About us

મા... છું ને!લેખાએ આસપાસ જોઈ લીધું. કોઈ ન હતું. હજી અંકિત ઊંઘતો હતો. વિરાજનું તો ઠેકાણું જ કયાં હતું ? એ તો એની મરજીની માલિક. કોણ જાણે રાત્રે કેટલા વાગે પાછી ફરશે. એને તો અંકિતની પણ કયાં પડી હતી.! કોર્ટમાં તો એને કહી જ દીધું કે મારો દીકરો મારી પાસે જ રહેશે. મારે તો ખાધાખોરાકી પણ નથી જોઈતી. 


શ્રીલેખા એ આંસુ લુછ્યા.રાતના દસ વાગ્યા હતા. શ્રીકાંત ઘરે આવી ગયો હશે. એની જોડે શાંતિથી વાત થઈ શકશે. જો કે આ તો એનો વીસમો ફોન હતો. દરેક વખતે એનો ફોન એંગેજ જ આવતો હતો. આ વખતે પણ એવું જ થયું. એ સમજી ગઈ કે દિકરાએ એનો ફોન બ્લોક કરી દીધો છે. શું શ્રીકાંત એટલું પણ નહિ સમજતો હોય કે દુનિયામાં સૌથી વધુ પ્રેમ મા નો જ હોય. દુનિયામાં પૈસાથી બધું જ મળી રહેશે, સિવાય સાચા દિલથી કરેલો પ્રેમ. પતિના મૃત્યુ બાદ દિકરાના સહારે તો જિંદગી વિતાવવાની હતી. પણ કુદરતે કંઈક જુદુ જ નિર્માણ કર્યું હશે એ એને કયાં ખબર હતી ? અત્યાર સુધી રોકી રાખેલા આંસુ આખરે વરસી પડ્યા. અત્યારે વ્યોમેશ હોત તો ! પરંતુ એ કયાં શકય છે ? વ્યોમેશ તો એની આંખોમાં આંસુ પણ જોઈ ના શક્યો હોત. વ્યોમેશ ની ગેરહાજરીમાં જ એને દિકરીના લગ્ન કર્યા હતાં. એ પસંદગીમાં થાપ ખઈ ગઈ કે દિકરીને સંસ્કાર આપવામાં ! 


જયારે શ્રીલેખાના લગ્નની વાત ચાલતી હતી ત્યારે વ્યોમેશને જોતાં પહેલાં જ એને હા કહી દીધી હતી. એટલા માટે નહિ કે એ અબજોપતિ હતો પરંતુ એને તો એનું નામ ગમી ગયું હતું. બાકી એના પિયરમાં પણ અઢળક ધનસંપત્તિ હતી. એ તો નાનપણથી બંગાળી સાહિત્યની ચાહક હતી. 


લગ્ન બાદ એને પતિને કહેલું કે, "હું બંગાળી સાહિત્યની ચાહક છું.એમાં ય શરદબાબુનું સાહિત્ય એટલે પુછવાનું જ નહીં. આપણે ત્યાં દિકરો આવશે તો એનું નામ શ્રીકાંત રાખીશું અને દિકરી આવશે તો એનું નામ વિરાજ રાખીશું. આ બધા તો મારા પ્રિય પાત્ર છે. ઈશ્વરે એની ઈચ્છા પ્રમાણે દિકરો અને દિકરી બંને આપ્યા. ધંધો ખુબ સારો ચાલતો હતો પૈસાની તો ખોટ હતી જ કયાં ? વ્યોમેશની વાત જ જુદી હતી. પત્ની સંસ્કારી હતી તેથી જ એની કોઈ અનુચિત માંગ જ ના હોય. અઢળક પૈસો હોવા છતાં પણ એ દરેક પ્રકારના વ્યસનથી મુક્ત હતો. જો કે સમાજમાં આવું જોવા ભાગ્ય મળે. શ્રીલેખા એની જાતને ભાગ્યશાળી માનતી હતી.વ્યોમેશની તબિયત બગડતી જતી હતી. એ દરમ્યાન શ્રીકાંતનો અભ્યાસ પણ પૂર્ણ થવા આવ્યો હતો. તેથી જ શ્રીકાંતને ફેક્ટરી પર બોલાવવા માંડયો. ધંધાની આંટીઘૂંટીઓથી વાકેફ કરવા માંડ્યો. બાપ કરતાં પણ દિકરો સવાયો સાબિત થયો. અત્યાર સુધી ધંધો ચાલતો હતો હવે તો જાણે દોડતો થઈ ગયો. એક દિવસ વ્યોમેશે પત્નીને કહ્યું, "મેં તારાથી અેક વાત છુપાવી છે  કે મને કેન્સર છે. હું થોડા દિવસનો મહેમાન છું. પરંતુ તને જિંદગીભર પૈસાની તકલીફ ના પડે એની વ્યવસ્થા કરીને જઈશ. "


શ્રીલેખા રડી પડી હતી બોલી, "શ્રીકાંત તમારા વગરના પૈસા ને શું કરવાનું ? મારે તો માત્ર અને માત્ર તમે જ જોઈએ. " વ્યોમેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. બોલ્યો, "હિંદુ ધર્મ પુનર્જન્મ માને છે જેમ રામાયણમાં સીતાજી રામને કહે છે કે જન્મોજન્મ તમે જ મને પતિરુપે પ્રાપ્ત થાવ. તે જ રીતે હું ભગવાને કહીશ કે મને પણ જન્મેાજન્મ પત્ની રૂપે તું જ મળે. ભલે બધા કહેતાં હોય કે પૈસાે હાથનો મેલ છે પણ એના વગર જીવવું પણ દુષ્કર છે. મેં કયારેય તારી આંખોમાં આંસુ નથી આવવા દીધા તો મારા મૃત્યુ બાદ પણ તારી આંખોમાં આંસુ ના આવવા જોઈએ. નહિ તો મારા આત્માને દુઃખ થશે. "સમય તો કયાં કોઈ ની રાહ જુએ છે. પતિના મૃત્યુ બાદ વિરાજની જવાબદારી પણ આવી પડી. વ્યોમેશની હયાતીમાં જ શ્રીકાંતના લગ્ન થઈ ગયા હતાં. વિરાજ તો શ્રીકાંત કરતાં ૮ વર્ષ નાની હતી. પરંતુ પૈસાના કારણે જે વ્યસનો હોવા જોઈએ એ બધા એનામાં પૂર્ણ પણે પ્રવેશી ચૂકયા હતાં.દિકરા સાથે એની પત્ની પણ ફેકટરી એ જવા લાગી હતી. એ તો એમ. બી. એ. હતી. તેથી પતિને ધંધામાં મદદરૂપ થતી અને યોગ્ય સલાહ સૂચન આપતી. ફેકટરીમાં બધા આ પતિપત્નીના વ્યવહાર થી ખુશ હતા.એટલે જ ફેકટરીના  ઉત્પાદનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જ રહેતી હતી. એમનો મોટા ભાગનો સમય ફેકટરી માં જ પસાર થતો. રજાને દિવસે પિકનિક  વગેરે. મિત્રો સાથે જતાં. ઘરમાં સુખશાંતિ નું વાતાવરણ હતું. 


વિરાજને ભણવું તો ખાસ ગમતું નહિ. પરંતુ એ કહેતી પૈસાદાર યુવક સાથે લગ્ન કરવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ભલે ને પછી પાસક્લાસ આવે.. કોઈ છોકરો માર્કશીટ જોવા માંગતો નથી. 


આખરે શ્રીલેખાએ એમની જ જ્ઞાતિનો યુવક પસંદ કર્યો અને વ્યોમેશની ગેરહાજરી ના સાલે એ રીતે મા દિકરા એ વિરાજના ધામધૂમથી લગ્ન કર્યા. એ વાત નો વિશેષ ખ્યાલ રાખવાનો પ્રયાસ થયો હતો કે વિરાજને પિતાની ખોટ ના લાગે. ઘર ખાનદાન અને સંસ્કારી હતું. પૈસાપાત્ર તો હતું જ. થોડો સમય તો બધું વ્યવસ્થિત ચાલ્યું.

પરંતુ વિરાજના સ્વભાવ મુજબ એનું ફરવાનું, જવાબદારી વગર જિંદગી જીવવાનું, બધા વ્યસનોથી ભરપૂર માળેલી જિંદગી એ બધું સાસરીમાં કોઈથી સહન થતું ન હતું. શરુઆતમાં તો સમજાવટથી માનતા હતા કે વિરાજ સુધરી જશે. વિરાજ દિવસે દિવસે સ્વચ્છંદી બનતી જતી હતી. કહેતી, "બધા કામ માટે માંણસો રાખો છો તો રસોઈ માટે કેમ નહિ.? હું રસોઈ કરવા રસોડામાં જઈશ એ વાત ભુલી જજો. " ઘરના એને સમજાવતાં, "ઘરની વ્યક્તિ રસોઈ કરે અને બહારની વ્યક્તિ કરે એમાં  ફેર પડે. રસોઈ વાળી બાઈ પૈસા માટે  રસોઈ કરતી હોય અને આપણે જ્યારે રસોઈ કરીએ ત્યારે ભગવાન નું નામ દેતાં દેતાં કરીએ. તેથીજ રસોઈના સ્વાદમાં ફેર પડે છે"


"બકવાસ, હું આવી કોઈ વાતમાં માનતી નથી. તમારી કંજુસાઈથી ભરપૂર વાતોમાં મને રસ નથી તમારી માન્યતા તમારી પાસે જ રાખો. મારે નથી સાંભળવું. "


એવામાં જ અંકિતનો જન્મ થયો. પણ મા તરીકે  એ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર ન હતી. ઘરમાં ધીરે ધીરે ઝગડા થવા માંડેલા.વિરાજના પતિએ કહ્યું, "પપ્પા મમ્મી, ગમે તે થાય પણ મને વિરાજથી છોડાવો. એ માંગે તે રકમ આપી મને મુકત કરો. આની સાથે હું આખી જિંદગી નહિ વિતાવી શકું. " વિરાજને સમજાવવા બધા એ ખૂબ પ્રયત્ન કર્યો. આખરે એને કહ્યું, "દિકરો મારી પાસે જ રહેશે. બાકી મારા પપ્પા મારા માટે ઘણા પૈસા મુકી ગયા છે. " વિરાજે વિચારેલું કે મારો ભાઈ મારી મમ્મીને સારી રીતે રાખે છે એમ અંકિત પણ મને સારી રીતે રાખશે. મારા મમ્મી મારા દીકરાને મોટો કરશે. હું જિંદગીની ભરપૂર મજા માણીશ. 


શ્રીલેખા આખરે તો મા હતી. એ દિકરીનો સુખી સંસાર જોવા ઈચ્છતી હતી. તેથીજ એને કહ્યું, "વિરાજ, હજી કંઈ તારી ઉંમર બહુ નથી મારે તારો સુખી સંસાર જોઈ ને આ દુનિયામાંથી વિદાય લેવી છે. તું તો રાતદિવસ કલબોમાં જાય છે એમાંથી જો તને કોઇ યોગ્ય પાત્ર મળે તો તું લગ્ન કરી કાઢ."


વિરાજે ખરેખર ટૂંક સમયમાં જ બધાની સંમત્તિથી એક છુટાછેડા લીધેલા યુવાન સાથે પરણી ગઈ. અંકિતને પણ સાથે લઈ ગઈ. શ્રીલેખા એ સંતોષનો શ્ર્વાસ લીધો. પરંતુ આ સુખ લાંબુ ના ટક્યું. થોડા થોડા વખતે વિરાજ પાસે પૈસા ની માંગણીઓ ચાલુ થઇ ગઈ. જયારે એ પૈસા ના આપે તો એની સાથે મારઝૂડ થવા લાગી.તેથી વિરાજ પિયરમાં પાછી આવી. ત્યાં પણ એનો પતિ દિનેશ આવતો. વિરાજને મારઝૂડ કરી પૈસા લઈને જતો રહેતો. જો કોઈ વિરોધ કરે તો એની ફેકટરી સળગાવી દેવાની ધમકી આપતો. શ્રીકાંત ઘરે ના મળે તો ફેકટરી પર જઈને ધમાલ કરતો. તેથી તો એક દિવસ દિકરાએ કહી દીધું, "મમ્મી, તમે એને એના સાસરે મોકલી દો અને અમને શાંતિથી જીવવા દો. "


શ્રીલેખા બોલી ઉઠી, "બેટા, હું મારી દિકરીને મારઝૂડ કરે એ કેવી રીતે જોઈ શકું ? એ આપણ ને શું ભારે પડે છે ? " મમ્મી અમે રાતદિવસ મહેનત કરીએ છીએ એ પૈસા દિનેશ જેવા દારૂડિયા અને જુગારી ને આપવા માટે નહિ. હવે આ ઘરમાં વિરાજ રહેશે કે હું રહીશ". શ્રીલેખાની  આંખોમાં આંસુ આવી ગયા બોલી, "બેટા હું મા છું, દિકરીને મેં ફુલની જેમ ઉછેરી છે. હું એની ઈચ્છા વિરુદ્ધ એના સાસરે નહિ મોકલું"


"મમ્મી,આ તમારો આખરી નિર્ણય હોય તો આપણો એક ફલેટ ખાલી છે ત્યાં વિરાજને રહેવા મોકલી દે. " ના, દિકરા સમાજમાં એકલી રહેતી સ્ત્રીને જીવવું અઘરું છે. એને એકલીને ત્યાં રહેવા જવાનું ના કહેવાય. એવું હશે તો હું પણ એની સાથે રહેવા જતી રહીશ. "

"મમ્મી, તું આ ઘર છોડીને વિરાજ જોડે રહેવા જઈશ તો એ આપણા સંબંધનો આખરી દિવસ હશે. હવે તારે નિર્ણય કરવાનો છે. " બેટા, તારા સંસારમાં તું સુખી છું. પણ દિકરી પ્રત્યે પણ કંઈ જવાબદારી હોય કે નહિ ? "

"મમ્મી વિરાજને રહેતા ના આવડ્યું બાકી બબ્બે વાર ના લગ્ન પછી પણ એ કેમ ઠરીઠામ ના થાય ? "


"બેટા, કદાચ એના નસીબ માં એવું જ લખાયું હશે. "


"ના, મમ્મી એ માટે વિરાજ નો જક્કી સ્વભાવ જવાબદાર છે, નસીબ નહિ. પૈસાનું ઘમંડ, તોછડાઈ, સ્વચ્છંદીપણું પણ એટલું જ જવાબદાર છે. મનુષ્ય એવું પ્રાણી છે કે પ્રેમથી એ જંગલી પશુઓને પણ વશમાં કરી શકે. પણ આ બધા માટે એનો સ્વભાવ જવાબદાર છે. હવે હું વિરાજ સાથે નહિ રહી શકુ. આ મારો આખરી નિર્ણય છે".


"હું પણ એની સાથે જ જઈશ. "


"ઠીક છે મમ્મી તમારે એના પક્ષે જ રહેવું હોય અને એને સુધરવાની તક આપવી ના હોય તો આપણા સંબંધનો અહીં અંત આવી જાય છે. "


શ્રીલેખા ને હતું કે શ્રીકાંત તો હજી બાળક છે. ગુસ્સામાં ગમેતેમ બોલે પણ મા ને છોડે તો નહિ જ. 


પરંતુ શ્રીલેખા ની ધારણા ખોટી પડી. એ મનમાં ને મનમાં દુઃખી રહેવા લાગી. એક વર્ષમાં તો જાણે કે એની ઉંમર દસ વર્ષ જેટલી વધી ગઈ.શરીર પણ અનેક રોગોનું ઘર બની ગયું હતું. શરુઆતમાં તો શ્રીલેખાનો અવાજ સાંભળી શ્રીકાંત ફોન કટ કરતો. ત્યારબાદ તો મમ્મીનો ફોન બ્લોક કરી દીધો. 

શ્રીલેખાનો દિવસ રડવામાં જ પસાર થતો. જયારે ડોક્ટર ને બતાવ્યું ત્યારે ખબર પડી કે એને મગજમાં ગાંઠ છે અને તે એવી જગ્યાએ છે કે ઓપરેશન થઈ શકે એમ નથી. પણ જેટલો સમય બાકી છે એ આનંદમાં પસાર કરો. દિકરાને સગાંઓ મારફતે સમાચાર મોકલ્યા હતા. પણ એને સ્પષ્ટ કહી દીધેલું કે હવે વિરાજ ચાકરી કરશે.

Post a comment

0 Comments