About us

સ્વજન!!!



'નૈસર્ગી ,' 'સૂપ '.ચિત્રેશ ટિપોઈ પર સૂપનાે ગ્લાસ મુકતા બોલ્યો. "નૈસર્ગી, "તકિયાના ટેકે ધીમે રહીને બેઠી થઇ . ચિત્રેશે  નૈસર્ગીની  આંખોમાં આંસુ જોયાં. ઉભો થઈને એ આંસુ લૂછતાં  બોલ્યો , "નૈસર્ગી, બધા દિવસો થોડા સરખા જાય છે ? તને જરૂર સારું થઈ જશે. પહેલાં કરતાં તો સારું જ છે . હવે આંસુ લૂછી નાખ. નાનાે  ક્ષિતિજ જોઈ જશે તો રડવા માંડશે. " નૈસર્ગીએ આંસુ લુછયાં અને બોલી, "ચિત્રેશ,મને મારી તબિયતની ચિંતા નથી પણ મારા કારણે તમને બંને જણાંને જે તકલીફ પડે છે એ મારાથી જોવાતું નથી ." "  નૈસર્ગી, સાચી વાત તો એ છે કે તું અમારા બંનેની ચિંતા કરવામાં પૂરતો આરામ કરતી નથી. ગઈકાલે ક્ષિતિજે હઠ કરી  કે મમ્મી નવરાવે તો તું તરત પલંગમાંથી ઊઠીને નવરાવવા તૈયાર થઈ અને તને ચક્કર આવ્યાં, તું  પડી ગઈ . નૈસર્ગી, ક્ષિતિજ તો બાળક છે એટલે હઠ કરે. હું  એને સમજાવત  કે મમ્મી બીમાર છે એટલે તને હું નવરાવીશ. મારા સમજાવાથી એ માની જાત. પણ તું ઊઠી અને પડી ગઈ . ક્ષિતિજ  એ જોઈને કેટલું બધું રડ્યો હતો ! હવે એ વધારે સમજદાર બની ગયો છે. નૈસર્ગી, આવી ક્ષુલ્લક બાબતાે મનમાં લાવી તું  દુઃખી ન થા . પતિ-પત્ની એકબીજાના પૂરક છે. ઘરનું કામ તારી બીમારીમાં હું કરું એમાં ખોટું શું છે ! " 


તેમ છતાં નૈસર્ગીને મનમાં તો દુઃખ થતું હતું કે એની બીમારીને કારણે પતિ અહર્નિશ એની ચાકરી કરે છે. ક્ષિતિજને તૈયાર કરે છે અને જમાડીને નિશાળે મૂકી આવે છે. ઘરકામ પણ છેલ્લા બે મહિનાથી ચિત્રેશ જ કરે છે. ઘરની બાજુમાં જ તેની ઓફિસ હતી. એટલે બે-ચાર વખત ઘેર આવી એ નૈસર્ગીની ખબર લઈ જતો . ક્ષિતિજ તાે મમ્મીને છોડતો જ ન હતો અને મમ્મીની  પાસે જ બેસી રહેતો હતો. પતિ અને પુત્ર બંને તેની બીમારીને કારણે ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે એવું માની નૈસર્ગી મનમાં દુઃખી થતી. ચિત્રેશ જ્યારે  ઓફિસથી ઘેર આંટો મારવા આવતો ત્યારે ક્યારેક નૈસર્ગીનું મન ભરાઈ આવતું અને કહેતી ," ચિત્રેશ, હું તમને ખૂબ દુઃખી કરું છું. મારે કારણે તમે ઓફિસમાં પણ કદાચ મન દઈને કામ કરી શકતા નથી. "  આ તકલીફમાંથી રસ્તો કાઢવાના ઈરાદે એક દિવસ ચિત્રેશે કહ્યું, " નૈસર્ગી, તું થોડા દિવસ તારે પિયર મુંબઇ રહી આવ. આમ પણ લગ્ન પછી તું તારા પિયર રહેવા ગઈ જ નથી. અહીં તાે રાંધનારી અને કામ કરનારી બાઈ છે. ક્ષિતિજ પણ મારી પાસે રહે છે. તને આરામ મળશે તો તારી તબિયત જલ્દી સુધી જશે , અને ચિત્રેશ ક્ષિતિજ સામે જાેઈ  બોલ્યો, " ક્ષિતિજ, મમ્મી દાદાને ત્યાં જાય ને ? આપણે બે અહીં  રહીશું. હું તને બાગમાં લઈ જઈશ, કેટબરી અપાવીશ. બેટા, થોડા દિવસ મમ્મીને દાદાને ત્યાં જવા દે . મમ્મી જલ્દી જલ્દી સાજી થઈ જશે અને પાછી આવશે, પછી મમ્મી પણ આપણી જોડે રોજ ફરવા આવશે . " ક્ષિતિજને  બહાર ફરવામાં કે કેટબરી ખાવામાં એટલાે  રસ ન હતો જેટલાે  મમ્મી જલ્દી સાજી થાય એમાં હતો . એટલે પપ્પાના ખોળામાં બેસતાં  ક્ષિતિજે માૈન સંમતી  આપી દીધી. 

 

નૈસર્ગીને લગ્ન બાદ પિયર ની યાદ તાે ઘણી વાર આવતી પણ ચિત્રેશની લાગણીમાં તન્મય બનેલી નૈસર્ગી ચિત્રેશથી દૂર રહેવાની કલ્પના પણ કરી શકતી ન હતી. પણ બીમારીના કારણે હવે નૈસર્ગીને  પણ પિયર જવાની ઈચ્છા થઈ આવી , પરંતુ આવી સ્થિતિમાં અમદાવાદથી મુંબઈ ભીડમાં કઈ રીતે જવું ? આ વિચાર આવતાં જ એ બોલી ઊઠી, " અરે, ગાડીની આટલી બધી  ભીડમાં, આવી તબિયતે કઈ રીતે જાઊં ? હવે ક્ષિતિજની  પરીક્ષા પણ નજીક આવી રહી છે.." નૈસર્ગી, તું  બધી ચિંતા છોડી દે. આવતી કાલે સવારે ૭-૧૦ મિનિટની ફલાઈટ છે. તારે એમાં જવાનું છે. હું સ્કૂટર ઉપર તને એરાેડ્રામ મૂકી જઇશ . સવારે આઠે તો તું મુંબઈ પહોંચી જઈશ . ત્યાંથી ટેક્ષીમાં તું ઘેર જજે. નવ વાગતાં  સુધીમાં તો તું તારા મમ્મી -પપ્પા પાસે હાેઈશ. હું ફોન કરીને ટિકિટની વ્યવસ્થા કરી લઉં છું. "


નૈસર્ગીને પિયર જવાની વાતથી આનંદ તો થયો જ .  લગ્નના વર્ષ પછી ક્ષિતિજનો જન્મ થયેલો. ત્યારે એનાં સાસુ એની પાસે રહેલાં. ત્રણ મહિના બાદ એ ક્ષિતિજને  લઈને મુંબઈ ગઈ પરંતુ બીજા જ દિવસે એના સાસુને એટેક આવવાથી એ પાછી ફરી ગયેલી. અને અઠવાડિયા બાદ એનાં સાસુ  આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. એ પછી ઘરની બધી જવાબદારી નૈસર્ગીના માથે જ હતી.  પછી એ ઘરસંસારમાં એવી તો ખૂંપી ગઈ કે પિયર જવાની ઈચ્છા પણ ભાગ્યે જ થતી . તેથી આજે પતિના મુખેથી પિયર જવાનાે  પ્રસ્તાવ સાંભળી એ  આનંદિત થઇ ઉઠી . એને થયું મમ્મી, પપ્પા ભાઈ ભાભી , બધાં એને અચાનક આવેલી જાેઈ  કેટલાં ખુશ થઇ જશે઼ ! એટલે અેણે મુંબઈ ફોનથી સમાચાર આપવાની' ના'  પાડેલી. સવારે એરપોર્ટ પર  ચિત્રેશે નૈસર્ગી ને કહ્યું, " જો નૈસર્ગી, બિલકુલ આરામ કરજે . પૈસાની ચિંતા ના કરીશ નહીં. ક્ષિતિજની ચિંતા ન કરીશ. " ચિત્રેશનો આ ભાવ જોઇને નૈસર્ગીને એમ થયું કે ચિત્રેશ કેટલો પ્રેમાળ પતિ છે. એની આંખોમાં આંસુ આવી ગયાં. ચિત્રેશે  હસીને કહ્યું, " નૈસર્ગી , પિયર જાય છે  એટલે આનંદથી રહેજે,  રડવાનું નહીં.

હાેં! "આખરે નૈસર્ગી પ્લેનમાં બેઠી. પ્લેનમાં આ એની પ્રથમ મુસાફરી હતી. એને થયું કે તે મમ્મી- પપ્પાને કહેશે " હું તો પ્લેન માં આવી ! " અને ભાભી સાથે તાે એ રહી પણ નથી. એનાં અને ભાઈનાં લગ્ન એક જ દિવસે થયેલાં એટલે ભાભી સાથે રહેવા જ નહીં મળેલું. આ વાતને આઠ વર્ષ વીતી ગયાં. ભાભીને બે બેબીઓ અને એક બાબો હતો. નાના બાબા મહર્ષિને તાે  હજી નૈસર્ગીએ  જોયાે પણ ન હતો. ભાઈભાભી કામ પ્રસંગે થોડા વર્ષો પહેલા અમદાવાદ આવેલા ત્યારે તેમની બન્ને બેબીઓ દીપર્શી અને મીનર્શી ને સાથે લાવેલાં તે વખતે તેણે આ ભત્રીજીઓ ને જોયેલી. ભાભી નોકરી કરતાં હતાં. ત્રણ બાળકોની જવાબદારી નૈસર્ગીની મમ્મી એ જ સંભાળી લીધી હતી. નૈસર્ગીને યાદ આવ્યું કે આજે શુક્રવાર છે એટલે એ મુંબઈ પહોંચશે ત્યારે ભાઈ ભાભી નોકરી પર ગયાં હશે. પપ્પા નું તો કંઈ કહેવાય નહીં. ઘેર હોય અને ન પણ હોય ! એમની નાેકરી પણ કેવી છે ! માેટેભાગે બહારગામ ફરવાની જ. પરંતુ એને  મનમાં થયું કે પપ્પા ઘેર હોય તો સારું. 


એટલામાં મુંબઈ આવી ગયાની જાહેરાત થઈ. એરાેડ્રામ પરથી નૈસર્ગી ટેક્ષી  કરીને ઘેર પહોંચી ત્યારે લગભગ સાડા નવ  થવા આવ્યા હતા. લિફટ બંધ હતી અને ફ્લેટ બીજા માળે હતો. નૈસર્ગી ને લાગ્યું કે તે બે દાદર ચઢી જ નહીં શકે. પણ હવે તાે દાદર ચઢયા વગર છુટકારો જ ન હતાે. પહેલાે દાદર ચઢતાં જ એને શ્વાસ ચઢી ગયાે. આંખે અંધારા આવવા લાગ્યાં.  હજી તાે એક દાદર ચઢવાનો બાકી હતો. બેગ બાજુ પર મુકી એ થાેડી વાર થાક ખાવા બેઠી. ફરી દાદર ચઢવાનું  શરૂ કર્યું. નૈસર્ગી  વિચારતી હતી કે એક વખત એવાે હતાે કે લિફ્ટ ચાલું હાેવા  છતાં એ દાદર ચઢીને જ ઊપર જતી.  એક સાથે બબ્બે પગથિયાં ચઢવાની એને મઝા આવતી અને આજે બે મહિનાની લાંબી બીમારીથી ભાંગી પડી હતી. બીજો દાદર ચઢી રહી હતી ત્યારે એને ચક્કર પણ આવા લાગ્યા.માંડ માંડ ફલેટ પાસે પહોંચી અને કોલબેલ દબાવી. 


બારણું  નૈસર્ગીના મમ્મીએ ખાેલ્યુ. નૈસર્ગી ને જાેતાં જ એક પળ એ આશ્ચર્ય અનુભવી રહ્યાં, પણ નૈસર્ગીને એટલો થાક લાગ્યો હતો કે મમ્મી જોડે ખૂબ વાતો કરવાની કલ્પના કરી હતી તે બધી વિસરાઇ ગઈ.  મમ્મી આશ્ચર્ય સહ બોલી, " નૈસર્ગી, તું ! એકલી આવી ? ક્ષિતિજ નથી આવ્યો ? " નૈસર્ગી કંઈ જવાબ આપે તે પહેલાં જ અંદરથી રડવાનો અવાજ આવ્યો અને નૈસર્ગીના મમ્મી બોલ્યાં, " બાબાે  ઉઠી ગયો. " એમ કહી એ અંદર ગયાં. નૈસર્ગી પણ અંદર ગઈ અને ખુરશી પર બેસી પડી. શ્વાસ ચડવાથી હજી અેનામાં બોલવાના હાેશ  ન હતા. નૈસર્ગીનાં  મમ્મી  ડ્રોઇંગરૂમમાં પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં પાૈત્ર મહર્ષિ હતાે. નૈસર્ગી  ખુરશી પર માથું નાખી આંખો મીંચીને બેસી રહી હતી. મમ્મીએ ઘડિયાળમાં જોયું . કહ્યું, " ઓહ ! સાડા નવ ને પાંચ ! હજી રોટલી બાકી છે , દીપર્શીની સ્કુલ બસ તાે દસ વાગે આવી જશે. " કહેતાં  એ રસોડામાં  દાેડી  ગયાં. દીપર્શીને   બુમ પાડી છે કહ્યું, " દીપર્શી, જાે તાે કાેણ આવ્યું છે ! ફાેઈને  પાણી આપ !" અને નૈસર્ગીની સામે જાેઈ કહ્યું," એવું કર, તું રસાેડામાં ખુરશી નાખીને બેસ. જેથી વાતો થાય અને હું ત્યાં સુધી રોટલી કરી લઊં. હજી દીપર્શીને જમાડવાની છે. અને એને તૈયાર કરી સ્કુલ-બસ  સુધી મૂકવા જવાનું છે. આજે સવારથી જ મહર્ષિ બહુ પજવે છે." નૈસર્ગીને થયું કે તે થોડીવાર સૂઈ જાય. તેથી  બોલી, " મમ્મી, હું થાકી ગઈ છું. થોડી વાર સુઈ જઉં છું ." આમ કહી  કપડાં પણ બદલ્યા વગર એ બેડરુમમાં જઈને સૂઈ ગઈ. પપ્પાનો અવાજ સાંભળીને નૈસર્ગી જાગી ગઈ. પપ્પા પૂછી રહયાં હતાં, " નૈસર્ગીની તબિયત નથી સારી ? કેમ સૂઈ ગઈ છે ? " ત્યાં સુધી તેનાં મમ્મી પણ આવી ગયા હતાં.  બોલ્યાં, " નૈસર્ગી,  હું એટલી દોડાદાેડમાં હતી કે તારી સાથે વાત પણ ન કરી શકી. કેટલી બધી સુકાઈ ગઈ છે તું !"   નૈસર્ગીની  આંખમાં અકારણ આંસુ આવી ગયા. બોલી, " બે મહિનાથી બીમાર છું. હવે સારું છે. પણ અશકિત  ખૂબ લાગે છે. અહીં આરામ કરવા જ આવી  છું ." મમ્મી-પપ્પા ખુશ થતાં બોલ્યા, "સારુ, આવી છું તો શાંતિથી રહેજે. આમ પણ લગ્ન પછી તું રહેવા આવી જ નથી. ક્ષિતિજની પરીક્ષા પૂરી થાય એટલે એને પણ અહીં બોલાવી લઈશું." ત્યાં નૈસર્ગીનાં   મમ્મી ઉઠ્યાં , કહ્યું," હજી તો તારી ભાભીનું  ટિફિન લેવા માણસ આવ્યો નથી. મારે ટિફિન તૈયાર કરવાનું બાકી છે. તું રસોડામાં જમવા આવે છે કે તારી થાળી અહીં લાવું ? જો ને  આજે ઘાટી પણ આવ્યો નથી. " પપ્પા પણ તૈયાર થતાં બોલ્યા ," નૈસર્ગી, હું જાઊં છું, હવે રાત્રે આવતા મોડું થશે . તું  આરામ કરજે. " નૈસર્ગી  જમીને તરત સૂઈ ગઈ. ઊઠી ત્યારે મમ્મી કામમાં જ હતી. મહર્ષિનું દૂધ તૈયાર કરતી હતી. મીનર્શી માેરનું ચિત્ર દાેરી  આપવા જક  કરતી હતી. મમ્મી હજી નૈસર્ગીની પાસે આવીને બેઠી ન હતી તેથી નૈસર્ગિનું મન ઉદાસ થઈ ગયું હતું. થોડીવાર બાદ નૈસર્ગીની આંખ ખુલી ત્યારે એની બાજુના ટેબલ પર મમ્મી માેસંબીનાે રસ મૂકી રહી હતી. નૈસર્ગીને ઊઠેલી જાેઈ બાેલ્યાં ," લે, તારા માટે જ તૈયાર કર્યો છે , પણ તને ઊંઘતી જાેઈ ને અહીં મૂકીને જવાની જ હતી, ત્યાં જ તૂં ઊઠી. હવે રસ પી લે.

િતાજી એમના કામમાં ગળાડૂબ....આમાં કોઈને નૈસર્ગી  માટે લાગણી બતાવવા નો સમય જ ક્યાં છે ? બીજી બાજુ થાેડી થાેડી વારે ઓફિસ છોડી ઘેર આંટાે મારવા આવતો ચિત્રેશ ! કેટલાે નિર્મળ પ્રેમ ! નૈસર્ગી થોડી ઉદાસ બની ગઈ . ત્યાં જ ફોનની ઘંટડી વાગી. ભાભીએ  ફરીવાર બબડાટ ચાલુ કર્યો, " કેટલી વાર કહ્યું કે સારો પ્રોગ્રામ હોય ત્યારે રિસિવર બાજુએ મૂકી રાખો. પણ કોઈ સાંભળતું જ નથી ને ? "અને ફોન ઉપાડ્યો. ફોન અમદાવાદથી ચિત્રેશનાે જ  હતો . નૈસર્ગીને  થતું કે  એના ભાભી એના પતિ સાથે હસીને વાતો કરે, પણ એમણે તો શુષ્કભાવે રિસીવર નૈસર્ગી તરફ લંબાવતા કહ્યું, " અમદાવાદથી કોલ છે ." નૈસર્ગી નું મન ભરાઈ આવ્યું . ચિત્રેશે ફોન ઉપર પૂછ્યું ," નૈસર્ગી, તું શું કરે છે ? ક્ષિતિજને  તારી જોડે વાત કરવી હતી એટલે ફોન કર્યો. " ત્યાં જ ક્ષિતિજનાે અવાજ આવ્યો, ' મમ્મી, તું  જલ્દીથી સાજી થઈને આવી જા. હું પપ્પા પાસે રહીશ. હું તાેફાન  નહીં કરું. મમ્મી તું મને બહુ યાદ આવે છે. " ત્યાં જ ચિત્રેશે ક્ષિતિજના હાથમાંથી રિસીવર ખેંચી લેતાં  કહ્યું, " નૈસર્ગી,તું આરામ કરજે . ક્ષિતિજની ચિંતા ના કરીશ,." ઘણા દિવસે લાગણીસભર અવાજ સાંભળતા નૈસર્ગીનું મન ભરાઇ આવ્યું અને બોલી, " મને પણ તમે બંને ખૂબ યાદ આવો છો. હું આવતી કાલે સવારની ફ્લાઈટમાં જ અમદાવાદ આવું છું. "

Post a comment

0 Comments