
આહુતિએ એક નજર ઘડિયાળ તરફ નાખી. છ ઉપર દસ મિનિટ થઈ ગઈ હતી. સવા છ વાગ્યાની બસ હતી. હવે એ ખૂબ જલદીથી ચાલીને બસસ્ટેન્ડે પહોંચે તો જ એને બસ મળે તેમ હતું. કદાચ બસ ના પણ મળે. તેને જલ્દીથી ટાઈપ કરેલાં કાગળિયાં ટેબલના ખાનામાં મૂક્યા અને બસ સ્ટેન્ડ તરફ જવા પગ ઉપડ્યા. હા, હવે આહુતિ જલ્દીથી ચાલી શકતી ન હતી. તેની તબિયત હવે પહેલાં જેવી ન હતી. ત્રણ છોકરીઓના જન્મ પછી એનું શરીર ખૂબ સુકાઈ ગયું હતું અને હજી તાે આ વખતે ચોથું......
આહુતિ જયારે બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે બસ એની ધારણા મુજબ જતી રહેલી. હવે બીજી બસ તો એને એક કલાક પછી જ મળે તેમ હતી. એને વિચાર આવ્યો કે રીક્ષામાં ઘેર જતી રહે પણ તેને તેના પતિ આર્તવના શબ્દો યાદ આવ્યા, " આહુતિ, આટલી મોંઘવારીમાં રિક્ષામાં આવવા-જવાનું ના પાેષાય. અરે , એક કલાક ઘેર મોડું અવાય તો શું થઈ ગયું ?" આહુતિ પતિ સામે કદીય દલીલ કરતી ન હતી. પતિની કોઈ પણ વાત એ ચૂપચાપ સ્વીકારી લેતી. આહુતિને લગ્ન પહેલાં ઘણા બધાએ કહેલું," આહુતિ, આર્તવના સ્વભાવને અનુકૂળ થવું સૌથી કઠિન કાર્ય છે ."આવી શિખામણ આપનારમાં આહુતિનાં સાસુ પણ હતાં. પણ આહુતિ જેવી સંસ્કારી, ઓછાબોલી છોકરી જોઈને એમનું મન કહેતું, " આહુતિ, આર્તવના સ્વભાવને અનુકૂળ થઈ શકશે." લગ્નના આઠ વર્ષમાં આહુતિએ સતત આર્તવની દરેક ઈચ્છાઓ પૂરી કરી છે. એણે સામે દલીલ કરી નથી. ક્યારેય એની ઈચ્છા પ્રગટ કરી નથી.
કલાક પછી જ્યારે બસ આવી ત્યારે આહુતી વિચારતી હતી કે જ્યારે એ ઘેર પહાેંચશે ત્યારે રીન્કુને રાખનાર બાઈ મન્દાબેન બહાર જતાં રહ્યાં હશે. પીન્કી ,નિશા મારી રાહ જોઈ રહ્યાં હશે. આર્તવનાે નોકરીનો સમય નક્કી ન હતો. એને ગમે તે શિફ્ટ આવે. આહુતિને મોડું થાય ત્યારે ઘણીવાર આર્તવને 3 થી ૧૨ ની શિફ્ટ હોય.
ત્રણ નાની છોકરીઓને ઘેર મુકીને આવતા આહુતિનો જીવ ચાલતો ન હતો. પણ આર્તવની જીદ આગળ એનું કઈ ચાલતું નથી . આહુતિ ઘેર પહોંચી ત્યારે નિશા એાટલે જ બેઠી હતી. તે દોડતી આહુતિને વળગી પડી . આહુતિએ એને ઊંચકી લીધી . એનું મન ભરાઇ આવ્યું. અરે, આટલી નાની છોકરીને મુકીને પોતે કઈ રીતે જઈ શકે છે ? નિશાએ તાે એની કાલીઘેલી ભાષામાં કહેવા માંડયું, " મમ્મી, પિન્કીને તો માથે માેટાે પાટાે છે. બહુ રડે છે. પપ્પા તાે એને મૂકીને જતા રહ્યાં. હવે તું ના જઈશ. " બાજુમાં રહેતા પડોશીએ આહુતિને કહ્યું, " બહેન, તમારી પિન્કી ઓટલેથી પડી ગઈ અને એને ચાર ટાંકા આવ્યા છે. આર્તવભાઈ તો નોકરીએ ગયા, પણ બિચારી પિન્કી બહુ રડતી હતી એટલે હું મારે ત્યાં લઈ ગઈ હતી. "આહુતિ પિન્કીને બે હાથે વળગી પડી. એનું મન ભરાઈ આવ્યું . એણે પણ જાણી લીધું હતું કે આર્તવ રાત્રે મોડો આવે છે , એથી બપોરે એ સુઈ જાય છે. એ સમયે જ પિન્કી એાટલેથી પડી ગઈ હતી .એથી એને મનમાં વિચાર આવી ગયો કે પોતે ઓફિસથી આવી રસોઈ કરે. બીજું કામકાજ કરે, ત્રણેય છોકરીઓને સુવાડી દે, આર્તવના આવવાની રાહ જુએ. આર્તવ રાત્રે એક વાગે આવે ત્યારે પોતે રસોઈ ગરમ કરે, એને જમાડે પછી પોતે જમે અને પોતાનો તો ઉઠવાનો સમય નક્કી જ.
પિંકીના પડી જવાથી આહુતિએ આજે નક્કી જ કર્યું હતું કે આજે એ આર્તવને કહેશે જ કે, " આર્તવ, હવે મારે નોકરી નથી કરવી. " મન સાથે એણે નક્કી કર્યું હતું અને આર્તવ જયારે રાત્રે ઘરે આવ્યો ત્યારે એણે મનની વાત વ્યક્ત કરતાં કહ્યું, " મારે નોકરી નથી કરવી. મારે રાજીનામું આપી દેવું છે ." આર્તવે તો તરત જવાબ આપી દીધો, "આહુતિ, તું તો જાણે જ છે આટલી મોંઘવારીમાં બે જણાએ કમાવવું અનિવાર્ય બનની ચૂકયું છે અને હવે તો આપણે ત્યાં ચોથા બાળકનું પણ આગમન થવાનું છે માટે હવે પછી તું રાજીનામું આપવાની વાત ના કરીશ".
આહુતિને આર્તવના આવા વિચિત્ર માનસ પર ઘણો જ ગુસ્સો આવતાે, પણ શું કરે ? આર્તવ એન્જીનિયર હોવા છતાં ખૂબ જ જુનવાણી માનસ છોડી શકતો નહીં. એને પુત્રની તીવ્ર ઈચ્છા હતી.આહુતિ ઘણી વાર વિચારતી કે હજી ચોથી વખત પણ જાે પુત્રી આવશે તો શું પાંચમી વખત....? તેને થતું કે આર્તવ એક વખત એની સામું જુએ અને કંઈક વિચારે. લગ્ન વખતની ખૂબસૂરત આકર્ષક આહુતિ આજે ક્યાં ખોવાઈ ગઈ છે ! આજે તો આહુતિ એક હાડપિંજર બની ગઈ છે .
બીજા દિવસે તો પિન્કીએ આહુતિનો સાડીનો છેડો જ ના છોડ્યો. આખી રાત એ ઊંઘમાં રડતી રહી. કદીક બંને હાથે આહુતિને વળગી પડતી બોલતી, "મમ્મી, અમને આખો દિવસ એકલાં મૂકીને હવે તું ક્યાંય ના જતી. મમ્મી, મને ખૂબજ બીક લાગે છે. " આહુતિની આંખમાં આ બધું સાંભળતાં આંસુ આવી જતાં.ત્રણ દિવસ સુધી એ ઓફિસ ના ગયી, પણ ચોથે દિવસે તો હૃદય પર પથ્થર મૂકીને પણ એ ઓફિસ જવા લાગી, તે વખતનું પિંકીનું રુદન એ હજી પણ ભૂલી શકી નથી.
આહુતિને હવે નોકરીમાંથી રાજીનામું આપવાની તીવ્ર ઇચ્છા થઇ આવી હતી. એ વિચારતી હતી કે પોતાને જે પગાર મળે છે એની સામે એ કેટકેટલું ગુમાવે છે ? નોકરીને કારણે જ નાની રીન્કુને સાચવવા મંદાબહેનને રાખવા પડેલાં. એ નોકરીએ જતાં પહેલાં રીન્કુને મંદાબહેનને ત્યાં મુકવા જતી ત્યારે રીન્કુ તેની સાડીનો છેડો છોડતી જ ન હતી. છતાં પણ રીન્કુને છોડીને જવું પડતું . નોકરીને કારણે તો એને ઘરનું કામ કરનારી બાઈ રાખવી પડેલી. મંદાબહેન સારી રીતે રીન્કુને રાખતા નહીં જેથી વારંવાર રીન્કુ બીમાર પડી જતી . અેને સમયસર દૂધ આપતા નહીં .જેથી તેનો રોતલ બની ગયેલો સ્વભાવ ,આહુતિની ગેરહાજરીમાં પિંકી- નિશાનું વારંવાર પડી જવું, એમને વાગવું, નોકરીને કારણે એને સાડીઓની ખરીદી કરવી પડતી ,બસ ભાડું ......આહુતિ આગળ વિચારી ના શકી. અેને ખૂબ ચક્કર આવવા માંડયાં.
આહુતિએ ખરેખર એક દિવસે હિંમત કરીને આર્તવ ને કહ્યું," મારે નોકરીમાં રાજીનામું આપવું છે. હું ઘેર થોડાં ટયુશનાે કરીશ અને મને તો કપડાં સીવતાં પણ આવડે છે. હું લોકોના કપડાં ઘેર બેઠા સીવીશ. પણ મને નોકરીમાં રાજીનામું આપી મારા બાળકો પાસે મને રહેવા દો, " આર્તવની તો એક જ દલીલ રહેતી, " આહુતિ, આટલી સરસ સરકારી નોકરી છોડીને ઘેર બેઠાં તું શું કમાવવાની છું ? આટલી મોંઘવારીમાં આવા વિચાર કરવાનું જ છોડી દે ." આહુતિના ગળે ડૂમો ભરાઇ ગયો હતો. એને યાદ આવતું કે ઉનાળામાં ઘણી વાર બપોરે એ રીસેસમાં ચા પીવા જતાં ત્યારે જાેતી કે અંગારા વરસાવતી બપોરમાં પણ હાથ લારી ચલાવનાર કાળજીપૂર્વક પાેતાના બાળકને નીચે ઘાેડિયા જેવું બાંધીને સુવાડે છે. તેને હાથલારી ચલાવનાર દંપતીની ઈર્ષા આવતી. અરે હાથલારી ચલાવનાર પણ બપોરે સાથે મળીને રોટલો ખાય છે ,જ્યારે પોતે ! ઘરથી દૂર દૂર પોતાના બાળકોને બીજાના હવાલે સોંપી જતી રહે છે. ધીરે ધીરે આહુતિની તબિયત વધુ ને વધુ બગડવા લાગી. ઘરની રોજિંદી દોડાદોડ, શરીરમાં અશક્તિને કારણે કદીક ઓફિસમાં મોડું થતું ,તો કદીક ટાઈપમાં ભૂલો થતી. આ માટે 'બોસ' નો ઠપકો સાંભળવા હવે એના કાન ટેવાઇ ગયા હતા .અનેક વાર એ આર્તવને કહી ચૂકી હતી, વિનંતી કરી ચૂકી હતી કે તમે રાજીનામું આપવા દો. પણ આર્તવની જીદ આગળ એ ચુપ રહેતી અને છેવટે વાસ્તવિકતાના સ્વીકાર રૂપે' બોસ' નો ઠપકો સાંભળવા એના કાન ટેવાઇ ગયાં હતા. દિવસે દિવસે આહુતિ વધુને વધુ સુકાવા લાગી. આહુતિ ને જોઈને પણ કહેવાનું મન થાય કે," આહુતિ , એટલે હાલતું ચાલતું હાડપિંજર. "
હા, અને આહુતિની ચોથી ડિલીવરી વખતે આર્તવની ઈચ્છા પૂર્ણ થઈ હતી. આહુતિએ પુત્રને જન્મ આપ્યો હતો અને આહુતિ ઈચ્છા પણ પૂર્ણ થઈ હતી. એને રાજીનામું આપી દીધું હતું -પણ જિંદગીને.
0 Comments