About us

ગગનવિહારી



રજનીકાંતે આંખો બંધ કરી ત્યારે આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. જયારે આંખ બંધ કરી ત્યારે બળજબરીથી વર્તમાનને જાણે કે ધક્કો મારીને ભુતકાળ વાગોળવાનું મન થયું. બે રુમ રસોડાનું ઘર કેટલું બધું ભર્યું ભર્યું લાગતું હતું.! બે દિકરીઓ અને દિકરો, દરેકના મિત્રો. આખો દિવસ ધમાલ મચાવી દેતાં હતાં. સૌથી મોટી દિકરી મીતુ જો કે એનું નામ મીતા પણ બધા એને લાડમાં મીતુ જ કહેતાં. એની કોલેજની સખીઓથી ઘર કેટલું જીવંત લાગતું હતું ! કયારેક પિકનીક કે પિકચરનો પ્રોગ્રામ બનાવતાં. એની બહેનપણીઓ પણ અંકલ આન્ટી કહ્યા  કરતી. કેટલી બધી પ્રેમાળ હતી ! ધીરે ધીરે બધાના વારાફરતી લગ્ન થતાં ગયાં. એક દિવસ મીતુ પણ કેનેડાથી આવેલા એન. આર. આઈ. યુવક સાથે પરણીને કેનેડા જતી રહી. 


એ વખતે તો જમાઈ  એ કહેલું, "પપ્પા, મમ્મી તમે મીતુની જરાપણ ચિંતા કરતાં નહિ. અમે દર વર્ષે તમને મળવા ભારત આવતાં રહીશું. 

ત્યારબાદ એનાથી નાની માહીના બે વર્ષ બાદ લગ્ન થતાં એ પણ પતિ સાથે જર્મની જતી રહી. બંને વહાલી દિકરીઓ એમના થી દૂર થઇ ગઈ હતી. હજારો માઈલ દૂર એમની લાડકીઓ જતી રહી હતી. દિકરો હતો પણ એની ઘરમાં વસ્તી જ ક્યાં હતી ! એ તો આખો વખત બાઈક લઈ મિત્રો સાથે મજા કરતો. દિકરીઓ વગર ઘર ખાલી ખાલી લાગતું હતું. દિકરાને માબાપ પ્રત્યે લાગણી હતી જ. પરંતુ બંને બહેનોના ફોન આવતાં. બંને ત્યાંની ચમકદમક ભરી જિંદગીનું વર્ણન કરતાં. અક્ષતને આ બધી વાતો સાંભળવી ગમતી. ત્યારબાદ તો એને મનથી નક્કી કરેલું કે ગમે તે થાય તો પણ એ ભારતની બહાર જશે. અને જયાં મનની મકકમતા હોય ત્યાં કુદરતી રીતે મદદ પણ મળતી જ રહે છે. અક્ષતના ભાઈબંધની નાની બહેન અમેરિકાની સિટીઝન હતી અને લગ્ન કરવા ભારત આવી હતી. એને તો અક્ષત જોતાંની સાથે જ પસંદ પડી ગયો. અને માત્ર પંદર દિવસની અંદર લગ્ન કરી બંને જણા સાથે જ અમેરિકા જતાં રહ્યાં. રજનીકાંત અને એની પત્ની ખુબ રડ્યા. પરંતુ અક્ષતે કહ્યું, "હું તમને ટુંક સમયમાં અમેરિકા બોલાવી લઈશ. "


પરંતુ પોતાનો દેશ છોડી ને પાછલી ઉંમરમાં પરદેશ જવું કોને ગમે ? હા, ફરવા માટે જરૂર ગમે, પણ કાયમ માટે તેા ના જ ગમે. છતાં પણ દિકરાની સાથે ઘડપણ વિતાવવાનું દરેક મા બાપનું સ્વપ્ન હોય જ. ખરેખર દિકરાએ એક વર્ષમાં જ માબાપને બોલાવી લીધા. બંને જણા ખુશ હતા. દિકરાની મા તો બધાને કહી વળી હતી કે ,"દુનિયામાં અમારા જેવા નસીબદાર બહુ ઓછા હોય. અમારો દિકરો પરણ્યો છતાં ય માબાપ માટેની લાગણીમાં સહેજ પણ ઓટ આવી નથી.આ તો આપણે આપેલા સંસ્કાર કહેવાય. મારો અક્ષત પાણી માંગે તો અમે દૂધ હાજર કર્યુ છે. દિકરો બધું ય સમજતો જ હોય ને ! "


શરુઆતનું અઠવાડિયું તો આંખો મીંચીને ખોલીએ એટલી ઝડપથી પસાર થઇ ગયું. 

અક્ષતની રજા પુરી થતાં જ એને નોકરી ચાલુ કરી દીધી. રજનીકાંત અને એના પત્ની ઘરકામમાં બને તેટલા મદદરુપ થવા પ્રયત્ન કરતાં. પરંતુ અક્ષતની પત્ની હમેશા માેં ચઢાવેલું રાખતી. જો કે અક્ષતની હાજરીમાં તો આદર્શ પુત્રવધૂનો રોલ ભજવતી. પરંતુ દિવસે દિવસે એના વ્યવહારમાં તોછડાઈ વધતી જ રહી. હજી અમેરિકા આવે મહિનો પણ થયો ન હતો. હવે કંટાળીને પાછા જતાં રહે તો સમાજના લોકોના હજારો સવાલના જવાબ આપવા ભારે પડી જાય. રજનીકાંતની પત્ની રમીલા ચિંતામાં રહેવા લાગી. એમાં એને એકદિવસ ચક્કર આવી ગયા.અને પડી ગઈ. એમાં પગના થાપાનું હાડકું ભાંગી ગયું અને એ પથારી વશ થઈ  ગયા. અક્ષતની પત્ની તો હવે અક્ષતની હાજરીમાં પણ બોલવા લાગી કે આ વેઠો ને ઈન્ડિયા ભેગી કરી દો. અહીં આ બધા ખર્ચા આપણ ને ના પોષાય. કમાઈ કમાઈ ને દવામાં જ પૈસા જતાં રહે છે. "પરંતુ માબાપ બંને પરવશ હતાં. પથારી વશ પત્નીને લઈને એકલા કઈ રીતે ઈન્ડિયા જાય ? 


એક દિવસ મીતુનો ફોન આવ્યો ત્યારે રજનીકાંતે હૈયાવરાળ ઠાલવી. દિકરીએ જ સલાહ આપી કે, "પપ્પા, પૈસા ભલે વધુ થાય પરંતુ બિમાર વ્યક્તિને પ્લેનમાં ખાસ સગવડ મળે છે અને તમને તો ત્યાં નોકરચાકર મળી રહેશે. અને અક્ષત એ માટે પૈસા ખર્ચે. આમ પણ એ અમેરિકા તમારા પૈસે  જ ગયો છે ને ? હજી તમને એ પૈસા પાછા ક્યાં આપ્યા છે ? તમને અમેરિકા બોલાવ્યા ત્યારે પણ તમે તમારા પૈસે જ ગયા છો. હકથી એની પાસે પૈસા માંગી લો"

બોલવું સહેલું છે પણ જયારે પૈસાની વાત આવે ત્યારે કોઈ આપવા તૈયાર ના થાય.અક્ષતે તો કહી જ દીધું, , "પપ્પા અમારી પાસે કંઈ જ બચત નથી. તમે અહીં રોકાઈ જાવ, અમે કંઈ તમને કયાં કાઢી મુકીએ છીએ ? "


રજનીકાંતને થયું કાઢી મુકે તો સારું, પરંતુ તમારુ વર્તન જોઈને તો થાય છે કે અમે અહીં આવ્યા ના હોત તો સારું. પરંતુ વ્યકતપણે એ કંઈ બોલ્યા નહિ. 


આમ પણ થોડા વધુ પૈસા ખર્ચીને ઈન્ડિયા જવું જ છે તો સંબંધ બગાડી ને જવાનો શું અર્થ ? હા, છતાં પણ પત્નીના મનમાં ડર હતો કે બધા કહેશે કે, "દિકરાનું જ ઘર હતું  ને ત્યાં રહેવું હતું ને ? આવી તબિયતે અહીં ના આવવું જોઈએ.

" જયારે રજનીકાંતને આ વાતની ખબર પડી કે એમના તો કહી દીધું, "તું ચિંતા શું કામ કરે છે ? કોઈ પૂછે તો કહી દઈશું કે ત્યાંની ઠંડી સહન ના થવાથી પાછા આવ્યા. આપણે માબાપ  છીએ. આપણાથી એના જેવું ના થવાય. "


ત્યારે એની પત્ની બોલી, "ઠીક છે, તમારી વાત સાચી છે. પરંતુ મને વચન આપો કે તમે હવે કયારેય એની મદદ નહિ લો. પૈસે ટકે કે શારિરીક તકલીફમાં પણ. "


રજનીકાંતની આંખોમાં આંસુ આવી ગયા. બોલ્યા", તેં મારા મનની વાત કરી. હું બોલ્યો નહિ અને તું બોલી. હવે જિંદગીમાં આપણે બંને જણાંએ એકબીજાના સહારે જ જીવવાનું છે ".


ત્યારબાદ તો પત્નીની બિમારી વધતી જ ગઈ. બચત વપરાતી જ રહી. પત્ની સતત વિચારોમાં જ ખોવાયેલી રહેતી. એના કારણે એનું બી. પી. વધતું જ રહેતું હતું. પરિણામ સ્વરૂપ એક દિવસ એટેક આવ્યો અને બાયપાસ સર્જરી કરાવવી પડી. આખરે પત્નીના ઘરેણાં પણ વેચવા પડયા. આ દરમ્યાન ત્રણેય સંતાનોના ફોન આવતાં રહ્યા. બધા ય સંતાનો સલાહ સૂચનો આપતાં. પણ કોઈ પૈસા બાબત પૂછતું નહિ. એ પોતે પણ બાળકો પાસે ભીખ માંગવા ન હતા માંગતા.બાળકોની  માબાપ પ્રત્યે પણ કંઈક ફરજ હોય છે. પણ દરેક ને હક જોઈએ છે કોઈને ફરજ નથી બજાવવી. આ વાત રજનીકાંત સારી રીતે સમજતાં હતાં. 


પતિપત્નીએ નક્કી કરેલું કે સંતાનો પાસે મદદ ના લેવી. પત્ની પાછળ આટલા બધા પૈસા ખર્ચવા છતાં ય પત્ની બચી ના શકી. પત્નીના મૃત્યુ વખતે પણ કોઈ સંતાન હાજર ના રહ્યા. 


ત્યારબાદ તો રજનીકાંત બધા સંતાનો સાથે ટૂંકમાં જ વાત કરવા લાગ્યા. ઘણું કરીને હા કે ના માં.કોઈએ એવું પણ ના પૂછ્યું કે, "પપ્પા તમે જમવાનું શું કરો છો ? પૈસા ની જરૂર છે ? અત્યારે તો પૈસા ના અભાવે તો પોતે જાતે રસોઈ  કરે છે. ઘરનું કામ પણ જાતે કરે છે, કારણ પૈસા નો અભાવ. દિવસો તો પસાર થતાં રહેતાં હતાં. કયારેક કયારેક સંતાનો એમના મિત્રોને ફોન પર કહેતાં, " પપ્પાની ખબર લેતાં રહેજો. "કયારેક  તેઓના મિત્રો આવીને ખબર લઈ જતાં. પણ અા વખતે તો એ બાથરૂમમાં પડી ગયા હતાં. જાતે રસોઈ થઈ શકતી ન હતી. ઘરનું કામકાજ પણ થઈ શકતું ન હતું. સંતાનો એમના મિત્રોને તથા સગાવહાલાંઓને ફોન કરી ખબર લેવાનું કહેતા તેથી એમની દરેક ફરજની ઈતિ શ્રી. 


રજનીકાંત વિચારતાં કે પક્ષીઓ પાંખો આવતાં આકાશમાં ઉડી જાય છે. પછી એ પાછા માળામાં આવતાં નથી. એ તો કદાચ જન્મદાતાઓને પણ ઓળખતાં નહિ હોય. સંતાનો પણ દેશ છોડીને વિમાનમાં બેસીને ઉડી ગયા એ ગગનવિહારીઓ પાછા નથી ફરવાના. હવે એને રાહ જોવાની છે એકલા એકલા રહીને યમરાજની. જયાં જવાથી કદાચ એને એની જીવન સંગીની પ્રાપ્ત થાય.

Post a comment

0 Comments