About us

“કટ ગુંદીનો ઠળીયો”રોહન ચાર રસ્તા પર ઉભો હતો. એને અહીંથી ચાલીશ કિમી દૂર આવેલ એક શહેરમાં જવાનું હતું. ત્યાં એક લગ્ન પ્રસંગ હતો અને બીજે દિવસે રાતના તેને અંકલેશ્વર પહોંચવાનું હતું.અંકલેશ્વરની એક કેમિકલ ફેકટરીમાં એ ક્લાર્ક હતો. પગાર ઠીક ઠીક હતો. પણ પોતાના નાના બે ભાઈ બહેનની જવાબદારી પૂરી કરવામાં નોકરીના ૧૮ વરસ ઝડપથી પૂર્ણ થઇ ગયા હતા. બેય નાના ભાંડરડાને પરણાવી દીધા હતા. અને હવે પોતાના સંતાનો મોટા થઇ ગયા હતા. સંતાનોમાં તો બે દીકરીઓ જ હતી. મોટી દીકરી નયના ૧૨માં ધોરણમાં અને નાની અલકા ધોરણ દસમાં હતી. માતા પિતાની ઈચ્છા હતી કે હજુ એક દીકરો હોય તો સારું પણ રોહન અને તેની પત્ની સંધ્યાને બે સંતાનો પૂરતા લાગ્યા હતા. ત્રીજા સંતાનમાં કદાચ દીકરી આવી તો?? આ મોંઘવારીમાં ત્રણ ત્રણ દીકરીઓનું કેમ પૂરું કરવું એ વિચાર પણ પતિ પત્નીના મનમાં આવ્યો જ હતો. બે દીકરીઓ છે એ જ પુરતું છે આનાથી વિશેષ આગળ કશું નહિ એવો મક્કમ નિર્ધાર રોહન અને સંધ્યા કરી ચુક્યા હતા. નાના ભાઈ અને બહેનની જવાબદારી પૂરી થઇ ત્યાં હવે પાંચેક વરસમાં સંતાનોના ખર્ચા આંબી જશે એમ વિચારીને રોહને હવે થોડી થોડી બચત શરુ કરી દીધી હતી.

            

અચાનક જ રોહનની નજર સામે એક ગલ્લા પાસે ઉભી રહેલ એક સફેદ રંગની કાર પર પડી, કારમાંથી એક પોતાની જ ઉમરનો એક વ્યક્તિ ઉતર્યો. રોહનને તે ચહેરો જાણીતો લાગ્યો.એ એકીટશે એ ચહેરાને જોઈ રહ્યો!! અચાનક જ તેને યાદ આવ્યું કે આ તો કટીયો લાગે છે!! કટીયો ઉર્ફે કિરીટ!! ઉર્ફે કીરો !! ઉર્ફે કટ ગુંદીનો ઠળીયો!! અને અચાનક જ તેના પગ એ પાનના ગલ્લા તરફ વળ્યા જ્યાં કટ ગુંદીનો ઠળીયો ઉભો હતો!!

         

“ કા કટિયા ઓળખાણ પડે છે કે નહિ” રોહને પાછળથી ધબ્બો મારતા કહ્યું. અને જવાબમાં પેલો યુવાન તેની તરફ ફર્યો. થોડી વાર એ જોઈ જ રહ્યો અને પછી બોલ્યો.

        

“ રોહના ચાલ મસાલાના પૈસા આપી દે પછી વાતો કરીએ” કહીને એ રોહનને ભેટી પડ્યો.કોલેજમાં સાથે હતા ત્રણ વરસ પછી સાવ જુદા પડી ગયેલા બે ભાઈ બંધો ઘણા સમય પછી ભેગા થયા હતા.

       

“તું હજુ પણ ચીકણો જ રહ્યો કટિયા!! હજુ પણ કટ ગુંદીના ઠળિયા જેવો જ છો હો!! મસાલા તારે ખાવાના અને પૈસા મારે ચૂકવવાના આ કાર છે ખિસ્સામાં પાછળ પાકીટ પણ ભરેલું લાગે છે..પણ તારી ટેવ ન ગઈ હો” રોહને હસીને કહ્યું.

      

“જે ભાગ્યશાળી હોય એને જ ભાઈબંધોના પૈસે એશ કરવા મળે છે.. દુનિયામાં સહુથી મોટું સુખ એ છે કે ભાઈ બંધના પૈસે મોજમજા કરવી. એ કોલેજના ત્રણ વરસ મારો ગોલ્ડન પીરીયડ હતો. એના જેવું સુખ બીજું એકેય નહિ બોલ હવે તારે કહી કહેવું છે” કટીયો બોલતો હતો અને રોહન સાંભળતો હતો. રોહને પૈસા ચૂકવ્યા અને બને કિરીટની કાર પાસે આવ્યા વાતો કરતા કરતા.

           

“બોલ કઈ બાજુ જવાનો વિચાર છે?” કિરીટ ઉર્ફે કટીયો બોલ્યો.

           

“ અમરેલી જવું છે.ત્યાં એક લગ્ન પ્રસંગ છે. પછી કાલે અંકલેશ્વર.. ત્યાં હું એક ફેકટરીમાં સીનીયર કલાર્ક છું અને તું કઈ બાજુ જવા નીકળ્યો છો?? હાલ શું કરે છે?? યાર વિશાલ ભેગો થાય છે..અજીત પણ બે ત્રણ વાર મળ્યો.. બને અમદાવાદમાં જ છે..બસ એક તારો પતો જ નથી.. કઈ દુનિયામાં તું જીવે છો?? તારું કોઈ એડ્રેસ જ ના મળે ને?? ફેસબુક પર પણ ટ્રાય મારી પણ બધું જ પાણીમાં” રોહન એકીશ્વાસે બોલી ગયો અને કિરીટ બોલ્યો.

        

“ચાલ હું તને અમરેલી મૂકી જાવ એ બહાને વાતો પણ થાય ને!!  ચાલ ગાડીમાં બેસી જા પછી તને બધું જ કહું છું કહીને કિરીટ ઉર્ફે કટીયો ઉર્ફે કટગુંદીનો ઠળીયો ડ્રાઈવર સીટ પર ગોઠવાયો અને રોહન તેની બાજુમાં બેઠો અને ગાડી અમરેલી તરફ ચાલી.

             

“ શું કરે છે મારા ભાભી?? સોરી મારે તને એ પૂછવાનું છે કે કોઈને પરણ્યો છો કે નહિ?? બાકી કોલેજમાં તો અમને લાગતું કે તું કદી લગ્ન નહિ કરે!! યાદ છે પેલી કેતકી વાંકડિયા વાળ વાળી તારી પર કેટલી લટ્ટુ હતી પણ તું જાણે બીજો ભીષ્મ પિતામહ!! નજર ઉંચી કરીને કોઈ દિવસ એની સાથે વાત ન કરી તે ના જ કરી!! બિચારી છેક સુધી એ આશા એ રહી કે એક વખત રોહન મારી સામે જુએ તો આખોને આખો આંખોમાં ઉતારી દઉં!! પણ તું સહેજ પણ ડગ્યો નહિ” કટીયો હવે કોલેજ લાઈફ ઉપર આવી ગયો હતો.

                 

“અરે બાપા એ સારી છોકરી જોઇને પરણાવી દીધો. બી કોમ પૂરું કર્યા પછી ગામની જ મંડળીમાં મંત્રી તરીકે ગોઠવાઈ ગયો હતો. એલ ડી સી પણ પછી જ કર્યું હતું. બે વરસ પછી લગ્ન થયા.અને એકાદ મહિના પછી અંકલેશ્વર કલાર્કની નોકરી મળી ગઈ એટલે લાગી ગયો એમાં.. જે જે મિત્રો હતા એ કાળ ક્રમે ભુલાવા લાગ્યા. બે સંતાનોનો બાપ છું. બને છોકરીઓ છે. બેય હોંશિયાર છે. મોટી નયના હાલ બાર સાયંસમાં ભણે છે અને નાની અલકા અત્યારે દસમાં ધોરણમાં ભણે છે.. ભાઈ બહેનને પરણાવી દીધા છે. બા બાપુજી નાના ભાઈ પાસે ગામડામાં રહે છે. બે દિવસ પહેલા જ આવ્યો છું.

ગામડામાં એક લગ્ન હતા અને આજે અમરેલી દુરના એક ફઈને ત્યાં લગ્ન પ્રસંગ છે.સાસરિયામાં પણ એક લગ્ન પ્રસંગ હતો પણ તારીખો ભેગી હતી એટલે મારી પત્ની સંધ્યાને ત્યાં મોકલી દીધી. લગ્ન પ્રસંગોમાં દીકરીઓના બાપને જવું જ પડે નહીતર હવે કાલ સવારે મારી ઘરે પ્રસંગ આવીને ઉભો રહે તો કોઈ ભોજિયો ભાઈ પણ ના આવે!! હવે તારે કેમ હાલે છે એ બતાવ” રોહને ટૂંકમાં પોતાની કહાની કહી દીધી.

            

“ બસ મારે પણ ઠીક ઠીક હાલે છે હું તો શોખ ખાતર જ ભણવા આવ્યો હતો કોલેજમાં એ તો તને ખબર જ છે ને?? બાકી આપણે કયા નોકરી કરવી હતી. બાપા મામલતદાર હતા. ખુબ કમાયા હતા. એ બધું મારા માટે જ ને?? છેલ્લે છેલ્લે એ સુરતમાં નાયબ કલેકટર થયેલા. એમનું પોસ્ટીંગ મહેસૂલમાં હતું એટલે બાપાએ રૂપિયાના બખ્ખા બોલાવી નાંખેલા. બે વરસ પહેલા જ એ નિવૃત થયા ત્યાં સુધીમાં બે બિલ્ડર સાથે ભાગીદારીમાં ધંધો કરતા. એ ધંધો હવે હું સંભાળું છું. વેસુ બાજુ બે પ્રોજેક્ટ ચાલે છે. પાપા તો અત્યારે નાના ભેગા અમેરિકા છે. અહી તો હું અને મારી પત્ની શાલીની અને બે સંતાનો છે એક દીકરો અને એક દીકરી. બેય ઈંગ્લીશ મીડિયામમાં ભણે છે. વેસુમાં જ એક ફલેટ અને એક બંગલો છે. બસ ઘણું બધું આપી દીધું છે  ભગવાને!! ખુબજ આપ્યું કહેવાય..પાપા ની સંપતિમાં વધારો જ થતો જાય છે!! અત્યારે કશું જ ના કરુને બેઠો બેઠો ખાવ તોય ખૂટે એમ નથી !! પણ સતત દોડધામ રહે છે!!જે મજા કોલેજમાં આવતી એ મજા હવે નથી આવતી!! આવ ક્યારેક સંતાનોને લઈને સુરતમાં યાર એક બીજાના બાળકો એક બીજાને ઓળખતા થાય. હું છેલ્લા દસ વરસથી વેસુ રહું છું લગભગ એંશી બંગલાની સોસાયટી છે. પણ લગભગ કોઈને કોઈ સાથે વહીવટ જ નહિ. સહુ સામા મળે ત્યારે હસે એટલું જ બાકી બોલવા ચાલવાનો વ્યવહાર પણ નહિ. સાંજે બધા પોતપોતાના કુતરા લઈને ફરવા નીકળે. માણસ માણસની સાથે ફરતો બંધ થઇ ગયો અને કુતરા સાથે ફરતો થઇ ગયો બોલ!! આવી છે લાઈફ!! કટીયો બોલતો હતો અને રોહન સાંભળતો હતો.

             

“ હા કોલેજના દિવસો ખુબ જ યાદ આવે છે..તને યાદ છે પેલો મારવાડી  સમોસા  વાળો જે ભાંગી તૂટી ભાષામાં ગુજરાતી બોલતો. પાંચેક વરસ પહેલા હું સહજાનંદ કોલેજ પાસેથી નીકળ્યો ત્યારે અચાનક ત્યાં સમોસા  ખાવા ગયો અને એ મને ઓળખી ગયો બોલ!! પૈસા પણ ના લીધા પણ એક ફરિયાદ કરી કે વો આપકે સાથ થાના કિરા વો મિલેગા તો ઉસકો કહીયેગા કી દો હજાર રૂપિયા લેના હૈ!! ખબર છે ને તે એનું બે હજારનું બુચ મારી દીધું હતું” રોહન બોલ્યો. અને ખડખડાટ હસીને કટીયો બોલ્યો.

          

“બારના આપણું બુચ મારે એટલે આપણે એનું બુચ મારવામાં વાંધો નહિ. તને એક વાત કહું વેસુમાં લગભગ મારવાડીઓ જાજા રહે.. મોટા મોટા ફ્લેટમાં ભાડે રહે..આપણા ગુજરાતી પાસેથી ઉધાર લઈને એ બીજાને ઉધાર માલ આપે વચ્ચે એ કમીશન ખાય જાય.. સામેની પાર્ટી એને પેમેન્ટ ન આપે તો એ ગુજરાતીને પેમેન્ટ નો આપે..આવા તો કૈંક મારવાડી કરોડોનું કરીને જતા રહ્યા છે. મેં તો બે હજારનું બુચ માર્યું પણ એનો ધંધો તો ધમધોકાર હાલે જ છે ને?? એ અહી આપણી પાસેથી કમાણા છે.. એના વતનમાં કમાણી હોય તો જખ મારવા ગુજરાત આવે?? બોલ .. પણ બુચ મારવાની પણ એક મજા હોય છે યાર”  વાતો કરતા કરતા અમરેલી ક્યારે આવી ગયું એની ખબર પણ ના પડી.

                  

“મને તું અહી ઉતારી દે અહીંથી સામેની બાજુએ જ મારે જવાનું છે અને મારો મોબાઈલ નંબર અને સરનામું લખી લે..અંકલેશ્વરથી સુરત આઘું તો નથી જ!! તું સુરત થી તારા ફેમેલી સાથે આવી શકે છે અને હા તને મારા ખર્ચે બધે ફેરવીશ.. ભલે હું રહ્યો ક્લાર્ક!! પણ તને કોઈ વાતે ઓછું નહિ આવવા દઉં એની ખાતરી આપું છું” રોહને કહ્યું.

          

“ આ મારા કાર્ડ છે એમાં મારા ત્રણેય નંબર છે. તારે પહેલા સુરત આવવાનું છે.. બને  દીકરીઓને લઈને બે ત્રણ દિવસ રોકાઈ એમ આવજે..!! સુરતમાં સગાઓ ઘણાં છે બસ મિત્રો નથી મારે!! સહુ પ્રોફેશનલ છે.. કામ હોય એ મિત્રો બને.. નિસ્વાર્થ ભાવે મિત્રો છે જ નહિ!! તું એક એવો મોત્ર છે કે તને ભેટવાનું મન થાય!!” કહીને કિરીટ ઉર્ફે કટીયો રોહનને ભેટી પડ્યો!! એક પ્રકારની ઉષ્માનો રોહન અનુભવ કરી રહ્યો હતો. સહજાનંદ કોલેજમાંથી છુટા પડ્યા ત્યારે આવી રીતે જ બધા  એકમેકને ભેટ્યા હતા!!

         

“એક કામ કર રોહન સામે રસનો ચિચોડો છે.. ચાલ મને બે ગ્લાસ રસના પાઈ દે યાર!! અને હા પૈસા તો તારે જ આપવાના છે.. ભાઈબંધ જ પૈસા આપે એમાં મને જે મજા આવે એવી ક્યારેય ના આવે ચાલ હવે જલદી કર રોહના” રોહને બે ગ્લાસ રસના પાયા અને કિરીટ પોતાની કાર લઈને જતો રહ્યો. રોહન પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો જ્યાં લગ્ન પ્રસંગ હતો. રાતે પણ રોહનને કિરીટના જ વિચારો આવ્યા!! રોહન પોતાના ભૂતકાળમાં ભૂલો પડ્યો!!

સહજાનંદ કોલેજમાં એ કીરીટની સાથે જ ભણતો અને રૂમ પાર્ટનર પણ હતો. રોહનના પાપા શીક્ષક હતા. ખર્ચા માટે જે કઈ રકમ આપતા તેનો એ બે બે વાર હિસાબ રાખતા. જયારે કિરીટના પાપા મામલતદાર હતા તેમ છતાં પહેલેથી જ કિરીટને રોહનના પૈસા વાપરવાની મજા આવતી. ચા પાણી કે નાસ્તો કર્યો હોય તો એ પરાણે પૈસા રોહન પાસે જ અપાવરાવે!! પોતે એક રૂપિયો પણ ના કાઢે. બધા જ મિત્રો તેને કટ ગુંદીનો ઠળીયો કહેતા. વિશાલ અને અજીત તો ક્યારેક કિરીટ સાથે ઝગડતા અને ગાળો બોલતા ખરા પણ રોહન ક્યારેય પણ કિરીટ સાથે ઝગડતો નહિ. કોણ જાણે ગયા ભવનું લેણું હોય એમ બંને વચ્ચે એક અજબની મૈત્રી હતી.

               

કિરીટ બાઈક રાખતો. શનિ રવિની રજાઓમાં એ રોહનને પાછળ બેસાડીને બાઈક લઈને નીકળી પડે.. ક્યારેક મહુડી જાય તો ક્યારેક ગાંધીનગરના સેકટર અઠ્ઠાવીસના બગીચામાં.. અમદાવાદના તમામ પીકનીક પોઈન્ટ્સ પણ ફરી વળતા.. પણ બાઈક પાછળ થોડી વાર જ રોહન બેસે પછી એને કિરીટ કહેતો.

                   

“ ચાલ હવે તું આ સર્કલ પર એક કલાક બેસ.. હું અને તારી ભાભી જરાક શોપિંગ કરતા આવીએ” એમ કહીને એ રોહનને ઉતારી દે.” અને કોલેજની કોઈ છોકરી સામેની બાજુએ ઉભી હોય

                

રોહન બોલતો.

             

“બાપા જે પૈસા આપે એ છોકરીઓ પાછળ વાપરવાના અને પછી અમારા પૈસે જલસા કરવાના એક વખત તારા પાપા કોલેજમાં આવે ને તને મળવા ત્યારે નો કહી દઉં તો મને કહેજે” અને હસતો હસતો કટીયો જતો રહેતો!!

                  

દર બે ત્રણ મહીને કિરીટ સાથેની છોકરી બદલાઈ જતી. ક્યારેક કોઈ છોકરી સાથે કિરીટ ફિલ્મ જોવા જવાનો હોય તો રોહન એને પરાણે સાથે લઇ જતો અને કહેતો.

         

“યાર ફિલ્મ જોવા જઈએ છીએ.. કોઈકે તો ફિલ્મ જોવું પડે કે નહિ..!! જો હું અને તારા ભાભી ફક્ત અંધારાનો લાભ લેવા જઈએ છીએ.. તું રહ્યો બ્રહ્મચારી એટલે તારે એકલાએ ફિલ્મ જોવાનું બાકી હું અને તારી ભાભી અમે એક બીજામાં ખોવાઈ ગયા હોઈએ એમાં ફિલ્મ કોણ જુએ!! અને આ મોંઘા ભાવની ટિકિટસના પૈસા માથે ના પડે એટલે તને સાથે લઇ જઈએ છીએ” અને રોહન એકલો ફિલ્મ જોતો. કટીયો એની ગર્લ ફ્રેન્ડ સાથે વ્યસ્ત રહેતો. પણ જયારે કોઈ છોકરી ભેગી હોય ત્યારે રોહનને એક નિરાંત રહેતી કે તમામ ખર્ચો કિરીટ જ કરતો. અને ખુલ્લે આમ કરતો. કોઈ છોકરી એટલે કે રોહનની કહેવાતી ભાભી સાથે હોય એટલે જમવાથી માંડીને તમામ ખરચ કિરીટ જ કરે અને પછીના દિવસોમાં એ કટ ગુંદીનો ઠળીયો બની જતો!!

                

કોલેજની આજુબાજુના ત્રણથી ચાર પાનાના ગલ્લે અને એક સમોસા વાળાને ત્યાં એ પૈસા બાકી રાખતો. મોટું નામું થાય ત્યારે એ ચૂકવી દેતો..પણ  જ્યારે કોલેજ પૂરી થવાની હતી. ત્યારે એ બધાનું કિરીટે બુચ મારી દીધું હતું.

                   

એક સિક્રેટ આ બને ભાઈબંધ વચ્ચે જ રહેતું કે રોહનને કિરીટની કોઈ ખાનગી વાત જાહેર કરવાની ટેવ નહોતી. કોલેજની ગમે તે છોકરી કિરીટ સાથે મૈત્રી બાંધવા અને તેની બાઈક પાછળ બેસવા તૈયાર  હતી.એક માત્ર કેતકી સિવાય!! કેતકી હતી ખુબ જ ખુબ સુરત!! કેતકીએ કિરીટને ચોખ્ખું કહ્યું.

             

“મિત્રતા તો મારે પણ બાંધવી છે પણ રોહન સાથે તારી સાથે નહિ.. મારો આ સંદેશો તારા ભાઈ બંધ ને પહોંચાડી દેજે અને તારી પાસે બાઈક છે ને એમાં હું અને રોહન ફરવા જઈશું.” રોહનને કિરીટે વાત કરી પણ રોહન એક જ વાત કરતો હતો કે મારા પાપા એ મને ભણવા મોકલ્યો છે મને આ ન પોસાય તારા બાપા મામલતદાર છે પગાર સિવાયની ઘણી બધી આવક એને મળે છે એટલે આ બધા ફંદ તને પોસાય મારા બાપાને પગાર સિવાય કશું જ નથી મળતું એટલે મને આ ના પોસાય!!

                     

બસ પછી  ત્રણ વરસ કોલેજ કરીને જુદા પડ્યા એ પડ્યા.. સહુ પોત પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા..અજીત અને વિશાલ તો રોહનને મળતા પણ કિરીટ ઉર્ફે કટીયો  કીરો ઉર્ફે કટ ગુંદીનો ઠળીયો એને આજે જ મળ્યો. પૈસાદારનો દીકરો હોવા છતાં હજુ ભાઈ બંધના પૈસે જ મોજ મજા કરવાની એની જૂની આદત હજુ ગઈ નહોતી. ગમે તે હોય પણ રોહનને કિરીટ પર ત્યારે પણ ગુસ્સો ના આવતો અને આજે પણ ન આવ્યો જ્યારે અજીત અને વિશાલ એને વારંવાર કહેતા પણ ખરા.

              

“ એ ચીકણી ભીંડી છે ભીંડી!! તારા પૈસા એ વાપરે છે.. તું શું કામ એને આપે છે..ચા પીવી હોય તો એના પૈસે પીવે બાકી જાય તેલ લેવા!! અમને એય ખબર છે કે કોલેજની કોઈ પણ છોકરી સાથે એ વિકએન્ડમાં ફરતો હોય છે. એમાં એ ધોમ પૈસા વાપરે છે.. તું ચેતી જાજે..એને ભણવામાં રસ જ નથી. રૂપાળી છોકરીઓ જ કટિયાનો સિલેબસ છે” રોહન હસતો પણ કશો જ જવાબ ન આપતો!!

                

લગ્ન પ્રસંગ પતાવીને બીજે દિવસ રોહન અંકલેશ્વર પોતાની જોબ પર પાછો ફર્યો.પોતાની પત્નીને કિરીટ વિષે વાતો કરી અને બને દીકરીઓની પરીક્ષાઓ પતી જાય પછી સુરત જવાનું પ્લાનિંગ કરી લીધું. અને હવે તો ફોન ઉપલબ્ધ હતા.  રોજ રાતે આઠ વાગ્યે કટીયાનો ફોન આવતો હતો.  બેયની પત્નીઓ પણ હવે એક બીજાને ફોન કરતી હતી. એકાદ માસ સુધી આ નિત્ય ક્રમ શરુ રહ્યો.

પણ અચાનક એક દિવસ સવારમાં જ રોહનને  હાર્ટએટેક આવ્યો.આમ તો એને કોઈ જ વ્યસન નહોતું. પત્ની સંધ્યા અને બને દીકરીઓ બેબાકળી બની ગઈ. અચાનક સંધ્યાએ  વૈશાલીને ફોન કર્યો.કિરીટ વૈશાલી સાથે આવવા અંકલેશ્વર આવવા નીકળી ગયો આ બાજુ ૧૦૮ આવી અને રોહનને દવાખાને લઇ જતા હતા. હાર્ટએટેક જીવલેણ નીવડ્યો!! ૧૦૮ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ રોહને દેહ છોડી દીધો. કિરીટ અને વૈશાલી પહોંચ્યા ત્યારે લોકોનું એક મોટું ટોળું રોહનના ઘર પાસે ઉભું હતું. કિરીટે બધી જ પરિસ્થિતિ  સંભાળી લીધી. રોહનના નાના ભાઈને જાણ કરી તેના માતા પિતા ગામડામાં રહેતા હતા નાના ભાઈ સાથે. બધા જ સંબંધીઓ ત્યાં હતા. કિરીટે બધી વ્યવસ્થા સંભાળી લીધી અને વૈશાલીએ બને દીકરીઓ અને સંધ્યાને સંભાળી લીધી!! રોહનનો અગ્નિદાહ ગામડામાં અપાયો. કિરીટ એકદમ સ્તબ્ધ થઇ ગયો હતો ઘણું દુખ હતું પણ સંધ્યા અને તેના પરિવારને સધીયારો આપવા માટે એ  હૃદયને કઠણ કરી રાખ્યું હતું. પણ જેવી સ્મશાન યાત્રા નીકળી કે કિરીટ ભાંગી પડ્યો.. જીંદગીમાં તે આટલું ક્યારેય રડ્યો નહોતો!!

                  

બાર દિવસ સુધી કિરીટ ત્યાં રોકાઈ ગયો. સંધ્યા અને તેના પરિવારને સાંત્વના પાઠવીને કિરીટ સુરત આવ્યો. કીરીટની પત્ની વૈશાલી સંધ્યા અને બને દીકરીઓને સતત ફોન કરતી હતી. બાર સાયન્સનું પરિણામ આવ્યું એ દિવસે સાંજે વૈશાલી ગાડી લઈને સંધ્યાને મળવા આવી. નયનાને સારા ગુણ આવ્યા હતા. પોતાના પિતાજીને ગુમાવ્યા હતા એટલે દીકરીના મોઢા પર સારા ગુણ આવ્યા છતાં ખુશીની કોઈ ચમક દેખાતી નહોતી.  વૈશાલી બોલી.

             

“ કિરીટે મને કહ્યું કે તું બને દીકરીઓ અને વૈશાલી ભાભીને અહી સુરત લેતી આવ!! ના આવે રો એમને રોહન અને મારી મિત્રતાના સોગંદ આપજો.. બને દીકરીઓનો આજીવન ખર્ચ હવે અમે ઉપાડીશું. અમને કોઈ તકલીફ નથી. તમે કોઈ જ ચિંતા ન કરો. તમારા દિયર અને તમારા સાસુ સસરા સાથે  કિરીટે વાતચીત કરી લીધી છે. મને કિરીટે કહ્યું છે કે જ્યાં સુધી સંધ્યા ભાભી અને એમની દીકરીઓ તારી સાથે ન આવે ત્યાં સુધી તું ત્યાં રોકાજે એને લઈને જ આવજે.. જે ખોટ પડી એને કોઈ પૂરી તો ના શકે પણ તમને હવે કોઈ તકલીફ ન પડે એની જવાબદારી અમારી છે. સુરતમાં અમારા ચાર ફ્લેટ છે તમને જ્યાં ફાવે તમે રહી શકો છો. દીકરીઓના ભણતર થી માંડીને એના લગ્ન સુધીની તમામ જવાબદારીઓ હવે અમારી છે પ્લીઝ સંધ્યાભાભી તમે અમારી સાથે ચાલો રોહનભાઈ નું બહુ મોટું ઋણ અમારા પર છે એમ કિરીટ કહેતા હતા પ્લીઝ તમે અમારી સાથે ચાલો” 

                             

અને સંધ્યા અને એની બને દીકરીઓને  વૈશાલી સુરતમાં લાવી. એક સારામાં સારો ફલેટ સંધ્યાના નામે કરવામાં આવ્યો. બને દીકરીઓના અભ્યાસનો તમામ ખર્ચ સાથે ઘરનો પણ તમામ ખર્ચ પણ કિરીટે ઉઠાવી લીધો. બે કે ત્રણ દિવસે વૈશાલી આખો દિવસ સંધ્યા અને એની દીકરીઓ સાથે ગાળે છે. એક અકાળે મુરજાઈ જતા પરિવારને કટ ગુંદી ના ઠળિયા ઉર્ફે કિરા ઉર્ફે કટિયા એ જીવતદાન આપી દીધું!!

                

તમેં ક્યારેય કટ ગુંદી નો ઠળીયો જોયો હોય તો ખ્યાલમાં આવશે કે એક વાર એ ઠળીયો ગમે ત્યાં ચોંટી જાય ને તો પછીએ એને ઉખેડવો મુશ્કેલ બની જાય છે. અને આવું જ થયું. કટિયાની મિત્રતા રોહનના મૃત્યુ પછી પણ એના કુટુંબ સાથે જોડાયેલી રહી!! ખરો છે આ કટ ગુંદીનો ઠળીયો!!!

             

નિસ્વાર્થ  મિત્રતા એ પૃથ્વી પરની  સંજીવની છે જેને મળે છે એ ધન્ય થઇ જાય છે!!

Post a comment

0 Comments