
આબુરોડ સ્ટેશન આવ્યું. સવારના ૫ વાગવા આવ્યા હતાં. માધવ પટેલ પોતાની બર્થ પર જાગ્યો. આળસ ખંખેરીને એ ઉભો થયો.ડબ્બામાં ખાસ કોઈ પેસેન્જર હતા નહિ. બ્રશ કરીને એણે ચા પીધી. થ્રી ટાયર એસીના કોચમાં લગભગ ૨૨ જેટલા જ પેસેન્જરો હતાં. માધવ અમદાવાદથી આ કોચમાં ચડ્યો ત્યારે એણે કોચના દરવાજા પાસે લગાવેલ પેસેન્જરોની યાદી જોઈ હતી.પોતાની સામેની બર્થ પર તેણે એક નામ જોયું હતું. “સોનુ અગરવાલ સ્ત્રી ઉમર ૧૮ મારવાડ!!” આ સોનું અગરવાલ મારવાડ થી કદાચ આ ટ્રેઈનમાં ચડે તો ચડે.
આમ તો દરેક યુવાન પોતાની સાથે મુસાફરીમાં કોઈ પોતાની ઉમરની છોકરી હોય તો પ્રવાસમાં મજા રહે એવી માનસિક ગણતરી સાથે જ ટ્રેઈનનો પ્રવાસ કરતો હોય છે.આમ તો એણે પાકી ગણતરી કરી જ લીધી હતી કે બાવીસ મુસાફરોમાં વીસ વરસની આજુબાજુની ચાર છોકરીઓ હતી પણ એ બધી જ એના માતા પિતાની સાથે મુસાફરી કરતી હતી અને પણ પોતાના બર્થની આજુબાજુ તો બે મોટી ઉમરની વ્યક્તિઓ હતી. રાજસ્થાનના રણની જેમ ક્યાય હરિયાળી નહોતી!!
માધવ પટેલ એક કાઠીયાવાડના નાના ગામનો છોકરો!! ભણવામાં હોંશિયાર હતો. ધોરણ છ થી એ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતો હતો. ગામમાંથી જવાહર નવોદયમાં ભણવા વાળો એ એક જ હતો.પાપા ખેતીકામ કરતાં હતા.આમ તો મધ્યમવર્ગીય પરિવારનો માધવ પોતાના પિતાનું ત્રીજું સંતાન હતો.મોટી બહેન સુજાતા સાસરે હતી અને ભાઈ અમદાવાદ હીરાનું કારખાનું ધરાવતો હતો. ભાઈ પરણેલો હતો.અને માધવે જવાહર નવોદયમાં દસમું પૂરું કર્યા પછી ધોરણ બાર સીબીએસઈની શાળામાં અમદાવાદમાં જ પૂરું કર્યું હતું.બારમાં ધોરણથી જ એને સાહિત્યમાં શોખ હતો.
ખાસ કરીને અંગ્રેજી સાહિત્યમાં એને ખુબ જ રસ હતો. રસ્કિન બોન્ડ, સમરસેટ મોમ ,ગાય દ મોમ્પાસા અને ચેખવની વાર્તાનો એ જબરો રસિયો હતો. ધોરણ બાર માં સારા ગુણ આવ્યા અને તેણે નક્કી કર્યું કે દિલ્હીની કોઈ પણ સારી કોલેજમાં અંગ્રેજી સાથે બી.એ. ઓનર્સ કરવું. અને તેમણે ફોર્મ પણ ભરી દીધા હતા.અને ચાર દિવસ અગાઉ જ એમને દિલ્હીની ખ્યાતનામ કોલેજ, કિરોડીમલ કોલેજમાંથી એડમીશન નો લેટર પણ આવી ગયો હતો.અને આજે તે કોલેજમાં એડમીશન લેવા જઈ રહ્યો હતો.આગામી ત્રણ વરસ હવે તે દિલ્હીમાં ગાળવાનો હતો.
જયારે ભાઈ અને ભાભી તેમને કાલુપુર સ્ટેશને મુકવા આવ્યા ત્યારે એને કીધું હતું. “માધુ ચિંતા ના કરતો, સાચવીને રહેજે, પૈસા જોઈએ ત્યારે મની ઓર્ડરથી મંગાવી લેજે અને દર રવિવારે તું મને ફોન કરજે. ત્યાં જઈને કોઈ નજીકની એસ ટી ડી પીસીઓ હોય ને તેનો નંબર મને આપી દેજે અને મારો નંબર અને ઓળખાણ પણ તે પીસીઓ વાળાને આપી દેજે તું કોલેજે હો અને મારે અરજન્ટ કામ પડે ને તો તને સમાચાર આપી દેજે!!” રાકેશે માધવને કહ્યું. ૧૯૯૦નો દાયકો હતો. લોકો લેન્ડલાઈન જ વાપરતા.ઘરે ફોન હોવો એ એક વૈભવશાળી જીવનની નિશાની ગણાતી!!!
અને મારવાડ જંકશન આવ્યું.
ગાડી ધીમી પડી અને બે લોકો ઉતર્યા અને આઠેક લોકો આ કોચમાં ચડ્યા. ડબ્બામાં એક ફૂલની ખુશ્બુ આવી. એક ૧૯ વરસની છોકરી આંખ પર બલ્યુ ગોગલ્સ, જીન્સનું પેન્ટ અને લાઈટ યલો ટી શર્ટ પહેરેલું. ચહેરો એકદમ ગોળ મટોળ અને ચમકતી પાણીદાર આંખો માધવની બરાબર સામે ગોઠવાઈ. માધવે તો એને જોઇને આંખો બંધ કરી દીધી. સોનુની સુંદરતા માધવે અંદર ઉતારી લીધી. એ આંખો બંધ કરીને સુંદરતા માણી રહ્યો હતો.આમેય સ્ત્રી આંખો બંધ રાખીએ તો વધારે સુંદર દેખાય આચાર્ય રજનીશના શબ્દો માધવને યાદ આવી ગયા.
“દેલ્હી કેંટ પર ઉતરી જજે, ત્યાં મણિ પ્રસાદ તને લેવા આવ્યા હશે,અને ટીટી ને મેં વાત કરી દીધી છે આપણા જાણીતા જ છે તને કોઈ જ તકલીફ નહિ પડે” છોકરીને સાથે આવેલા સજ્જને કહ્યું અને કહેતી વખતે એની નજર માધવ સામે જ હતી.માધવે આંખો ખોલી અને બારી બહાર જોયું. સોનુએ પોતાના થેલા બર્થ નીચે ગોઠવ્યા. અને બોલી.
“લવ યુ ડેડી. મમ્માને યાદી આપજો ટેક કેર ડેડી “ અને ગાડીની વ્હીસલ વાગી અને સોનુના પાપા નીચે ઉતર્યા સોનું દરવાજા સુધી ગઈ. ગાડી ચાલી અને સોનું પોતાની સીટ પર ગોઠવાણી.સરસ મજાનો પવન આવી રહ્યો હતો. માધવ પણ વ્યવસ્થિત થયો અને એણે સોનુ સામે નજર માંડી. છોકરી ખરેખર સુંદર હતી.ડીમ્પલ કાપડીયાની જેમ જ વગર મેક અપે તે ખુબસુરત હતી!! એક દમ રેર એન્ડ એક્સ્ટ્રા ઓરડીનેરી સુંદરતા.ચહેરાની જમણી બાજુ એક નાનકડો તલ અને એકદમ પરફેક્ટ મેચિંગ વાળી નેઈલ પોલીશ. ડાબા હાથ પર એસ લખેલું એક છૂંદણું હતું અને એક સોનાની રીંગ હતી ડાયમંડ જડેલી જે જમણા હાથે પહેરેલી હતી.
કપાળમાં એક બિંદી હતી. વાયોલેટ કલરની વાળ એકદમ સિલ્કી અને લીસ્સા હતા.પવનની લહેરખીને કારણે વાળ ચહેરા પર આવી જતા હતા અને તે કોમલ હાથથી પોતાના વાળ સરખા કરતી હતી અને બારીની બહાર જોતી અને અચાનક જ એણે માધવની સામે જોયું. મોઢાથી લઈને પગ સુધી એણે માધવને નીરખી લીધો અને માધવ બારી તરફ જોઈ ગયો.
0 Comments