળમાં ગયા હતા અને આચાર્યને ખખડાવતા હતા..!! તમને એટલી બધી ખંજવાળ શું ઉપડી કે તમને એ જ નિશાળ દેખાણી???  કોઈની ઘાણી કર્યા વગર નથી રહેવાતું?? એટલે હવે પછી મને પૂછ્યા વગર એ બાજુ ક્યાય ભાળ્યું ડોકાયા છો?? ઘણી બધી નિશાળો છે..!! ત્યાં ઘણું બધું કહેવાનું છે!! ત્યાં તો કોઈ દિવસ ના ગયા!! અને જે સારું કામ કરે છે ત્યાંજ ઘોંચ પરોણો કરવાનો?? હવે પછી જો કોઈ ફરિયાદ આવી છે તો પછી તમને ખબર જ છે કે આ પ્રમુખ શું કરશે!! હાલો હવે પોચા પગે નીકળો” અને બને સાહેબો બહાર નીકળી ગયા!! અને પરેશભાઈને કાયમનું સુખ થઇ ગયું.

             

પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી બધાએ યાદ રાખવી જોઈએ.

           

“હું મારા માતા-પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ”!!

                  

અને એક વાત વળી યાદ રહે કે આ તો ઓગણીસો નેવુંના દાયકાની વાત છે!!

Post a comment

0 Comments