About us

વાંસળી



એક બાજુ વાંકો વળી ગયેલો અને બીજી બાજુ લંગડાતો પીરમહમ્મદ મારી બાજુના બાંકડા ઉપર આવી બેટો. નજર સામે ફુવારો ઊડતો હતો. એની આસપાસ વ્યવસ્થિત વિવિધરંગી ફૂલના છોડ ખીલ્યા હતા. અમે બેઠા હતા એ ચોકની આજુબાજુ ઈસ્પિતાલના વિશાળ, સુધડ મકાનો ઘેરી વળ્યાં હતાં.


શાંતિ હતી, સંધ્યા આવી લાગી હતી. પવનની લહરીઓ દોડતી હતી. ખુશબો અને રંગ પણ ત્યાં હતાં પણ પીરમહમ્મદના ફિક્કા દુબળા ચહેરા પર વૃદ્ધાવસ્થાના બોજ સિવાયનો બીજો કોઈ ભાવ ક્યારે નહિં તેમ અત્યારે પણ મેં ન જોયો.


મને પણ થાક ચડ્યો હતો.


પીરમહમ્મદે નિઃશ્વાસ છોડતાં ખિસ્સામાંથી વાંસળી કાઢી અને ધારીને એને જોવા લાગ્યો. મારી નજર એ વાંસળી પર ગઈ અને મારા મનને ફરી ગુમાઈ જવાની મરજી થઈ. ‘આ વાંસળી મને આપી હોત!’ મારાથી અજાણતાં કહી દેવાયું.


પીરમહમ્મદે મારા તરફ નજર કરી. પવનની લહરમાં આંખોમાં મને લાગણી ના હોવાનો ભ્રમ થયો. એની ઝીણી તેજ વગરની લાગતી આંખોમાં મને લાગણીના સાગર ઊભરાતા હોવાનો ભાસ થયો. હું સ્વયં લાગણીપ્રધાન હતો. સૌ કોઇ જેને હું ઓળખતો તેનામાંથી કોઇને કોઇ લાગણી મારી તરફ ઊઠતી મને દેખાતી. કોઇ વાર મને વિચિત્ર ખ્યાલો આવતાં – દિવાસ્વપ્નો રચવા હું મંડી પડતો. મારી એ ખાસિયત હતી.


‘તમને ખબર નથી, સાહેબ.’

પીરમહમ્મદે કહ્યુ, ‘જેને માટે આ વાંસળી હું બનાવું છું એ આજે મારી ઉંમરનો છે – એંસી વરસ ઉપરનો હશે. અમે નાનપણથી દોસ્તો છીએ. આ વાંસળીના બદલામાં એ પોતાની પાસેની સારામાં સારી બકરી મને આપશે.’


‘પણ’ – મેં કહ્યુ, ‘તું માગે તે પૈસા આપવાની મેં ના ક્યારે કહી છે?’


‘પૈસા?’ કહેતાં એ હસ્યો. ઓ બાપ રે, એ કદરૂપું હાસ્ય – જાણે પૃથ્વીના સાંધા ઢીલા થતા હોય ને! પૈસા જોયા વગરની આટલી જિંદગી વીતી ગઈ. પૈસા વગરની ઈન્સાનિયતને ઓથે આ કાયાનું માળખું આટલું લાંબુ ટકી ગયું.


‘સાહેબ-‘ એણે ફરી મારી સામે જોયું. ‘એકવાર મારા દોસ્તને જુઓ એની બકરીને જુઓ – એ છાતી ફુલાવીને વાંસળીમાંથી સૂર કાઢે છે. તે સાંભળો પછી પૈસાની વાત કરજો!’


‘એમ?’


મારું અભિમાન ધવાયું હતું, કારણકે આ નાનકડા શહેરમાં હું હવે તો માન્ય રાખેલો, સારામાંળ્ળ્ળ્ સારો વાંસળીનો વગાડનાર હતો. તંબૂરના બંઘેજ વગર, સારામાં સારા તબલચી વગર અને શાસ્ત્રીય રાગો વગર હું કશું જ વગાડતો નહિ. જ્યાં જ્યાં ઉત્સવો હોય, વાર્ષિક દિવસો હોય, મેળાવડાઓ હોય ત્યાં હું હોંઉ તો માનવમેદની ઊભરાતી, મારી બંસીના સૂર પર કોલેજની યુવતીઓ મુગ્ઘ હતી.


મને મારી શક્તિના, આવડતના ભાનમાંથી ઉત્પન્ન થતા અભિમાનનો કેફ ચડ્યો હતો.


‘એમ!’ મેં પૂછ્યું, ‘મારા કરતાં સારું વગાડે છે એ?’


‘સારા-નરસાનો સવાલ નથી, સાહેબ!’


‘ત્યારે?’


‘કોઇ એક સૂર…’ કહેતાં પીરમહમંદ ગંભીર બની ગયો. એની આંખો શ્રમ કર્યા પછી આરામ કરતી હોય એમ ઢીલી પડી ગઈ. મેં એન આંખોમાં જોયું, અને જોયું તો એની વિશાળ બનેલી કીકીમાં દોડી જતી સંધ્યા પાછળા આવતાં અંધારાઅઓનું દળ ઊમટી રહેતુ મને દેખાયુ – મને વિશાળ ખેતરોમાં, મેદાનોમાં, ખીણોમાં નેમ વગર ટહેલતાં વિવિઘ જાતનાં પશુઓ દેખાયા- ઊપરથી આભ નીચે ઊતરી આવતું દેખાયું! કેટલાં બઘાં પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પરથી ચૂપચાપ સૃષ્ટિનો ક્રમ જોઇ રહ્યાં હતાં! એક ઘડીમાં હું મારા દિવાસ્વપ્નમાથી બહાર આવ્યો.


‘કોઇ એક સૂર કોઇક વાર એવો છેડાય છે- જાણે કોઇ એક આપ્તજન સામેથી આવતો હોય!’


‘હું સમજ્યો નહિ!’‘સાંભળ્યા વગર કેમ સમજાય? – ઘણી બધી વાર તો સાંભળ્યુયે સમજાતું નથી!’


એ સાંજ મરી ગઈ. અને એક નવી રાત જન્મી – જાણે નવો જન્મ, નવા અનુભવો, નવી જિંદગી! માણસના અનુભવ અને લાગણીને સીમાડા નથી!


વાંસળી વગાડવાની આવડત મારી ન હોત તો મારામાં બીજું કશું જ નહોતું. હું તો આ ઈસ્પિતાલની ઓફિસમાં કામ કરતો એક કારકુન હતો અને જેમ તેમ કરીને પેટ ભરતો હતો. પણ મારી વાંસળી મારું સર્વસ્વ હતી. એ વાંસળી વગાડી હું મારા જીવનનાં દર્દો ભૂલતો એવું કશું નહોતું. વાંસળીના સંગીત વગર મને બીજે અનુભવવાની તક મળે ન મળે એવો જીવનનો ઉન્માદ મને વાંસળીથી મળ્યો હતો.


કોઇ અંઘારી રાતે, કોઇ અજવાળી રાતે, કોઇ મેઘલી રાતે મારી વાંસળીના સૂરો હું બ્રહ્માંડના તારાઓ તરફ મોકલતો. આકાશગંગાના વદનમાં અનેક રુપવતી યૌવનાઓ મને નૃત્ય કરતી દેખાતી, મારા સૂરોના બેકાબૂ ઘોડાઓ પર સવારી કરતી અપ્સરાઓ મને હસતી દેખાતી. સરોવરો, વહેતી નદીઓ, નીલકમળ, રંગ અને સુગંઘ અને એવું તો કેટલું બઘું વાંસળીના છેદો પર ધ્રુજતી મારી આંગળીઓ વચ્ચેથી પસાર થઈ જતું! એ હું હતો – એ મારી વાંસળી હતી, જુવાની – હતી -ઉન્માદ હતો!


પીરમહમ્મદ શહેરના રસ્તા પર મરવા પડ્યો હતો.લોકો એને ઉંચકીને ઇસ્પિતાલ મૂકી ગયા.ડોક્ટરોએ એની છાતીમાંથી પરુ કાઢ્યું અને ધીમે ધીમે એ સારો થવા લાગ્યો.એ છેક સારો થવા આવ્યો અને ઈસ્પિતાલના ચોકમાં એને ફરવાની રજા મળી ત્યારે મેં એને પહેલી જ વાર એક વાંસના કકડાને તપાસતો જોયો.મેં એની ઓળખાણ કરી.

પીરમહમ્મદને આ દુનિયામાં હવે કોઇ સગુંવહાલું નહોતું – ભાઈ, બહેન, મા-બાપ કોઇ ન હતાં. એ પરણ્યો ન હતો.ફકીર જેવો એ પૃથ્વીનાં વિશાળ પટ પર ફર્યા કરતો હતો. એને વાંસળી વગાડતાં નહિ આવડતી હોય તો પણ એને વાંસળી બનાવતાં બહુ સરસ આવડતી. જરુર પડે ભીખ માગતો અને મુખ્ય્ત્વે વાંસળી વેચી એ ગુજરાન ચલાવતો.


એની પાસેનાં વાંસના ટુકડાને મેં પારખી લીધો. એવી વાંસળી બીજે ક્યાંય ભાગ્યે જ મળે – જીવનભર કદાચ આવા મેળવાળું સાજ મળવું મુશ્કેલ હતું.


‘પણ એ વાંસળી તો નહિ આપું!’ કહી પીરમહમ્મદે ઘસીને ના પાડી.


મેં એક દહાડો મારી વાંસળી વગાડી સંભળાવી – યમન, ભૂપ ને શુદ્ધ કલ્યાણ! એણે નિંરાતે સાંભળ્યું. અને ભરાયેલા શ્ર્વાસે મેં મારી વાંસળી મારા ઝભ્ભાના ખિસ્સામાં મૂકી ત્યારે એણે કહ્યુંઃ ‘બહુ સરસ વગાડો છો!,


એણે એટલું જ કહ્યું! અને એટલામાં જ કાં તો બધુંયે હતું, કાં તો કશુંયે નહોતું!


અને હવે આજે એણે પોતાના વૃધ્ધ દોસ્તની, પેલાં ‘સામેથી ચાલ્યા આવતા આપ્તજન’ ની વાત કહી ત્યારે મને માઠું લાગ્યું. હું ગુસ્સે થયો. તાલ-સુર-બંધેજ-માત્રાનો હું ઉત્સાદ… અને ફકીર…


પીરમહમ્મદને ઈસ્પિતાલમાંથી રજા મળી. છેક સાંજ સુધી એ રસ્તાની ફૂટપાથ પર ટહેલતો રહ્યો. અને મારા છૂટા થવાના વખતે ઈસ્પિતાલના દરવાજા આગળ એ મને ભેટ્યો.


‘સારી બપોર તમારી રાહ જોઇ છે!’


એનાં એ શબ્દો અમસ્તા નહોતા બોલાયા. એની આંખોમાં ખરેખર રાહ જોયાનો થાક હતો.


‘આ… આ વાંસળી તમને ન આપી એથી બહુ ગુસ્સે ન થતા. જીવતો હઈશ અને કોઈકવાર આવી જ વાંસળી બનાવીશ તો તમને આપવા અહીં ચાક્યો આવીશ!’ પીરમહમ્મ્દના અવાજમાં કંપ હતો!


અમારી ઉપરના શિશિર વૃક્ષનાં પર્ણે પર્ણે કંપી રહ્યા હતાં શું? આંધી આવી ગઈ – હવે પેલું દયામય હેતાળ નજરથી પૃથ્વીને નીરખી રહ્યું હતું!


બધા જ કોમળ સૂરો એકી સાથે વાગી રહ્યા હતા કે શું? મારી લાગણીઓ છંછેડાઈ ગઈ!


‘હવે ક્યાં જશો?’ મેં પૂછ્યું.


‘એકવાર તો મારા દોસ્ત – ગોધુ પાસે.’


‘વાંસળી આપવા?’


‘વાંસળી આપવા. પણ થોડો વખત એની સાથે રહેવું છે. હવે જિંદગીનો ભરોસો નથી, પછી દુનિયાને ગમે તે ખૂણે મોત આવૂને ભેટે!’


‘હં!’ હું ચૂપ થઈ ગયો. હજારો ઘોડાઓની લગામ ખેંચાઈ ગઈ હોય અને એમની અમાપ શક્તિ સ્થગિત થઈ ગઈ હોય! એવી નાનપ અનુભવતો ચૂપ થઈ ગયો. પછી એક પ્રયત્ન કરી, કશું જ વિચાર્યા વગર મેં કહ્યું,હં આવું તમારી સાથે ?’


‘મારા દોસ્તને ત્યાં?’


‘હા.’


‘સાચે જ!’


‘હા-હા.’


‘તો તો રંગ જામે -આવો જરૂર આવો જરૂર આવો સાહેબ … પણ એ તો ભરવાડ છે. દૂર એનું ગામડું છે. તમે ક્યાંથી આવો?’


‘હું આવીશ.’ મેં કહ્યું. મારા સ્વભાવમાં હઠ પણ હતી, હું પીરમહમ્મદને મારે ઘેર લઈ ગયો. મારે પણ ભાઈ- બહેન, મા – બાપ કોઈ નહોતું. અને હું પણ એમની જેમ હજી પરણ્યો ન હતો. ચાર દિવસની રજા મેળવી.


બીજે દહાડે હું અને પીરમહમ્મદ શહેર છોડવા બહાર પડ્યા.


‘હું એકલો હોત તો પગે ચાલીને જાત.’ એણે કહ્યું. પણ અમે તો ટ્રેનથી અમારી મુસાફરી આદરી.મને ખબર પડી કે પીરમહમ્મ્દ ના દોસ્તનું ગામડું દૂર એટલે બહુ દૂર હતું. અમે બે વાર ટ્રેન બદલી અને બીજા દિવસની મોડી રાત્રે અમે અમારી ટ્રેનની મુસાફરી પૂરી કરી. એ રાતના આરામ લેતાં મને વહેમ ગયો કે હું મૂરખો તો નહોતો બન્યો ને? આમ હું કોના કહેવાથી કોને મળવા આટલી હાડમારી સહન કરું છું? પીરમહમ્મદાને એના દોસ્ત મારા કોણ હતા? મારે અને એમને શું લાગેવળગે?


સવારના હું એ જ ખિન્ન ભાવનો બોજો ધારણ કરી ઊઠ્યો. અમારી સાડા ચાર કલાકની બસની મુસાફરી શરૂ થઈ અને અંતે પણ આમારે ચાર ગાઉ પગે ચાલીને જવાનું હતું!


‘આવી ખબર હોત તો ન આવત.’ એવું કહેવાનું મને મન થયું. પણ પીરમહમ્મદને હાંફતો અને બેબાકળો બની ગયેલો જોઈ હું ચૂપ રહ્યો. ચાલતાં એ લથડિયાં ખાતો હતો. અમને રસ્તામાં લોકો મળ્યા. સૌ કોઈ પીરમહમ્મદને ઓળખતા લાગ્યા.કોઈએ પૂછ્યું ઃ ‘ઘણા વખતે પીરમહમ્મદ?’ તો કોઈ કહેઃ ‘પીરુ ફકીર ક્યાં?’ ગોધુને ત્યાં?’ કોઈએ કહ્યું – ‘પીરું આમ કેમ? આટલો લેવાઈ કેમ ગયો છે?’


પણ એ ચાર ગાઉની મજલ દરમિયાન મેં એ રુક્ષ અને દરિદ્ર ધરતીને જોઈ. આવી ધરતી મેં કોઈ દહાડો જોઈ નહોતી. મોટાં વિશાળ મેદાન, સૂકું ઘાસ, કાંટાળા છોડ, દયાહીન ઠંડી વરસાવતું આકાશ, દઝાડતો સૂર્ય, વંટોળિયામાં ઝડપાઈને ઊડતી ધૂળ, તેતરો, કાગળા અને જંગલી કબૂતરો… કોઈ તીણા શીંગડાવાળા બળદ પર વાઘને કૂદતો મેં જોયો. કોઈ અપૂર્વ શિલ્પ જેવી સુંદર યૌવનની ડોકમાં મેં નાગ વીંટળાયેલો જોયો… કોઈ કાંટાળા બાવળના પાંદડે પાંદડામાંથી લોહીના ટીપાં મેં ટપકતાં જોયાં … ઓહ… ઓહ! કેવી કલ્પના ! કેવું દિવાસ્વપ્ન !


પીરમહમ્મદના દોસ્તનું ગામડું ફક્ત ચોવીસ ઘરનું બનેલું હતું. ‘ઓહ… હો…’ કહેતો ખાટલે બેઠેલો એક વૃદ્ધ ઊઠીને પીરમહમ્મદ સામે આવ્યો. અને એ બંને એકબીજાને ભેટી પડ્યા. ખાટલા પાછળના આંગણામાં ધાબળી સીવતી એક ઉંમરે પહોંચેલી સ્ત્રીએ બૂમ મારી, ‘પીરુકાકા!’


‘હેં! આંગણા પાછળના ઓરડાના ઉંબરામાં એક જુવાન સ્ત્રી આવી ઊભી, સુંદર, સશક્ત અને નજાકતભરી! ‘એ તો પીરુબાબા! ગગા, પાણી લાવ પાણી!’

આકાશના તારાઓએ પોતાનું સ્થાન બદલ્યું હતું. પવને દિશા બદલી હતી.


મારી સાન ઠેકાણે આવી.


તાપણીનું તેજ ઓછું થવા આવ્યું હતું. લોકો વિખેરાઈ ગયાં હતાં.


પીરમહમ્મદ ગોઘુના ખાટલા પર બેઠો હતો. આધેડવયની સ્ત્રી બીજા ખાટલા પર બેઠી ઝોકાં ખાતી હતી, સામેના ખાટલા પર પેલી યુવતી ઊંઘી ગઈ હતી. ‘આ કમજાતને તું પાછી લઈ જા. પીરુ! કહેતાં ગોઘુએ પેલી વાંસળી પીરમહમ્મદને આપી.


‘આ મારો જાન લેશે કોઈક દહાડો!’ આટલું બોલતાં તો ગોધુ હાંફી ગયો.


પીરુએ મારી તરફ જોયુંઃ ‘લ્યો સાહેબ, આ વાંસળી હવે તમારી છે.’ કહેતાં એણે ખાટલા પર વાંસળી ફેંકી.હું ચમકી ગયો.


આકાશમાં વીજ ચમકી… કેટલું બધું અજવાળુ? કુસુમાચ્છાદિત મારી સુવર્ણશય્યા પર આકાશમાંથી કોઈ રત્નજડિત આભૂષણ આવી પડ્યું. ત્યાં તો ભયંકર અવાજ સાથે ધરતીકંપ થયો. મારા ઉપર કશુંક આવીને પડ્યું. મારા ટુકડા થઈ ગયા…. હું વેરવિખેર ચારે દિશામાં વેરાઈ ગયો… જાણે સાત સૂરોનું સપ્તક તૂટીને ટુકડા થઈ ગયું હોય…. જાણે’પંચમ’ અને ‘ગાંઘાર’ નો હવેથી મેળ ન જામવાનો હોય…


મેં વાંસળી ઊંચકીને હોઠે મૂકી… મેં પીરમહમ્મદ તરફ જોયું… એ મારી તરફ હસ્યો અને પેલું વહાલસોયું આભ નીચે ઊતરી આવ્યું.


‘આપ્તજન’વાળો સૂર મેં પહેલી જ વાર કાઢ્યો. મેં વાંસળી વગાડતાં શીખવાની શરૂઆત કરી.

Post a comment

0 Comments